[:gj]ધાર્યું પરિણામ ન મળતાં અમિત શાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો[:]

[:gj]ગાંધીનગર, તા. 25

રાજ્યની છ બેઠકોની પેટાચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર જ પ્રદેશ ભાજપના પ્રમુખ અને ગૃહરાજ્ય પ્રધાનને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને પ્રદેશ નેતાગીરીના પણ ક્લાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળીના પર્વ નિમિત્તે બે દિવસના માદરે વતન ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપ જાડેજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી ઉપસ્થિત હતા. આ બન્ને નેતાઓ સાથે ઔપચારિક વાતચીત કર્યા બાદ બન્ને નેતાઓ ઉપરાંત ભાજપના પ્રદેશ હોદ્દેદારોને ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચવાનો આદેશ અમિત શાહે કર્યો હતો. આ આદેશથી બન્ને નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, એરપોર્ટથી અમિત શાહને મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચવાનું હતું તેના સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. એરપોર્ટથી ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચેલા અમિત શાહે બંધ બારણે ભાજપના પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

અમિત શાહ કો ગુસ્સા ક્યોં આતા હૈ?

ગુજરાતની છ બેઠકોની પેટાચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જ જીતવાના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખૂબ જ ગુસ્સે ભરાયા હોવાના અહેવાલ છે. કેમ કે, પોતાના અને વડાપ્રધાન મોદીના હોમગ્રાઉન્ડમાં જ ભાજપની નાલેશીભરી હારના કારણે રાજ્યમાં ભાજપની છબિને નુકશાન પહોંચ્યું છે. પક્ષના આંતરિક સૂત્રો કહે છે, છેલ્લા કેટલાંક સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ ભાજપના નેતૃત્વથી ખફા છે અને નારાજ પણ છે. તેની પાછળ કારણ આપતાં સૂત્રો કહે છે કે, તાજેતરમાં ભાજપના સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાંથી ભાજપના સભ્યોની વધુમાં વધુ નોંધણી થવાની અપેક્ષા રાખવામાં આવી હતી. આ કારણે ગુજરાત પ્રદેશ નેતૃત્વએ 50 ટકા નવા સભ્યો બનાવવાનો લક્ષ્ય રાખ્યો હતો. હાલમાં પ્રદેશ ભાજપના 79 હજાર જેટલા સક્રિય સભ્યો છે. જેના આધારે જો વાત કરીએ તો બીજા એટલા જ મતલબ કે 1 લાખ 60 હજાર જેટલા કુલ સભ્યો થવા જોઈએ પરંતુ હાલમાં આ આંકડો 1 લાખે પહોંચ્યો છે. મતલબ કે નવા સભ્યો માત્ર 21 હજાર જ થયા છે. સક્રિય સભ્ય બનાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય હતો પરંતુ નવા 60 હજાર કરવાના હતા જે માત્ર 21 હજાર જ થયા હોવાથી અમિત શાહ ગુસ્સે ભરાયેલા છે અને આટલું ઓછું હોય એમ પેટા ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જ ભાજપ જીતી શકતા તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

સર્કિટ હાઉસમાં બંધ બારણે બેઠક

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં પ્રદીપ જાડેજા અને જિતુ વાઘાણી ઉપરાંત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા તેમ જ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત હતા. આ બેઠકમાં રાજ્યમાં યોજાયેલી છ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી હતી. અને ભાજપની અપેક્ષા કરતાં વિપરિત પરિણામ આવતાં ભડકેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદીપ જાડેજા અને જિતુ વાઘાણીને રીતસરના ખખડાવ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપને છ બેઠકો જીતવાની અપેક્ષા હતી, પરંતુ ભાજપ પોતાની થરાદ બેઠક જે ભાજપનો ગઢ છે તે પણ જાળવી ન શકી તેના કારણે અમિત શાહે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાધનપુર અને બાયડની બેઠક પણ ન જીતી શકવાને લઈને ચર્ચા કરાઈ હતી. અમિત શાહે આ પેટા ચૂંટણીમાં ભાજપનો કયા કારણોસર પરાજય થયો તેનો રિપોર્ટ પણ માંગ્યો હતો. જે સંદર્ભે પ્રદીપ જાડેજા, જિતુ વાઘાણી કે ભીખુ દલસાણિયા સંતોષકારક જવાબ ન આપી શક્યા.

