[:gj]કોરોના માટે હેલ્પલાઈન 104 ઉપર 2424 લોકોએ ફોન કર્યા [:]

[:gj]રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર અને આરોગ્ય સંબંધિત મદદ મેળવવા માટે જ હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર તારીખ 23-03-2020 ના રોજ કુલ કોરોનાની સારવાર સંબંધિત 2424 કોલ આવ્યા હતા જે તમામ કોલને ક્લોઝર લેવલ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરનાર લોકોને યોગ્ય માહિતી અને સમસ્યાનું સમાધાન મળેલ છે કે નહિ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 204 લોકોને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું જેમાંથી 138 લોકોએ ફોન ઉપાડ્યા હતા. હેલ્પલાઈન તરફથી આપવામાં આવેલી માહિતિ અને સેવાઓ અંગે 112 લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું.

ખાનગી તબીબો પણ કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપે

આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ. જયંતિ રવિએ રાજ્યના ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો  હતો. કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છુક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા તમામ મેડીકલ પ્રેક્ટિશનર્સ, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો જે-તે તબીબે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે-તે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ કે કચેરીને તાત્કાલિક જાણ કરવાની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગની અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના સુચારૂ અમલીકરણ હેતુ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત ઝોનલ કક્ષાએ સિનિયર આઈ.એ.એસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે જેમાં અમદાવાદ અને ગાંધીનગર માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, વડોદરા માટે શિક્ષણવિભાગના સચિવશ્રી વિનોદ રાવ, સુરત માટે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રિશનના કમિશનરશ્રી એમ.એસ.પટેલ અને રાજકોટ-ભાવનગર માટે ઉદ્યોગ કમિશનરશ્રી ડૉ. રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું.[:]