[:gj]ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, અપશુકન પ્રથા ઉદભવી ? [:]

[:gj]સલ્તનત કાળમાં ગુજરાતના મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ પણ પડવા લાગ્યો. જે આખી ને આખી જ્ઞાતિઓએ ઇસ્લામ અંગીકાર કર્યો . તેઓએ પોતાની અગાઉની  રહેણીકરણી , પરંપરાગત પ્રથાઓ અને માન્યતાઓ ચાલુ રાખી . મુસ્લિમ કુટુંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારોમાં પ્રસ્થાપિત કરી . હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં પ્રવર્તી . અગાઉ તુર્ક , અફઘાન , ઈરાની , તુરાની જેવા ભેદ હતા , પણ એમનું સ્વરૂપ હિંદુ જ્ઞાતિ જેવું નહોતું , પણ ધીમે ધીમે ધંધો આંતરલગ્ન , કોટિકમ અને કલ્પશુદ્ધિની ભાવના પર આધારિત જ્ઞાતિપ્રથા મુસ્લિમ સમાજમાં પણ સ્પષ્ટ થવા લાગી હતી.

સૈયદ , શેખ , પઠાણ , વણકર વગેરે જ્ઞાતિઓ લગ્નવ્યવહાર માટે જ્ઞાતિમર્યાદા અપનાવવા લાગી હતી.  ઇસ્લામમાં તલાક અને વિધવા પુનર્લગ્નની છૂટ હતી , પરંતુ તત્કાલીન હિંદુ સમાજની અસરથી એનો પ્રચાર ઘણો ઘટી ગયો હતો. હિંદુઓની અસરથી મુસ્લિમો પાન ખાવાના શોખીન બની ગયા . હિંદુ કન્યાઓએ મુસ્લિમો સાથે લગ્ન કર્યા પછી સેંથીમાં સિંદૂર પૂરવાનું ચાલુ રાખ્યું હતું. જેનું અનુકરણ અન્ય મુસ્લિમ સ્ત્રીઓ પણ કરવા લાગી હતી.

હિંદુ સમાજની માન્યતા મુજબ ભૂત – પ્રેત અને ડાકણમાં માનવું , નજર લાગવાની બાબતમાં વિશ્વાસ કરવો , મંત્રયુક્ત યંત્ર કે દોરા અથવા તાવીજ બાંધવાં હિંદુઓમાં પ્રચલિત બધાં જ શુકન – અપશુકન માનવાં , વગેરે હિંદુ પ્રભાવનું પરિણામ છે . ઇસ્લામના ઇસ્માઈલની ખોજા પંથ પર હિંદુ ધર્મનો વ્યાપક પ્રભાવ પડ્યો હોવાનું ઉપર દર્શાવવામાં આવેલું છે .

ભારતીય મુસ્લિમ સ્થાપત્ય પર હિંદુ સ્થાપત્ય – કલાનો કેટલોક પ્રભાવ પડ્યો છે , પરંતુ એમાંય અન્ય પ્રાંતોની સરખામણીમાં ગુજરાતમાં આવો પ્રભાવ વિશેષ જોવા મળે છે . ભારતના અન્ય પ્રાંતોની જેમ ગુજરાતમાં કેટલાંક મંદિરોને મુસલમાનોએ સલ્તનતકાલ મસ્જિદમાં ફેરવી નાખ્યાં હતા. મંદિરોનાં શિખર તોડીને એને સ્થાને એના જ અવશેષોમાંથી ગોળ ઘુમટ બનાવી દીધો . ગર્ભગૃહ અને મંડપ વચ્ચેની દીવાલો તોડીને તેમજ એમાંની મૂર્તિઓને તોડી – ફોડી નાખીને ત્યાં નમાજ પઢવા માટેના લિવાનની રચના કરી લેવામાં આવી હતી. મંદિરની કેટલીક વેલબુટ્ટા જેવી સજાવટ યથાવતું રખાઈ , જ્યારે દેવદેવીઓ અને અન્ય મનુષ્યકૃતિઓને ખંડિત કરવામાં આવી કે ઘસી નાખીને એને સ્થાને ફૂલવેલ જેવી આકૃતિઓ કરવામાં આવી .

મંદિર પાસે આવેલા કુંડને હોજમાં ફેરવી નાખવામાં આવ્યો . મુસ્લિમ ઇજનેરોની દેખરેખ નીચે હિંદુ શિલ્પીઓ પાસેથી આ કામ લેવામાં આવ્યું . અહીંના શિલ્પીઓએ પણ પોતાના મુસ્લિમ સ્વામીઓની રુચિને અનુકૂળ મસ્જિદો , મકબરા , રોજા અને મહેલ બનાવ્યાં . આ શિલ્પીઓએ મુસ્લિમ ઇમારતોના બાહ્ય સ્વરૂપને અકબંધ રાખીને એમાં હિંદુ શેલીનાં કેટલાંક સુશોભનાત્મક તત્ત્વ ઉમેર્યા . પરિણામે મુસ્લિમ સ્થાપત્યની નરદમ સાદાઈ ઘટવા લાગી અને એ ઇમારતો ભવ્ય અને મનોહર દેખાવા લાગી . એનાથી પ્રભાવિત થયેલા મુસલમાને એ એનો સહર્ષ સ્વીકાર કરી લીધો . અહીંના મુસ્લિમ સ્થાપત્યમાં હિંદુ અને જૈન કલાનાં સુંદર તત્ત્વોનો સમન્વય આ કાલમાં થયો . એમાં જૈન કલાનો પ્રભાવ વિશેષ રહેલો છે . આ ઇમારતોમાં સોમપુરા શિલ્પીઓએ અભુત રચના – કૌશલ અને શિલ્પ – કસબ દર્શાવ્યાં . સ્તંભો અને પાટડાઓ તેમજ ગોખલા અને ઝરૂખાની રચના અને કમાન , કંદોરા તથા મહેરાબોની સજાવટની બાબતમાં હિંદુ શૈલીનો વ્યાપક પ્રભાવ જોવા મળે છે . રત્નમણિરાવ જોટ કહે છે તેમ “ ભરપૂર અલંકાર સાથે જ સ્વચ્છ સાદાઈનો , મજબૂતાઈ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યમાં સધાયો છે એવો હિંદના અન્ય પ્રાંતના કે હિંદ બહારના દેશોના સ્થાપત્યમાં જોવો મુશ્કેલ છે. એમ ગુજરાત સરકારે પ્રસિદ્ધ કરાવેલા પુસ્તકમાં જણાવાયું છે.[:]