[:gj]કોરોના વાયરસ – મહિલા સંમેલનનો બંધ રાખવા આદેશ [:]

[:gj]અમદાવાદ, ૦૬ માર્ચ-૨૦૨૦
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશનમાં આગામી તા.૮મી માર્ચ-૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલનની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થે કોરોના વાયરસની ચેતવણીના કારણે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૮મી માર્ચ ૨૦૨૦ના રોજ આયોજીત મહિલા સંમેલનની ઊજવણી હાલમાં મોકૂફ રાખવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

કામદારો માટેનો જાન્યુઆરી-૨૦૨૦ માસનો ગ્રાહક ભાવાંક

ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો જાન્યુઆરી-૨૦૨૦નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો માટે નક્કી કરાયો છે. જે અનુસાર જાન્યુઆરી-૨૦૨૦ માટેના પાયાના વર્ષ (૨૦૦૧)ને ૧૦૦ પર આધારિત ગણતરી કરેલ ગ્રાહક ભાવાંક ૨૯૫ આંકને ૧૯૮૨ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૮૨=૧૦૦)=૧૩૬૨.૯ થાય છે. આ આંકને ૧૯૬૦ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦)=૬૫૧૪.૬૬ થાય છે. આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો માહે-જાન્યુઆરી-૨૦૨૦ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯૨૬-૨૭=૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૨૦૬૫૧.૪૮ થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે
ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અંતર્ગત રાજ્યમાં ચણા માટે ૯૫ કેન્દ્રો અને રાયડા માટે ૩૫ કેન્દ્રો ખાતે તા.૧૬ માર્ચ ૨૦૨૦ સુધી નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. તા.૪/૩/૨૦૨૦ સુધી ચણાની જણસી માટે ૭૨,૦૫૭ લાભાર્થીઓએ તથા રાયડાની જણસી માટે ૧૨,૮૭૭ લાભાર્થીઓએ ખરીદ કેન્દ્રોમાં નોંધણી કરાવેલ છે. આ નોંધણીમાં સતત વધારો થઇ રહેલ હોવાથી ચણા અને રાયડાની જણસીઓની લણણી પ્રક્રિયા ચાલુ હોઇ રાજ્ય સરકારે ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી તા.૧/૩/૨૦૨૦ની જગ્યાએ તા.૧/૪/૨૦૨૦થી તા.૩૧/૫/૨૦૨૦ સુધી કરવાનો નિર્ણય કર્યો છે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે.[:]