[:gj]ટેક્સટાઈલની એક્સપોર્ટના લાભ વચ્ચે ખેંચાઈ જતાં નિકાસકારોની હાલાકી વધી[:]

[:gj]અમદાવાદ,શનિવાર

ટેક્સટાઈલના નિકાસકારો માટેની નીતિમાં 2019-20ના વર્ષના અધવચાળે ખેંચી લેવામાં આવતા ટેક્સટાઈલના નિકાસકારોને નિકાસમાં કોઈ જ નાણાંકીય લાભ મળે તેવી સ્થિતિ રહી નથી. પહેલી ઓગસ્ટથી જ મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ – એમઈઆઈએસ હેઠલ આપવામાં આવતા ચાર ટકાનો લાભ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે નિકાસ કરનારાઓ માટેની ટેક્સ રિફંડની પોલીસીમાં સતત કરવામાં આવી રહેલા ફેરફારોને પરિણામે ટેક્સટાઈલના નિકાસકારોની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પરિણામે અરવિન્દ, વેલસ્પન અને ચિરિપાલ જેવા કંપનીઓની નિકાસ પર અવળી અસર પડી રહી છે. આ તમામ કંપનીઓ ગુજરાતમાંથી મોટી નિકાસ કરી રહી છે. તેમની નિકાસ ઉપરાંત સુરતથી નિકાસ કરતાં ટેક્સટાઈલના અને ટેક્સટાઈલને લગતી અન્ય સામગ્રીઓની નિકાસ કરનારા એકમોની હાલત કફોડી થઈ રહી છે.

ટેક્સટાઈલ કંપનીઓ વતીથી એસોચેમ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રિબેટ ઓન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીઝની યોજના હેઠળ અને મર્કન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ અનુક્રમે 8.2 ટકા અને 4 ટકા મળીને મળતા 112.2 ટકાના લાભ પાછા ખેંચી લેવામાં આવ્યા હોવાથી ટેક્સટાઈલ ઉદ્યોગોના તમામ ગણિતો બદલાઈ ગયા છે. ભારતની ટેક્સટાઈલની નિકાસને જાળવી રાખવા માટે મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ રાખવી જરૂરી છે. તેવી જ રીતે રિબેટ ઓન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીઝ આપવા પણ જરૂરી છે.

ટેક્સટાઈલ ઉદ્યોગને આપવામાં આવતા લાભ પાછા ખેંચી લેવામાં આવતા વિદેશમાં નિકાસની કિંમત તેની ઉત્પાદન કિંમત કરતાં નીચે આવી ગઈ હોવાનું એસોચેમના વાઈસ પ્રેસિડન્ટ ચિરાગ ઠાકરે નિર્મલા સીતારામનને કરેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. તેનું દ્રષ્ટાંત આપતા તેમણે જણાવ્યું હતું કે ટેક્સટાઈલના એક ઉત્પાદનની ઉત્પાદન કિંમત રૂા. 100ની ગણી લઈએ. તેના પર પહેલા મર્કન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમના 4 ટકા લાભ મળતા હતા. તેવી જ રીતે રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીઝના 8.2 ટકા લાભ મળતા હતા. આમ કુલ લાભ 12.2 ટકાનો મળતો હતો. તેમાંથી લાભના 12.2 ટકા કાપી લેવામાં આવે તો તેની કિંમત ઘટીને 87.2 રૂપિયા થઈ જતી હતી. તેના પર 6થી 8 ટકા માર્જિન ચઢાવીને રૂા.94.8નો ભાવ નિકાસ માટે નક્કી કરવામાં આવતો હતો.

સરકાર દ્વારા પહેલી ઓગસ્ટથી મર્કન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમના લાભ ખેંચી લેવામાં આવ્યા છે. હવે રિબેટ ઓન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીઝનો 8.2 ટકાનો લાભ  2  ટકા ઓછો કરીને 6.2 ટકા કરી દેવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. પહેલા એક્સપોર્ટ પર 12.2 ટકાનો જે લાભ મળતો હતો તે ઘટાડીને 6.2 ટકા કરી દેવામાં આવ્યો છે. પરિણામે ટેક્સટાઈલનો સંપૂર્ણ નફો ચવાઈ ગયો છે. વિદેશના બજારમાં સ્પર્ધાત્મક દરે નિકાસ કરવાની હોવાથી નિકાસકારો માટે આ સ્થિતિ ઉત્સાહ વર્ધક નથી.2 જ

2019-20ના નાણાંકીય વર્ષ દરમિયાન ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડ-ટફ યોજના હેઠળ આપવામાં આવતા લાભ પણ ઘટાડી દેવામાં આવ્યા છે. 2018-19ના વર્ષમાં ટફ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ રૂા.2500 કરોડથી ઘટાડીને રૂા.750 કરી દેવામાં આવી છે. પરિણામે ઉદ્યોગોને મળનારા લાભ સીમિત થઈ જવાના છે. એસોચેમે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ટેક્સટાઈલ ઉદ્યોગમાં રૂા. 1 કરોડનું રોકાણ કરવામાં આવે તો તેના થકી 72 વ્યક્તિઓને રોજગારી મળે છે. અન્ય ઉદ્યોગોની તુલનાએ રોજગારી નિર્માણ કરવામાં ટેક્સટાઈલ ઉદ્યોગ મોખરે છે. સાત કરોડની નિકાસ કરવામાં આવે તો તેના થકી 35 જણાને રોજગારી મળે છે.

દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન મળે તેવું પેકેજ જાહેર કરવાની માગણી પણ એસોચેમ દ્વારા કરવામાં આવી છે. એક લાખ કરોડનું સિમ્યુલેશન પેકજ આપવાની માગણી કરવામાં આવી છે. જીએસટી પછી ટેક્સટાઈલ ઉદ્યોગ પાસે રોકડની તીવ્ર અછત જોવા મળી રહીછે. તેમને નવી મૂડીની પણ જરૂર છે. તેમ જ જાહેર ક્ષેત્રમાંથી પણ નવી મૂડી ઊભી કરવાની જરૂર છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત સુરત અને જેતપુરના એકમો પર પણ તેની અસર પડી શકે છે. આ નવી જોગવાઈ હેઠળ એક્સપોર્ટ ઘટશે તો ટેક્સટાઈલ પ્રોસેસર્સ પર પણ વિપરીત અસર પડી શકે છે.

 [:]