[:gj]ગુજરાતમાં કોંગ્રેસ કયા કારણોસર ત્રણ-ત્રણ દાયકાથી સત્તાની બહાર છે?[:]

[:gj]25/02/2022
સુધીરએસ. રાવલ

www.sudhirsraval.com

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે સાવ નજીક છે, ત્યારે રાજકીય પક્ષો અતિ સક્રિય થઈ જાય તે સ્વાભાવિક છે અને મતદારો એવી સામાન્ય જનતાને પણ સહજપણે સમજાવા લાગે કે ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પક્ષ તો ચૂંટણી માટે હર-હંમેશ તૈયાર જ હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પણ પ્રમાણમાં વહેલી જાગી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ચૂંટણીના ભાગરૂપે જ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન-શિબિર શરૂ થઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ પદે જેમની પુનઃવરણી નિશ્ચિત મનાય છે તે રાહુલ ગાંધી પણ આ શિબિરમાં એક દિવસ હાજરી આપવાના છે. ચૂંટણીની નીતિ નિર્ધારણ બેઠક એવી આ શિબિર ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્વની હોવાથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પણ હાજર રહેવાના છે. ગુજરાતભરમાંથી કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીને આગામી ચૂંટણીમાં વિજય મેળવવા માટેનો શંખનાદ દ્વારકાથી જ ફૂંકશે, જેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે.

ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં જનતા ઝડપથી સત્તા પરિવર્તન માટે તૈયાર હોતી નથી. વર્ષ-1960માં અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યા પછી સતત 35 વર્ષ સુધી તો કોંગ્રેસનો દબદબો રહ્યો હતો એવું કહી શકાય. જો કે આ 35 વર્ષો દરમિયાન ગુજરાતે કોંગ્રેસીઓના આંતરકલહ અને અન્ય કારણોસર ચાર વખત રાષ્ટ્રપતિ શાસન અને રાજકીય અસ્થિરતા જોયેલી છે. વર્ષ-1995માં સત્તારૂઢ પાર્ટી તરીકે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની એન્ટ્રી થઈ. આ એન્ટ્રી પછી પણ એકવાર રાષ્ટ્રપતિ શાસન અને ભાજપની ‘હજૂરીયા-ખજૂરીયા’ની યાદવાસ્થળીથી રાજકીય અસ્થિરતાનો કેટલોક સિલસિલો આગળ વધતો રહ્યો હતો. જેનો અંત વર્ષ-1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના વિજય પછી આવ્યો એમ કહી શકાય, અલબત્ત મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ પણ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નહોતા તેનું કારણ ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક કલહ વધુ જવાબદાર હતો, પરંતુ સરકાર ભાજપની જ ચાલુ રહી હતી અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રાજકીય સ્થિરતાનો પાયો મજબૂત કરી દીધો હતો. વર્ષ-2002થી લઈ હજુ આજ સુધી ભારતીય જનતા પક્ષ જ ગુજરાત પર રાજ કરે છે અને કોંગ્રેસ હજુ સુધી સત્તા પર પુનઃ આવી શકી નથી. વર્ષ-2017ની ચૂંટણી માટે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસે અગાઉની ચૂંટણીઓ કરતા પ્રમાણમાં જબર્દસ્ત લડત આપી હતી, આમ છતાં તે સત્તાસ્થાને પહોંચી શકી નહોતી. આમ ગુજરાતમાં કોંગ્રેસના ત્રણ દાયકા સામે ભાજપના પણ ત્રણ દાયકાનું મુલ્યાંકન કરવાનો સમય આવી ચુક્યો છે.

હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ કયા કારણોસર સતત ત્રણ-ત્રણ દાયકાથી સત્તાની બહાર રહી છે ? એવા તે ક્યા કારણો છે જેમાં ગુજરાતની જનતા આટલી હદે કોંગ્રેસથી વિમુખ જણાય છે. ચૂંટણીના હારજીતના આંકડાઓનો અભ્યાસ કરીએ તો આજે પણ કોંગ્રેસ મહદ્દઅંશે ભાજપની લગોલગ ચાલી રહી છે તેમાં કોઈ જ અતિશયોક્તિ જણાતી નથી. ગુજરાતના ગામડાઓમાં હજુ પણ કોંગ્રેસ ભાજપને હંફાવતી રહી છે. એટલું જ નહિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઘણાં જિલ્લાઓ અને તાલુકાઓમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા પરિવર્તન થતુ રહ્યું છે. શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારનો તફાવત સ્પષ્ટ છે, પરંતુ જ્ઞાતિ-જાતિ પ્રમાણે અવલોકન કરીએ તો આજના તબક્કે પાટીદાર, ક્ષત્રિય, ઓબીસી, દલિત અને મુસ્લિમ સમુદાયો વચ્ચે બંને મુખ્ય પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો વચ્ચેની હરીફાઈ અને પરિણામો પર વિચારપૂર્વકનું વિશ્લેક્ષણ અને અભ્યાસ જરૂરી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં શિક્ષિત અને સમૃદ્ધ છે અને તેથી જાતિવાદના આધારે જ મતદાન થાય, તેવું અહિંયા સાવ નથી, પરંતુ મતદાન અને વોટબેંકની દ્રષ્ટિએ જ્ઞાતિનો પ્રભાવ ઓછો પણ નથી. જેન્ડર અને ઉંમરની દ્રષ્ટિએ પુરુષો અને મહિલાઓની સમસ્યાઓ, વિચારસરણી કે અન્ય બાબતોમાં જે ભેદ હોય તેની પણ મતદાન પર એક અસર હોય છે. વળી સમસ્યાઓ અને સુવિધાઓની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોની તાસીર સાવ ભિન્ન હોવાથી કોઈ પણ રાજકીય પક્ષને ચૂંટણી માટેની વ્યૂહરચનામાં આ બાબત લક્ષ્યમાં રાખવી જ પડે છે. આ ઉપરાંત ગુજરાતના જ જુદા જુદા વિસ્તારોમાં સાંસ્કૃતિક સ્તરે કેટલીક વિવિધતાઓ અને ભિન્નતા પણ એક અસરકારક પરિબળ છે, જે ચૂંટણીમાં મહત્વની અસરો ઉપજાવે છે. આ બધા જ કારણો માટેના પ્રમાણો ગુજરાતની બધી જ ચૂંટણીઓનો આંકડાકીય અભ્યાસ કરવાથી સમજાય છે.

