[:gj]મંદીના ડરે ગુજરાતમાં જંત્રીનો દર વધારો ટળ્યો[:]

[:gj]ગાંધીનગર, તા. 16

ગુજરાતમાં જંત્રીના દરોમાં વધારો કરવાની શક્યતા પર હાલમાં પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરોમાં સુધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ મુખ્યપ્રધાન હાલ જંત્રી વધારવાના મૂડમાં નથી. જંત્રીના દરો નહીં વધવા પાછળનું મુખ્ય કારણ પ્રવર્તી રહેલી વૈશ્વિક મંદી છે.

વિશ્વમાં 2008 જેવી ભયાનક મંદી આવી રહી છે જેની અસર ભારત અને ગુજરાતમાં થાય તેવી સંભાવના છે. આ ભયના કારણે રાજ્ય સરકારે હાલ પુરતા જંત્રીના દરોમાં સુધારો કરવાનું મુલત્વી રાખ્યું છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને પૂછતાં તેમણે કહ્યું હતું કે જંત્રીના દરોમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન લઇ શકે છે પરંતુ હાલ તેવી કોઇ શક્યતા નથી.

 2011માં જંત્રીના નવા દર નક્કી કરાયા હતા

ગુજરાતમાં 2008ના વર્ષમાં પહેલીવાર જંત્રીના દરો સુધારવામાં આવ્યા હતા પરંતુ તેમાં વિસંગતતા રહેતા સરકારે 2011માં ફરી એક વાર જંત્રીના દરોની સમીક્ષા કરીને રાજ્યના વિવિધ વિસ્તારો માટે નવા દરો નક્કી કર્યા હતા. આઠ વર્ષ પછી સરકારને એવું લાગ્યું કે હવે જંત્રીના દરોમાં સુધારો કરવો જોઇએ અને તે માટેની પ્રક્રિયા પણ  શરૂ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર જેવા જંત્રી દરો કરવાની ગુજરાત સરકારની તૈયારી હતી પરંતુ હાલ મંદીની અસર શરૂ થઇ હોવાથી આ દરોમાં સુધારો કરવાનું મુલત્વી રખાયું છે.

હાલના જંત્રીના દરોમાં વિસંગતતા છે

ગુજરાતમાં હાલમાં પ્રવર્તતા જંત્રીના દરોમાં વિસંગતતા જોવા મળે છે. એક જ શહેરમાં એક જ વિસ્તારમાં જંત્રીના દરો કોઇ પ્લોટમાં વધારે છે તો નજીકના અથવા તો બીજી સાઇડના પ્લોટમાં ઓછા જોવા મળે છે. કેટલીક જગ્યાએ વિસંગતતા ઊભી થતાં જંત્રીના દરો લાગુ કરવાની ફાઇલોના નિકાલમાં વિલંબ ઊભો થાય છે. રાજ્યમાં વિસ્તાર પ્રમાણે અને વિસ્તારની બન્ને સાઇડે અભ્યાસ કરીને જંત્રીના દરો લાગૂ કરવામાં આવ્યા નથી. પરિણામે જમીન કે મિલકતના ખરીદ-વેચાણની પ્રક્રિયામાં જંત્રીના દરો ગણવામાં વિલંબ થતો જોવા મળે છે.

મંદીના ડરે સુધારો ટાળવામાં આવ્યો

રાજ્યના સ્ટેમ્પડ્યુટી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમને સરકારની સૂચના મળે તો જંત્રીના દરોમાં સુધારો કરવા અમે તૈયાર છીએ પરંતુ તેના માટે લાંબો સમય જોઇએ. જો કે હાલ સરકાર તરફથી એવી કોઇ સૂચના આવી નથી કે જંત્રીના દરોમાં સુધારો કરવો. જંત્રીના પ્રવર્તમાન દરોમાં વિસંગતતા હોવાથી દરોમાં સુધારા કરવા ઇચ્છનિય બન્યા છે પરંતુ જમીન અને મિલકતના સોદામાં મંદી આવે એ ડરથી સરકાર જંત્રીના દરો સુધારવા માગતી નથી. લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી જંત્રીના દરોમાં સુધારો કરવાની એક દરખાસ્ત સરકારને મળી હતી પરંતુ સરકારે વૈશ્વિક મંદીના કારણે આ દરોમાં સુધારો કરવાનું ટાળ્યું છે.

 [:]