[:gj]વિકટોરિયા ગાર્ડન પાસે મહિલા સેન્ડલ લઈને પોલીસને મારવા દોડી [:]

[:gj]અમદાવાદ, તા.3

ટુ વ્હીલર પર ત્રણ સવારી જઈ રહેલી મહિલાને વિક્ટોરિયા ગાર્ડન પાસે અટકાવી ટ્રાફિક પોલીસે દંડની રકમ માંગી તો ઉશ્કેરાયેલી મહિલા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા પાછળ દોડી હતી. જો કે, અન્ય મહિલા સ્ટાફે સેન્ડલ લઈને દોડી ટુ વ્હીલર ચાલકને ઝડપી લીધી હતી. ટ્રાફિક એએસઆઈની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વાહન કબ્જે લીધું હતું.

શહેરના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ડાહ્યાભાઈ રત્નાભાઈ સોમવારે શહેરના વિક્ટોરિયા ગાર્ડન પાસે કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન સવારના સવા દસ વાગ્યાના સુમારે ટુ વ્હીલર પર એક મહિલા ત્રણ સવારીમાં આવી રહી હતી. જેથી ટ્રાફિક એએસઆઈએ તેને અટકાવીને લાઇસન્સ તેમજ ગાડીના કાગળો માગ્યા હતા. જો કે, મહિલાએ લાઈસન્સ અને પેપર આપવાની ના પાડી દઈ ઝઘડો કર્યો  હતો. આથી એએસઆઈ ડાહ્યાભાઈએ બાજુના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા મહિલા સહકર્મીને બોલાવ્યા હતા. મહિલા સહકર્મી આવ્યા બાદ એએસઆઈએ ટુ વ્હીલર ચાલક મહિલાનું નામ, સરનામું પૂછી રૂપિયા એક હજારનો દંડ ભરવા માટે કહ્યું હતું. દંડની રકમ સાંભળીને આ મહિલા અચાનક ગુસ્સે થઇ ગઈ અને પોતાનું સેન્ડલ કાઢીને એએસઆઈને મારવા દોડી હતી, પરંતુ મહિલા પોલીસ કર્મીએ તેને પકડી લીધી હતી.

આ બનાવ અંગે એએસઆઈ ડાહ્યાભાઈએ હવેલી પોલીસ મથકમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ કલ્પતરુ સોસાયટીમાં રહેતી ખ્યાતિ અજયભાઈ ઉમરાડિયા સામે ટ્રાફિક નિયમનો ભંગ કરીને દંડ નહિ ભરી સરકારી કામગીરીમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધી છે.[:]