ગુજરાતમાં કોંગ્રેસ જે રીતે સતત સત્તાની બહાર છે તેમાં એવું નથી કે ભાજપનુ શાસન અત્યંત લોકપ્રિય અને લોકહિતકારી સાબિત થયુ હોય. વાસ્તવિકતા એ છે કે, આજે અઢી દાયકાના ભાજપના શાસન પર નજર કરીએ તો વિકાસના દાવાઓ સામે પણ આંગળી ચીંધી ન શકાય તેવું નથી. જે કોંગ્રેસ ભ્રષ્ટાચારના મુદ્દે ખાસ્સી વગોવાઈ તે જ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પણ શુદ્ધ રહી શક્યો નથી. લોકોની સમસ્યાઓના નિરાકરણ બાબતે ભાજપનીસરકારો ખોંખારો ખાઈને વટથી એવુ કહી શકે તેમ નથી કે કોઈ જિલ્લા કે તાલુકાઓમાં ગેરવહિવટના કિસ્સાઓ નથી. કોંગ્રેસના શાસનમાં કોમી રમખાણો થતા હતા તો ભાજપનું શાસન પણ કોમી રમખાણથી મુક્ત રહી શક્યુ નથી. હા, સમય-સમયની વાત છે. આઝાદી પછી તરતની સમસ્યાઓ જુદી હતી અને ક્રમશઃ તેમાં સુધારો થતો ગયો. દેશ પ્રગતિ અને વિકાસની રાહ પર જેમ જેમ આગળ વધતો ગયો તેમ સુવિધાઓ પણ વધતી ગઈ અને સમસ્યાઓનું સ્વરૂપ બદલાતુ ગયું.વર્ષ-1960 પછી ગુજરાતમાં રસ્તા, વિજળી, પાણી, સિંચાઈ, કૃષિ, વાહન-વ્યવહાર, સંદેશા-વ્યવહાર, અન્ય માળખાકિય સવલતો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે કોઈ પણ સરકારમાં વિકાસ થતો રહ્યો છે તે વાસ્તવિકતા છે, જેમાં સરકારની સાથે સાથે ગુજરાતી પ્રજાના મનોબળ, ઉદ્યમીપણું અને ગુજરાતીપણાનું મહત્વપૂર્ણ યોગદાન છે, તે કોઈએ પણ સ્વીકારવું રહ્યું. આમ છતાં લોકસમસ્યાઓનું નિવારણ, વિકાસ, શાંતિ અને સ્થિરતા તથા જનકલ્યાણની બાબતમાં કોઈ સરકાર ઉણી ઉતરે તે શાસનને લાયક ગણી શકાય નહિં. જનતા પણ કુલ મળીને એ દ્દષ્ટિએ જ રાજકીય પક્ષોને મૂલવતી હોય છે. ચિંતન શિબિરમાં કોંગ્રેસની પણ આ જ કવાયત હશે અને આત્મચિંતન સાથે ભાવિ વ્યૂહરચનાનું પણ મનોમંથન હશે જ, એવું માનવા મન પ્રેરાય છેત્યારે જનતાના દ્રષ્ટિકોણ ઉપરાંત અધિકૃત આંકડાઓ અને કેટલીક વાસ્તવિકતાઓ શું સૂચવે છે તે જાણવુ પણ એટલું જ જરૂરી છે.

