[:gj]કચ્છમાં હાઈટેક સબ સ્ટેશન ભ્રષ્ટાચારનો વીજ આંચકો [:]

[:gj]હકીકત જાણીને આપને 440 વૉલ્ટનો ઝટકો લાગશે! ભુજના પરા સમાન માધાપરમાં 66 KVનું નવું હાઈટેક સબ સ્ટેશન બન્યાં બાદ ‘અવળી ગંગા’ જેવો ઘાટ સર્જાયો છે! અગાઉ અહીં અઠવાડિયાના 7 દિવસમાંથી સરેરાશ 5થી 6 દિવસ અને એક દિવસમાં નાના-મોટાં ફોલ્ટ, મેઈન્ટનેન્સ કે લાઈન ક્રોસીંગના કારણે સાતથી આઠવાર વીજળી ગાયબ રહેતી. ક્યારેક તો દિવસના 12 કલાકમાંથી સાત-આઠ કલાક વીજળી ગાયબ રહેતી. ખાસ કરીને, ઉનાળામાં જો ભૂલેચૂકે ક્યારેક આખો દિવસ લાઈટ ગુલ ના થાય તો તે બાબત રહીશોમાં ચર્ચાનો વિષય બનતી. આ સમસ્યાના ઉકેલ માટે 66 KVનું નવું સબ સ્ટેશન બનાવાયું. 4 મહિના અગાઉ 8મી સપ્ટેમ્બર 2019નાં રોજ અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા સબ સ્ટેશનનું લોકાર્પણ થયું ત્યારે સૌ ગૌરવ લેતા હતા કે આ સબ સ્ટેશન ગુજરાતનું પહેલું હાઈ-ટેક સબ સ્ટેશન છે.

વીજલોડ ના વધે જેથી અધિક લોડના કારણે થતાં ફોલ્ટ અટકવા સબસ્ટેશન પાછળ સરેરાશ 3થી 5 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. નવુ સબ સ્ટેશન બને ત્યાં લોકોને નાનાં-મોટા ફોલ્ટના કારણે છાશવારે વીજળી ગુલ થઈ જવાની સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે.

નવા સબસ્ટેશનમાં સલ્ફર ફ્લોરાઈડ ગેસ આધારીત પેનલ લગાડાઈ છે. અગાઉ પેનલમાં બે કેબલ વચ્ચે વેક્યુમ રહેતું તેના બદલે હવે તેમાં SF ગેસ હોય છે. વડોદરાની ખાનગી કંપનીએ બનાવેલી પેનલો આ સબ સ્ટેશનમાં લગાવાઈ છે. પરંપરાગત પેનલની તુલનાએ વધુ નાણાંકીય ખર્ચ થયો છે. આખા ગુજરાતમાં પ્રથમવાર આ નવી ટેકનોલોજીયુક્ત પેનલ અહીં લગાડાઈ છે. શરૂઆતમાં વીજ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નવી ટેકનોલોજીથી વાકેફ નહોતા. ઉદઘાટન બાદ જેમ જેમ તબક્કાવાર સબ સ્ટેશન કાર્યરત કરાયું તેમ તેમ પેનલોમાં ખોટીપો સર્જાવા માંડ્યો છે! પહેલાં સૌને લાગ્યું હતું કે આ ‘ટીધીંગ પ્રોબ્લેમ’ છે, ઉકેલ આવી જશે. પણ 3 માસમાં 3 પેનલ ‘ઉડી’ ગઈ છે! ‘ટીધીંગ પ્રોબ્લેમ’ રૂટીન પ્રોબ્લેમ થઈ ગયો છે. ત્રણેય પેનલ રીપ્લેસ કરાઈ છે. પરંતુ, અધિકારીઓના જીવ હવે હંમેશા ‘અધ્ધર’ રહે છે. પેનલ ક્યારે ઉડી જાય તે કહેવાય નહીં! સમસ્યાનો કાયમી અંત જણાતો નથી. PGVCL આ ખોટીપા અને સમારકામ માટે GETCO પર દડો ફેંકે છે. GETCO વડોદરાની કંપની પર દડો નાખે છે! એકમેક પર દડો ફેંકવાની પરિસ્થિતિમાં ‘મરો’ જનતાનો થયો છે. કારણ કે પેનલ ‘ઉડે’ એટલે કલાકોના કલાકો સુધી વીજળી ગુલ રહે છે. સમગ્ર બાબત ટેકનિકલ છે પણ સાથોસાથ અધિકારીઓ દબાતા અવાજે આશંકા દર્શાવે છે કે નવી પેનલ નાખવાના નામે ઉચ્ચસ્તરેથી મોટી ‘ગોઠવણ’ થઈ છે એટલે આ હાલત સર્જાઈ છે! અધિકારીઓને ચિંતા છે કે હાલ ભરશિયાળે જ્યારે સાવ ઓછો વીજલોડ છે છે ત્યારે આ હાલત છે તો ઉનાળે કેવી મોંકાણ સર્જાશે? GETCOના સ્થાનિક અધિકારીઓએ તો હવે આ ટેકનોલોજી ગામડાનાં સબ સ્ટેશનો પૂરતી જ મર્યાદિત રાખવાનું નક્કી કર્યું છે! મામલો GETCOના MD સુધી પણ પહોંચ્યો છે. પરંતુ, વાઘને કહે કોણ કે તારું મોઢું ગંધાય છે! ઉપલા સ્તરે જો ખરેખર ભ્રષ્ટાચાર આચરાયો હોય તો તેનો કરંટ આમજનતાને લાગી રહ્યો છે! લાગે છે કે વીજળીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતા રસ્તા પર નહીં ઉતરે ત્યાં સુધી કોઈના પેટનું પાણી નહીં હલે.[:]