[:gj]હિંમતનગરમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવા છતાં વાહન ટો કરવા સામે આક્રોશ[:]

[:gj]હિંમતનગર, તા.૧૮

એક બાજુ સરકારે નવા ટ્રાફિકના નિયમો અમલ કરવાની શરૂઆત કરતાં હિંમતનગરમાં ટોઇંગવાળાઓનો ત્રાસ વધી ગયો છે. જ્યારે હિંમતનગરમાં ટ્રાફિકની કારગર સુવિધા ન હોવાથી શહેરીજનોને વાહન ક્યાં પાર્ક કરવા તે પ્રશ્ન બની ગયો છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકો રસ્તા પર વાહનો મૂકતા ટોઇંગવાળા આવીને લઇ જાય છે અને દંડ વસૂલે છે. અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પોલીસે 150 વાહન ચેક કરી 50 વાહનચાલકો પાસેથી 45 હજાર દંડ વસૂલ્યો હતો.

હિંમતનગર શહેરમાં સિટિ ટ્રાફિક પોલીસ દ્વારા બીજા દિવસે 180થી વધુ વાહનોનુ ચેકિંગ કરી રૂ.56,600નો દંડ વસૂલ કર્યો હતો અને બે વાહનો ડિટેઇન કરી 9 વાહન ચાલકોને આર.ટી.ઓની એન.સી.આપી હતી. સીટી ટ્રાફિક પીએસઆઇ એ.ડી. પરમારે જણાવ્યું કે મંગળવારે 180થી વધુ વાહનોની ચકાસણી કરાઇ હતી અને રૂ.56,600 સ્થળ દંડ વસૂલ કરાયો હતો. તથા 9 વાહન ચાલકોને આરટીઓની 9 એનસી આપવા સહિત બે વાહનો ડીટેઇન કરાયા હતા.

બી ડિવિઝન પીએસઆઇ પ્રતિપાલસિંહે જણાવ્યું કે, બીજા દિવસે 40થી વધુ વાહનોના ચેકિંગ દરમિયાન રૂ.12 હજાર સ્થળ દંડ વસૂલ કરાયો હતો. જિલ્લા ટ્રાફિક પીએસઆઇ અમિત દેસાઇએ જણાવ્યું કે 6 વાહનો ડીટેઇન કરવા સહિત 7 વાહનોને એમવી એક્ટ અંતર્ગત એન.સી. આપવા સહિત રૂા.5 હજાર સ્થળ દંડ વસૂલ કરાયો હતો. હિંમતનગર શહેરમાં પાર્કીંગની કારગર સુવિધા જ નથી. બહુમાળી ભવન ખાતે ભાડે ફરતી ટેક્સીઓ ઊભી રહે છે. ટાવર રોડ પર સિવિલ અને હિંમત હાઇસ્કૂલના કોટ આગળ નામનું પાર્કિંગ છે. જૂની સિવિલ હોસ્પિટલની સામેના ભાગમાં ચાર બેન્કો છે. જ્યાં પાર્કિંગની સુવિધા નથી. ટાવર ચોક અને શાક માર્કેટ કે જ્યાં મહત્તમ શહેરીજનો આવે છે ત્યાં પણ કારગર સુવિધા નથી. જૂના બજાર, નવા બજાર, હાજીપુરા વિસ્તાર, બસસ્ટેન્ડ રોડ વિસ્તારોમાં પાર્કીંગ ક્યાં કરવું તે મળે તેમ નથી. વાહન મૂકતાની સાથે ક્યાં તો લોક થઇ જાય છે અથવા ટોઇંગ એજન્સી લઇ જાય છે.

 [:]