ખામ થીયરીની સફળતા પણસવર્ણોની અવહેલના:

બહુ પાછળ ન જઈએ તો 1970ના દાયકામાં ગુજરાતમાં ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે ખામ થીયરી અમલમાં મૂકીને મત બેંકો પર કબજો જમાવવાની વ્યૂહ રચના રચેલી. આ ખામ થીયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ (KHAM). જ્ઞાતિઓના સમીકરણોમાં ખામ થીયરીના ગણિતે કોંગ્રેસને 1980માં પ્રચંડ સફળતા અપાવી હતી. તે સમયે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 182માંથી 141 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. 1995માંફરી કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં જ ભવ્ય દેખાવ કરીને 182માંથી 149 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો, જે રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યુ નથી.કોંગ્રેસ માટે અફસોસજનક બાબત એ છે કે પ્રજાના આવા પ્રચંડ પીઠબળ પછી જે પડતી શરૂ થઈ તેમાંથી આજસુધી કોંગ્રેસ ઉગરી શકી નથી. ખામ થીયરીના આધારે જે સફળતા મળી તેના પ્રત્યાઘાતો પણ એટલા જ વિપરીત સાબિત થયા. સૌથી મહત્વનુ પ્રમાણ એ રહ્યુ કે જાતિ આધારિત ચૂંટણી વ્યૂહરચના પછી મળેલી સફળતામાં એક તરફ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ, તથા મુસ્લિમોને લાભદાયી થાય તેવી જે યોજના હતી,તેની સામે સવર્ણોમાં બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય, વાણિયા, લોહાણા, સોની જેવી મોટી સંખ્યા ધરાવતી જાતિ પોતાને ગેરલાભ થતો નિહાળી રહી હતી. સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાં ‘KHAM’વર્ગની બહુમતી છે, આથી તે કોંગ્રેસ તરફ ચોક્કસ વળી,પરંતુ 1985 પછી ટૂંકાગાળામાં જ ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન શરૂ થયુ. શરૂઆતમાં બહિષ્કાર પછી વિરોધ અને છેવટે આંદોલનનું સ્વરૂપ હિંસક બન્યુ અને માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ પડ્યું. જાતિ આધારિત ચળવળ આગળ જતા સાંપ્રદાયિક પણ બની, જેના કારણે ગુજરાતમાં ત્યાર પછી હિંન્દુ રાષ્ટ્રવાદી ચળવળને વધુ સમર્થન મળતુ ગયું. નવા નવા ભારતીય જનતા પક્ષના નુસખાઓ કામયાબ થતા ગયા અને ચૂંટણીલક્ષી બાબતોમાં જુદી-જુદી જાતિઓમાં વહેંચાયેલો વર્ગ કોમ આધારિત વધારે સંગઠિત થવા લાગ્યો.

આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસને જે 149 બેઠકો મળેલી તેમાં ઓબીસી વર્ગને ફાળે 31 બેઠકો પ્રાપ્ત થયેલી, જેમાં ઠાકોર, કોળી અને આહિરનો સમાવેશ થાય છે. બિન ઓબીસી જેમાં પાટીદાર પણ સામેલ છે તેને 29 બેઠકો, ઉચ્ચ જાતિઓને 36 બેઠકો, મુસ્લિમોને 8, અનુસૂચિત જાતિની તમામ 13 બેઠકો અને અનુસૂચિત જનજાતિની 26માંથી 25 બેઠકો કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી. અનામત વિરોધી આંદોલન પછી માધવસિંહને રાજીનામું અપાવીને કોંગ્રેસે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા અને આંદોલનના પગલે કોંગ્રેસે જે 28 ટકા અનામત આપી હતી, તેને પણ કોંગ્રેસે સ્થગિત કરી દીધી હતી. કોંગ્રેસ માટે બંને બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો હતો. આંકડાઓ સાબિત કરે છે કે ગુજરાતના રાજકારણ પર વર્ષો સુધી પાટીદારો, બ્રાહ્મણ, વાણિયા સહિતના સવર્ણોનુ જે વર્ચસ્વ હતુ, તેઓને ખામ થીયરીના કારણે બદલાતા ગુજરાતનુ સ્વરૂપ જોખમરૂપ લાગતા આ સવર્ણો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા. માધવસિંહની જુદા-જુદા સમાજો પર સારી એવી પકડ હતી, પરંતુ તેમની વિદાય બાદ આ સમાજો પણ ધીરે ધીરે કોંગ્રેસથી દૂર થઈ ગયા. એટલું જ નહિં, જે સવર્ણ વર્ગ કોંગ્રેસથી અન્યાય થયાની લાગણી અનુભવવા લાગ્યો હતો. તે પણ કોંગ્રેસ સાથે જોડાયો નહીં. કોંગ્રેસે સવર્ણ વર્ગ સાથે દુર્લક્ષ્ય સેવ્યાની લાગણી એટલી પ્રબળ છે કે મહદ્દ અંશે આ વર્ગ ભારતીય જનતા પક્ષની મજબૂત વોટબેંક બની ગયો છે. આમ તો અનામત વિરોધી આંદોલન ક્યારેય ગુજરાતવ્યાપી બન્યુ નહોતુ અને તેની અસર મોટાભાગે શહેરો તથા નાના ટાઉન સુધી સીમિત રહી હતી, પરંતુ માધવસિંહને હટાવવામાં પ્રયત્નશીલ કેટલાક વગદારરાજકીય તેમજ બિનરાજકીય પરિબળોએ વિશેષ ભૂમિકા ભજવી હતી, જેનું છેવટનુ નુકશાન અને પરિણામ કોંગ્રેસે ભોગવ્યુ હતુ.