અમરાઈવાડી બેઠકની ચર્ચા

અમરાઈવાડી બેઠક જે વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે અને 2017માં એચ. એસ. પટેલ આ બેઠક પરથી અંદાજે 49,732 મતોની સરસાઈથી જીત્યા હતા. પરંતુ આ વખતે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના જગદીશ પટેલ માત્રને માત્ર 5528 મતે જ વિજય થયો હતો. આમ બે વર્ષના ગાળામાં ભાજપની જીતના અંતરમાં લગભગ 44, 204 મતોનું ગાબડું પડ્યું હતું. જેના કારણે પણ અમિત શાહે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અમિત શાહે આ બેઠકના પ્રભારી એવા પ્રદીપ જાડેજાનો ખુલાસો માંગ્યો હતો. પરંતુ પ્રદીપ જાડેજા યોગ્ય ખુલાસો આપી શક્યા નહોતા. આ સરસાઈ ઘટવા પાછળ ભાજપના કેટલાંક નેતાઓ પ્રચારથી અલિપ્ત રહ્યા એ ગણવામાં આવી રહ્યું છે.

હારની પાછળના કારણો કયા?

છ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપને માત્ર 3 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. છ પૈકી માત્ર ત્રણ બેઠકો પર જ વિજય થવા પાછળ એક એવું ગણિત પણ ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના દિગ્ગજ નેતાઓએ આ પેટા ચૂંટણીમાં પ્રચાર કરવામાં ઉદાસીનતા દાખવી હતી. આ ઉદાસીનતા પાછળ મુખ્ય કારણ એવું છે કે, બાયડ અને રાધનપુર માટે ભાજપના સ્થાનિક નેતાઓએ આયાતી ઉમેદવારને ટીકિટ નહિ આપવા રજૂઆતો કરી હતી. પણ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાગીરીએ આ રજૂઆતો નજર અંદાજ કરીને બાયડ બેઠક માટે આયાતી ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને રાધનપુર બેઠક માટે અલ્પેશ ઠાકોરની પસંદગી કરી હતી. જ્યારે આ બન્ને બેઠકો માટે સ્થાનિક નેતાઓ જેવા કે, શંકર ચૌધરીએ ટીકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેમના જોરને કોરાણે મૂકીને અલ્પેશની પસંદગી કરાઈ હતી. જેના વિરોધમાં શંકર ચૌધરી અને તેમની ટોળકીએ પ્રચારથી દૂર રહી વિરોધ વ્યક્ત કર્યો હતો. તો થરાદ બેઠક માટે સાંસદ પરબત પટેલે પોતાના પુત્રને ટીકિટ આપવાની માગણી કરી હતી, જે હાઈકમાન્ડે સ્વીકારી નહિ અને તેના કારણે ભાજપનો ગઢ ગણાતી થરાદની બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આવી જ રીતે અમરાઈવાડી બેઠક માટે ટીકિટની મહેચ્છા રાખનારા ડો. ઋત્વિજ પટેલ, અમૂલ બળવંતરાય ભટ્ટ સહિત અન્ય નેતાઓની ઉપેક્ષા કરવામાં આવી હતી. અને આ બેઠક માટે આનંદીબહેન પટેલ જૂથના અને સંઘના નજીકના તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ એવા જગદીશ પટેલની પસંદગી કરાતા શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ આણિ કંપનીએ મૂક વિરોધ વ્યક્ત કર્યો હતો. અને લગભગ આ ટોળકી કોઈકને કોઈક બહાના હેઠળ મોટાભાગે પ્રચારથી દૂર રહી હતી. આ સંજોગોમાં ભાજપનો આ બેઠકો પર કારમો પરાજય થયો હોવાનું પક્ષમાં અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.

પરાજય બાદ સંગઠન ફેરફાર નક્કી

છ બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠકો જ ભાજપના ફાળે આવતાં નારાજ થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સર્કિટ હાઉસમાં બંધ બારણે મળેલી બેઠકમાં પ્રદેશ નેતાગીરીને સંગઠનમાં રહેલી ખામીઓ તાત્કાલિક દૂર કરવાની સૂચના તો આપી જ છે. પરંતુ ઈશારામાં પ્રદેશ નેતાગીરીમાં ધરખમ ફેરફારના પણ સંકેત આપી દીધા છે.

 [:]