[:gj]ધાનેરાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી[:]

[:gj]ધાનેરા, તા.૦૧ 

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક્ષણાઅધિકારીને જાણ થતાં તાત્કાલિક તાલુકા શિક્ષણાઅધિકારીને કોટડા ગામે મોકલવામાં આવ્યા હતા.

ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં શાળાના આચાર્યના ગેર વહીવટને લઇને સોમવારે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. આ અંગેની જાણ શિક્ષણ વિભાગને થતાં અધિકારીઓ દોડતા થયા હતા અને ગ્રામજનોને સમજાવવા માટે તજવીજ હાથ ધરી હતી. કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંગીતાબેન શ્રીમાળી છેલ્લા પાંચ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે પરંતુ તેઓ આવ્યા પછી શાળામાં હજુ સુધી એસ.એમ.સી. કમિટીની રચના પણ કરવામાં આવેલ નથી. શાળામાં આવતી શિષ્યવૃતિની કેટલીક રકમ બાળકોને ચુકવેલ નથી તેમજ શાળામાં આવતી ભૌતિક સુવિધાની ગ્રાન્ટ પણ બારોબાર કરી દેવામાં આવે છે.

તેના બીલો પણ એસ.એમ.સી. સભ્યોને બતાવવામાં આવતા નથી. તેમજ શાળામાં 15 કોમ્પ્યુટરો હતા, તે પણ સ્ટોર રૂમમાં ભંગાર પડી રહ્યા છે. તેમજ ચાર વર્ષથી આર.ઓ.પ્લાન્ટ આવવા છતાં તે ભંગારમાં પડી રહ્યો છે. શાળાના મોટાભાગના રેકર્ડ પણ પોતાના ઘરે રાખતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ આ બાબતે ધાનેરા તાલુકા શિક્ષણ અધિકારીને 26 ઓગસ્ટના રોજ આ 13 મુદ્દાઓ બાબતે લેખિતમાં ગ્રામજનો દ્વારા રુબરુ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં નહી આવે ત્યાં સુધી શાળા બંધ રાખવા માટે પણ મક્કમતા દાખવી હતી.

આ અંગે સરપંચ મસરુભાઇ શું કહે છે!!

‘અમારા ગામની પ્રાથમિક શાળા તાલુકામાં પ્રથમ ક્રમે આવતી હતી અને શાળાના બાળકો તમામ ક્ષેત્રે નંબર લાવતા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આ આચાર્ય આવ્યા પછી આ શાળાને પ્રથમ ક્રમેથી છેલ્લા ક્રમે પહોંચાડી દેવામાં આવેલ છે અને આ આચાર્ય દ્વારા ગેરવહીવટના કારણે શાળાનો વિકાસ પણ રુંધાઇ રહ્યો છે. માટે શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલાં ભરીને આ આચાર્યની અમારા ગામથી બદલી કરવામાં આવે તે જરુરી છે.’

 [:]