મુસ્લિમ તુષ્ટિકરણની ભૂલ:

ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા પહેલેથી જ બહોળા પ્રમાણમાં છે. નવ ટકા જેટલી મોટી સંખ્યાને ખુશ રાખવી એ રાજકીય પક્ષની નીતિ-રીતિ હોય તે સમજાય તેવી બાબત છે, પરંતુ આપણા દેશમાં આઝાદીના આંદોલન પહેલાથી હિન્દુ અને મુસલમાન વચ્ચે અંતર હોવાનુ અને આ અંતર વધારવા-ઘટાડવાનુ રાજકારણ ચાલતુ રહ્યું છે. કોંગ્રેસ સામે રાષ્ટ્રિયસ્તરે પણ મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપો થતા રહ્યા છે. આપણા બંધારણમાં લઘુમતિને ખાસ દરજ્જો તથા લાભો આપવાની બાબત તથા કાયદાઓ સામે આરંભથી જ આંગળી ચિંધાતી રહી છે. કોંગ્રેસની લઘુમતીને ‘પંપાળવાની’ નીતિ સામે ભારતીય જનતા પક્ષ ‘ન્યાય સૌને – ખુશામત કોઈની નહી’ની નીતિ પર ચાલી રહ્યો હોવાની વાતને ભારતભરની બહુમતી એવી હિન્દુ સમુદાયની સહાનુભૂતિ અને સમર્થન જે રીતે મળ્યા છે, તે કોંગ્રેસ માટે અત્યંત નુકશાનકારક સાબિત થયુ છે. કોંગ્રેસની નબળાઈ એ રહી છે કે તેણે ક્યારેય પોતાની લઘુમતિ માટેની નીતિનો બચાવ કરવા પ્રયત્ન કર્યો નથી.વિવિધતામાં એકતાની મહાન સંસ્કૃતિ અને જુદી-જુદી કોમો વચ્ચે સદ્દભાવ અને ભાઈચારો રાખવા માટે આપણા બંધારણના ઘડવૈયાઓએ દૂરંદેશી દાખવીને જે નીતિઓ ઘડી હતી,તેની પાછળના તર્કને સમજાવવામાં વર્તમાન કોંગ્રેસે ક્યારેય તસદી તો ન લીધી, પરંતુ નીતિઓના અમલમાં ‘રાજકીય લાભ લેવા ખાતર મુસ્લિમ તુષ્ટિકરણ પણ કરતી રહી છે’,તેવી જે પ્રબળ લાગણી હિન્દુ બહુમતિમાં પ્રસરતી ગઈ,તેને કોંગ્રેસ ક્યારેય અટકાવી શકી નહી. વળી કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતમાં જ્યારે જ્યારે કોમી રમખાણો થયા, ત્યારે કોંગ્રેસ સરકારોએ મુસ્લિમોની વધુ તરફેણ કરી તેવી છાપ શરૂઆતથી જ પેદા થયેલી છે.કોંગ્રેસના શાસનમાં ઘણાં મુસલમાન ગુંડાઓએ સમાજ પર આતંક ફેલાવ્યો હતો.આવા કુખ્યાત મુસલમાન ગુંડાઓથી હિન્દુઓ જ નહી, નિર્દોષ અને સામાન્ય મુસલમાનો પણ દુઃખી અને ચિંતિત રહેતા, પરંતુ તત્કાલીન કોંગ્રેસના શાસનકર્તાઓએ આવા તત્વોને ગુનાખોરી માટે ભલે સમર્થન ન આપ્યુ હોય, પરંતુ ગુનાખોરીને તેઓ નિયંત્રિત પણ ન કરી શક્યા અને આક્ષેપો સામે કોંગ્રેસ કદાપિ પોતાનો બચાવ પણ કરી ન શકી.આવા કારણોના લીધે કોંગ્રેસની છાપ એક મુસ્લિમના પક્ષ તરીકે સ્થાપિત કરવામાં વિરોધીઓને પ્રતિસ્પર્ધીઓને સતત સફળતા મળતી રહી, અને ચૂંટણીઓમાં કોંગ્રેસને તેનુ ખાસ્સુ નૂકશાન ભોગવવુંપડ્યું છે. આજે સ્થિતિ એ છે કે કોંગ્રેસ પોતે ‘મુસ્લિમનો પક્ષ’ હોવાનુ લેબલ હટાવવા માટે મુસ્લિમ સમુદાયના સાચા પ્રશ્નોથી પણ અંતર રાખવા માંડી છે, જે સાચો ઉપાય નથી. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. અહીં વસતા તમામ કોમ, જાતિ-જ્ઞાતિના નાગરિકોની સુખશાંતિ સમૃદ્ધિ અને સલામતિની જવાબદારી શાસનતંત્રની હોય છે અને હોવી જ જોઈએ. આમછતાં વોટબેંકના રાજકારણમાં આજે એવું જોવા મળે છે કે પાટીદાર, ક્ષત્રિય, દલિત, ઓબીસી કે કોઈપણ સમાજ પોતાની વાત એક સમાજ તરીકે રજૂ કરી શકે છે અને જે તે પક્ષો આ સમાજોની સહાનુભૂતિ મેળવવા તેના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવે છે, પરંતુ મુસ્લિમોની બાબતમાં જવાબદાર રાજકીય પક્ષો અંતર રાખે છે! આનો અર્થ એ થયો કે કોંગ્રેસે ભાજપના આક્રમક અને ભ્રામક પ્રચાર સામે શરણાગતી સ્વીકારીને પોતાની બિનસાંપ્રદાયિકતાની નીતિનેતિલાંજલી આપી દીધી છે અથવા પીછેહઠ કરી છે. કોંગ્રેસ વાત બિનસાંપ્રદાયિક્તાની કરે છે, પરંતુ માત્ર હિન્દુ બહુમતિને રાજી કરવા ખાતર મુસ્લિમોથી અંતર રાખવા લાગી છે. સ્પષ્ટ છે કે આ યોગ્ય ઉપાય નથી. કોંગ્રેસ આ મુદ્દાનુ નિરાકરણ કરવામાં અસ્પષ્ટ અને મૂંઝવણમાં હોય તેવુ જણાય છે. ગુજરાતની ગણના દાયકાઓથી હિન્દુ સમર્થકમાં થતી હોય ત્યારે કોંગ્રેસે પોતાનુ ‘મુસ્લિમ માત્રનો પક્ષ’ હોવાનુ લેબલ હટાવવા માટે મુસ્લિમોથી અંતર કરવાના બદલે માત્ર તૃષ્ટિકરણની તેણે કરેલી ભૂલોમાંથી બહાર આવી નક્કર નીતિ અને કાર્યક્રમો દ્વારા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજનો વિશ્વાસ સંપાદિત કરવો પડે. કોંગ્રેસ જો ચૂંટણી જીતવા માટે ભાજપના ‘હિન્દુવાદી’ રસ્તા પર ચાલવા લાગશે તો આઝાદી સમયે બંધારણે ઘડેલા બિનસાંપ્રદાયિક માળખાને નુકશાન થતા કોઈ રોકી નહી શકે. યાદ રહે, બિનસાંપ્રદાયિક્તા એ આ દેશની સુખ, શાંતિ અને પ્રગતિની ગેરંટી છે. ધર્મના આધારે જે દેશો અસ્તિત્વમાં તેના હાલ છેલ્લા 100 વર્ષોમાં શું થયા છે, એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ મોજુદ છે. ગુજરાતની આ ચિંતન શિબિરમાં કોંગ્રેસે આ મુદ્દા પર ગંભીર ચિંતન કરીને ઉપાયો શોધી કાઢવા પડે, જે અશક્ય નથી.

