[:gj]પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી ન હોત અને ચંદ્ર નજીક હોત તો માણસો ન હોત, આ ઈશ્વર નહીં તો બીજું શું ? [:]

[:gj]. સંશોધન અને સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો સ્વીકાર એટલે વિજ્ઞાન. જગતના મહાન વૈજ્ઞાનિકોના નામ લઈએ તો આર્કિમિડિઝથી આઈન્સ્ટાઈન સુધીના વૈજ્ઞાનિકો આસ્તિક એટલે કે શ્રદ્ધાળુઓ હતા. વિશ્વના રહસ્યોનો પાર પામવા પ્રયત્નો કરનાર એ મહાન વિજ્ઞાનીઓએ પોતાનાં મસ્તક જગન્નિયંતા સામે ઝૂકાવી દીધાં હતાં. વિજ્ઞાનનો આશરો લઈને મિડિયોકર ફિલસૂફો કે તર્કશાસ્ત્રીઓ ઈશ્વર તરફની શ્રદ્ધા રાખવાનો ઈન્કાર કરે છે. પણ ન્યૂટન, એડિસન કે આઈન્સ્ટાઈને એવો ઈન્કાર કર્યો નથી.

જો કે, ઈશ્વરના સ્વરૂપનો ખ્યાલ સામાન્ય માનવીના ખ્યાલથી તદ્ન અલગ હોઈ શકે છે. કુદરતને સમજવાના પૂરા પ્રયત્નોમાંથી ઈશ્વર કે કુદરત તરફની એમની શ્રદ્ધા જન્મેલી હોય છે અને એટલે જ એને આપણે શ્રદ્ધા કહી શકીએ છીએ.

ન્યૂ યોર્ક એકડેમી ઓફ સાયન્સીઝના એક વખતના પ્રમુખ એ. ક્રેસી મોરિસને ‘મેન ડઝ નોટ સ્ટેન્ડ અલોન’માં વૈજ્ઞાનિક તરીકે પોતે ઈશ્વરમાં શા માટે શ્રદ્ધા ધરાવે છે એના કેટલાક કારણો આપ્યાં છે. પુસ્તકમાં ઢગલાબંધ વૈજ્ઞાનિક ઉદાહરણો આપ્યા છે એટલે પુસ્તક વાંચવા જેવું છે.

એમણે લખ્યું છે કે પૃથ્વી ઉપર જે જીવન પાંગર્યું છે એ માત્ર ચાન્સ, અકસ્માત કે શક્યતાઓને કારણે જ પાંગરી શકે નહિ. પૃથ્વી એની ધરીની આસપાસ હજાર માઈલની ગતિથી પરિભ્રમણ કરે છે. જો એ કલાકના સો માઈલની ઝડપે ભ્રમણ કરતી હોય તો દિવસ અને રાત અત્યારે છે એ કરતાં દસગણાં લાંબા થઈ જાય. અને એમ બને તો, સૂર્યના પ્રખર તાપમાં બધી જ વનસ્પતિ બળીને ભસ્મ થઈ જાય અને રાતની ઠંડીમાં ઝાડપાન ઠીંગરાઈ જાય.

પૃથ્વી સૂર્યથી એટલા ચોક્કસ અંતરે રહે છે કે સૂર્યની ગરમી પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિને જોઈતી હૂંફ આપે છે અને જીવનને શક્ય બનાવે છે. જો સૂર્ય એની અડધી ગરમી ગુમાવી દે તો જીવસૃષ્ટિ ઠૂંઠવાઈને નાશ પામે અને જો ગરમી દોઢી થઈ જાય તો બાળીને બધું ખાક થઈ જાય.

પૃથ્વી સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી છે એટલે જુદી જુદી ઋતુઓનું નિર્માણ થાય છે. જો પૃથ્વી નમેલી ન હોત તો મહાસાગરોની વરાળ ઉત્તર અને દક્ષિણમાં ઘસી જાત. જો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરમાં પચાસ હજાર માઈલનો તફાવત હોત તો પૃથ્વીના બધા ખંડો ભરતીમાં દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાત. પૃથ્વીનો પોપડો જો દસ જ ફૂટ વધારે જાડો હોત તો પૃથ્વી ઉપર ઓક્સિજન વાયુ જ ન હોત.

જો આપણું વાતાવરણ વધુ પાતળું હોત તો આકાશમાંથી ખરતી ઉલ્કાઓના ટૂકડાઓ વાતાવરણમાં જ સળગી જઈને નાશ પામવાના બદલે પૃથ્વી ઉપર આવી પડત અને પૃથ્વી ઉપર ચારે તરફ આગ આગ ફેલાઈ જાત.

આવા અનેક દાખલાઓ આપીને એમણે ઈશ્વર-કુદરત તરફની માનવીય શ્રદ્ધાને બળ પૂરું પાડયું છે.[:]