ભાજપના શાસનથી પ્રજા ત્રાહિમામ પણ કોંગ્રેસ નિરૂપાય!:

ગુજરાતમાં ભાજપનું શાસન અઢી દાયકા પસાર કરી ગયુ છે. અહિંયા ભાજપના રાજમાં પ્રજાને બધી લીલા-લહેર છે, એવું નથી. જે કોંગ્રેસને જનતાએ ભ્રષ્ટાચારના મુદ્દે જાકારો આપ્યો અને ભાજપે તેને વગોવવામાં કશું બાકી રાખ્યુ નથી, તે ભ્રષ્ટાચારના મુદ્દે આજે ભાજપ માત્ર ગુજરાત નહીં, પરંતુ રાષ્ટ્રિયસ્તરે પણ અનેકગણો આગળ નિકળી ગયો છે. અનેક કૌભાંડો, પ્રજાની હાડમારી, જનસમસ્યાઓ સામે વહિવટીતંત્રની લાપરવાહી, અન્યાય, અનીતિ, અત્યાચાર અને અધર્મના રાજકારણ વચ્ચે પિસાતી પ્રજા ભાજપથી છૂટકારો મેળવવા ઈચ્છે છે. આમછતાં કોંગ્રેસની સ્થિતિ જોતા હજુ જનતા શાસન સોંપવા માટે વિકલ્પ તરીકે કોંગ્રેસ તરફ આકર્ષાતી નથી. એક રાજકીય પક્ષ અને સબળ પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસ માટે આ મુદ્દો બહુ મોટું ચિંતન માંગી લે છે.

એવું નથી કે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તાઓ મહેનત નથી કરતા. એવું પણ નથી કે પ્રજાની સમસ્યાઓ પ્રત્યે કોંગ્રેસ ઉદાસીન છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગામડાઓ, તાલુકાઓ કે જિલ્લાઓમાં કોંગ્રેસ ઘણાં કાર્યક્રમો આપીને ભાજપને હંફાવવા તથા જનતાને મદદરૂપ થવા પ્રયત્નશીલ છે, અને તેમાં તેને ઘણે અંશે સફળતા પણ મળતી રહી છે તે હકિકત છે, પરંતુ તે પૂરતુ નથી એવું ચૂંટણીના આંકડાઓ સાબિત કરે છે.

સકારાત્મક પાસા પ્રત્યે ઉદાસીન :

આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે. દેશને આઝાદી અપાવવામાં અને ત્યાર બાદ લોકશાહી ઢબે દેશને પ્રગતિ અને સુખાકારીના પંથે સફળતાપૂર્વક દોરી જવામાં કોંગ્રેસનું યોગદાન સૌથી વધારે છે. કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમો દ્વારા આ શક્ય બન્યુ છે. આની વિગતોમાં ન ઉતરીએ તો પણ અહિંયા મુદ્દો એ છે કે કોંગ્રેસ સ્વયં પોતાના આ ગૌરવશાળી ભૂતકાળને નવી પેઢી સુધી પહોંચાડવામાં ઉદાસીન જણાય છે. ભાજપના જૂઠ્ઠાણાઓ, ઈતિહાસ સાથેના ચેડા, ધર્મના નામે કોમવાદનું રાજકારણ તથા ‘વૉટ્સએપ યુનિવર્સિટી’નીસત્યથી વેગળી હોય તેવી અનેક પ્રકારની કેટલીક માહિતીથી આજનો યુવાવર્ગ જે રીતે ગેરમાર્ગે દોરાઈને અભિભૂત થાય છે, તેને રોકવામાં કોંગ્રેસ નિરૂત્સાહી, અક્ષમ, નિશ્ચિંત અને નિષ્કિય સાબિત થાય છે!આ ખૂબ અફસોસજનક છે. આવા વિષયોમાં એકમાત્ર રાહુલ ગાંધી મહાભારતના અભિમન્યૂની માફક યોદ્ધા તરીકે સામેના પક્ષના ઝંઝાવાતો સામે ઝઝૂમતા હોય, તે સ્થિતિ દુઃખદ્દ છે. એક પક્ષ તરીકે કોંગ્રેસ માટે આવા મુદ્દાઓ સામુહિક સંઘર્ષના મુદ્દા કેમ નથી બનતા તે સમજાતુ નથી. અગત્યની બાબત એ છે કે, માત્ર કોંગ્રેસ જ નહિ, દેશના દરેક નાગરીકનુ કર્તવ્ય છે કે નવી પેઢીને નફરત, જૂઠ્ઠાણા અને હિંસાને ઉત્તેજન આપનારા પરિબળોનો સાચો પરિચય કરાવવો અને સત્યથી માહિતગાર કરવા, પરંતુ એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ તરફથી કોઈ નક્કર અને પરિણામલક્ષી ઉપાયો જ્યારે ન થાય ત્યારે જનતા હતાશ થાય છે. આજે ગુજરાતમાં લોકો ઈચ્છે છે કે સત્તા પરિવર્તન થાય પણ વિકલ્પ કોણ ? તેની સમસ્યા તેને મૂંઝવે છે. ગુજરાતમાં બે પક્ષ સિવાય કોઈના પર જનતા દાવ અજમાવે તેવું બનતુ નથી. એટલે ભાજપ સતત સત્તામા રહે છે તે આપણે જોઈએ છીએ. કોંગ્રેસે લોકોમાં વિશ્વાસ જગાવવો પડશે.

સંગઠનમાં નેતાઓ ઘણાં કાર્યકર્તાઓ ઓછા!:

કોંગ્રેસ તેની સામેના પડકારોથી વાકેફ નથી તેવું પણ નથી. કોંગ્રેસ પાસે જે અનુભવી નેતાઓની હરોળ છે, તેની સામે ભાજપના નેતાઓની સરખામણી કરવામાં આવે તો તફાવત સમજાય તેવો છે, પરંતુ ક્યારેક એવું લાગે કેકોંગ્રેસમાં નેતાઓ જ નેતાઓ છે. કાર્યકર્તાઓની અછત છે! જૂથવાદની સમસ્યા માત્ર કોંગ્રેસમાં જ છે એવું હુ નથી માનતો. પક્ષનો વ્યાપ જેમ જેમ વધતો જાય તેમ તેમ નેતાઓ અને કાર્યકર્તાઓની સંખ્યા જ્યારે વધતી જતી હોય ત્યારે, વિચારોમાં ભેદ એ સ્વાભાવિક બાબત છે. ભાજપ અત્યારે સત્તા પર છે એટલે સીનીયર નેતાઓના હોદ્દા અને પ્રભાવથી, ક્યારેક ભય તો ક્યારેક લાલચથી ‘જૂથવાદ પર અંકૂશ છે’ તેવું જનમાનસમાં ઠસાવવામાં તે સફળ થાય છે. કોંગ્રેસ દાયકાઓથી સત્તાની બહાર છે એટલે લાલચ કે ભયનો સવાલ ઉપસ્થિત થતો નથી, પરંતુ એનો અર્થ એ નથી કે પક્ષમાં શિસ્ત ન જાળવી શકાય. કોંગ્રેસમાંથી જનતાનો વિશ્વાસ હલબલી ગયાનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસ તેના નેતાઓને કે કાર્યકર્તાઓને સાચવી શકતી નથી.

એક બાબત એવી છે જેનું કોંગ્રેસને કેટલું મહત્વછે તેની જાણ નથી, પરંતુ નોંધપાત્ર વાસ્તવિકતા એ પણ છે કે ત્રણ-ત્રણ દાયકાઓથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની બહાર હોવા છતાં જે નેતાઓ, જે કાર્યકર્તાઓ કે જે મતદારો આજે પણ કોંગ્રેસના સમર્થનમાં છે, તે કોંગ્રેસની મોટી મૂડી છે. કોંગ્રેસ આ લોકોને ભગવાન ભરોસે ન છોડી શકે. કોંગ્રેસની વિચારધારાને વળગી રહેલા કરોડો લોકોની શ્રદ્ધા, દેશપ્રેમ અને ગાંધી-નહેરુ-સરદાર જેવા મહાન નરરત્નો અને સ્વાતંત્ર્ય ચળવળના અનેકાનેક મૂલ્યનિષ્ઠ દેશવાસીઓના ત્યાગ અને સમર્પણના ઈતિહાસનુ જતન-સંવર્ધન કરવામાંથી વર્તમાન કોંગ્રેસ છટકી શકે નહિં.

ગુજરાતમાં કોંગ્રેસ મૂઠ્ઠીભર નેતાઓના હવાલે જ રહી છે તેવા આક્ષેપો થાય છે. આનુ કારણ એ છે કે નેતાઓની અને કાર્યકર્તાઓની ફોજમાં નવા ચહેરાઓ પ્રમાણમાં ઘણાં ઓછા દેખાય છે. પ્રતિસ્પર્ધી ભાજપ તો હંમેશા ઈચ્છે કે કોંગ્રેસ આ જ સ્થિતિમાં રહે, કારણ કે તે તેના ફાયદામાં છે, પરંતુ નવી પેઢીના નવયુવાનો અને યુવતિઓ સક્રિય જાહેરજીવનમાં લોકસેવા અર્થે વધુને વધુ જોડાય એ સમયની માંગ છે. કોંગ્રેસે એ નક્કી કરવાનું છે કે એ લોકો કોંગ્રેસ સાથે કઈ રીતે જોડાય ?કોઈપણ પક્ષને યુવાનોની ઉર્જા, ઉત્સાહ, પરિશ્રમ, સપનાઓ સાકાર કરવાની ક્ષમતા અને સમસ્યાઓ સામે ઝઝૂમવાની ઝંખના, સાહસ અને સામર્થ્ય દાખવવાની તકોની જરૂર છે, તે જ રીતે સીનીયર નેતાઓના અનુભવ, માર્ગદર્શન, સંયમ, પરિપકવતા, જ્ઞાન અને વિચારધારા પ્રત્યેની વફાદારી અને તેને વળગી રહેવાનુ વલણ પણ એટલા જ ઉપયોગી છે. સીનીયર અને જૂનીયરનુ સંયોજન, સાથ અને સહકાર એ આદર્શ સ્થિતિ છે. ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને વ્યાપક બને તે ટોચની પ્રાથમિકતામાં ગણાવી શકાય.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો તફાવત :

ચૂંટણીના પરિણામોના આંકડાઓનું વિશ્લેષણ એ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ જેટલી પણ મજબૂત છે, તેટલી શહેરી વિસ્તારોમાં નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓમાં જે પરિણામ હોય છે, તે દર્શાવે છે કે શહેરીપ્રજા કોંગ્રેસથી વધારે વિમુખ છે. સામાન્ય છાપ એવી છે કે શહેરોમાં વિકાસ તો વધારે છે, પરંતુ નાગરીકો પણ વધુ શિક્ષિત છે. ગામડાઓમાંથી આવેલા અને શહેરોમાં વસેલા નાગરીકો, પરિવારો શિક્ષણ અને રોજગાર માટે શહેરોમાં આવીને વસે છે અને પછી શહેરોમાં જ સ્થાયી થઈ જાય છે. આજે શહેરોમાં ગીચ વસતિ અને ગામડાઓ ખાલી થતા જાય છે. માળખાગત સુવિધાઓ શહેરોમાં વધારે હોય છે અને વિકસીત હોવાથી શહેરની પ્રજાને ગામડાઓની પ્રજાની સમસ્યાઓનો એટલો અંદાજ હોતો નથી. ભાજપના શાસનમાં માળખાગત સુવિધાઓ વધી છે અને વિકાસ થયો છે તેનો ઈનકાર કોઈ કરી શકે તેમ નથી, પરંતુ આ વિકાસ શહેરોમાં જે રીતે થયો છે તેટલો ગામડાઓમાં થયો નથી, એ પણ એવી જ હકિકત છે. આજે પણ ગામડાઓમાં પીવાના પાણીની, વિજળીની, માર્ગોની કે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. મતદાનના આંકડાઓમાં પણ આનુ પ્રતિબિંબ જોવા મળે છે. અલબત્ત શહેરોની વધતી જતી વસતિનો લાભ એ મુદ્દે ભાજપ લે તે સ્વાભાવિક છે, પણ કોંગ્રેસ શહેરો માટે સાવ હથિયાર હેઠા મૂકી દે તે અયોગ્યઅને અસ્વીકાર્ય છે. અનેક બાબતો એવી છે જેનાથી શહેરી જનતા દુઃખી હોવા છતાં નિરૂપાય બનીને તે ભાજપની જ સમર્થક જોવા મળી રહી છે. આથી ગુજરાતમાં કોંગ્રેસ શહેરો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે તે પણ એટલું જ જરૂરી છે.

પરિવારવાદનો મુદ્દો ખોખલો અને ભ્રામક છે :

આપણા દેશના રાજકારણમાં પરિવારવાદનો મુદ્દો ખાસ્સો ચગેલો છે અને કોંગ્રેસ તેમાં સતત માર ખાઈ રહી છે. કોંગ્રેસે આ મુદ્દાની સામે લગભગ ચૂપકીદી સેવી છે અને એટલે જનમાનસમાં એક વાત ઠસી ગઈ છે કે પરિવારવાદ એટલે માત્ર નહેરુ-ગાંધી પરિવારનું રાજકારણ અને સત્તા ભોગવટા માટે પક્ષ અને દેશ પર એક જ પરિવારનો અયોગ્ય કબજો !હકિકત એ છે કે આ મુદ્દો ઈર્ષ્યા અને સંકુચિત મનોવલણમાંથી પેદા થયેલો મુદ્દો છે. જગત જાણે છે કે નહેરુ-ગાંધી પરિવારના પક્ષે આઝાદી પહેલાથી અને પછી સેવા, ત્યાગ અને બલિદાનની ગાથા જોડાયેલી છે. આજે જ્યારે જે સત્તા પર હોય તેને લોકપ્રિય અને પ્રજાના પીઠબળ માટે તેની પ્રશંસા થતી હોય તો નહેરુ અને તેના પરિવારના કિસ્સામાં પણ જે તે સમયે દેશની જનતાએ જ તેમને સત્તા સોંપી હતી કારણ કે જનતાની નજરે તેઓ જ લાયક હતા. સિદ્ધાંત હંમેશા બધે એક સરખો લાગુ પડે.

નહેરુ-ગાંઘી પરિવારની વાત હોય એટલે તે પરિવારના નેતાઓ સ્વયં પોતાનો બચાવ કરે તે યોગ્ય નથી અને તેઓ કરતા પણ નથી, પરંતુ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ એ મુદ્દે જ્યારે ચૂપ અને સંરક્ષણાત્મક સ્થિતિમાં રહેવા માંગતા હોય તે આશ્ચર્ય જેવું છે. આ પરિવારવાદના મુદ્દા સામે કોંગ્રેસ પક્ષે સામો બચાવ કે પ્રહાર કરવો હોય તો ટેકનીકલી અને પોલીટીકલી બંને રીતે સાવ સરળ દલીલો છે, પરંતુ કોંગ્રેસ જાણે ગાંધી પરિવારને જ અસહાય સ્થિતિમાં રાખવા માંગતી હોય તેવી છાપ ઉપસે છે.

આઝાદી પછીના ભારતભરના રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદમાં ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોના આંકડાઓ ચોંકાવી દે તેવા છે. નૂર્યોર્ક યુનિવર્સિટીના કંચન ચંદ્રા દ્વારા સંપાદિત થયેલા પુસ્તક ‘ડેમોક્રેટિક ડાયનેસ્ટીઝ’માંપારીવારિક બેકગ્રાઉન્ડ ધરાવતા ધારાસભ્યો અને સંસદ સભ્યો પર ગહન સંશોધન બાદ જે આંકડાઓ પ્રસિદ્ધ થયા છે, તે જાણવા જેવા છે. આ વર્તમાન લોકસભાના 30% ટકા સાંસદો કોઈને કોઈ રાજકીય પરિવારોમાંથી આવેલા છે. આ રાજ્યોમાં પંજાબ અને બિહાર સૌથી આગળ છે. પરિવારના સભ્યોને રાજકારણમાં આગળ વધારવાની બાબતને પરિવારવાદ ગણવાનો હોય તો આ પરિવારવાદ સંખ્યાની દ્રષ્ટિએ કોંગ્રેસમાં સૌથી વધુ 31%છે, પરંતુ ભાજપ પણ પાછળ-પાછળ લગોલગ 22% સાથે પરિવારવાદમાં સાથ નિભાવી રહ્યો છે. કોંગ્રેસે વધારે શાસન કર્યુ એટલે તેના આંકડા વધુ સંખ્યામાં છે તે સ્વાભાવિક છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સૌથી છેલ્લા નંબરે છે.મોટા રાજ્યોમાં રાષ્ટ્રિય સરેરાશ કરતા વધારે પરિવારવાદ જોવા મળે છે, જેમાં રાજસ્થાનમાં 32%, ઓરિસ્સામાં 33%, તેલંગાનામાં 35%, આંધ્રપ્રદેશમાં 36%, તામીલનાડુમાં 37%, કર્ણાટકામાં 39%, મહારાષ્ટ્રમાં 42%, બિહારમાં 43%, અને પંજાબમાં 62% લોકો રાજકીય પરિવારોમાંથી જ વારસાગત લાભ લઈને ચૂંટાય છે.

સામાન્ય રીતે એવું લાગે કે પ્રાદેશિક પક્ષો વધારે પરિવારવાદ ચલાવતા હશે, પરંતુ સ્થિતિ ઉલટી છે. રાજ્ય પ્રમાણે જોઈએ અને રાષ્ટ્રિય પક્ષના પરિવારવાદની સામે પ્રાદેશિક પક્ષોના પરિવારવાદને સરખાવીએ તો બિહારમાં પ્રાદેશિક પક્ષોના 14% સામે રાષ્ટ્રિય પક્ષોના 58%પરિવારવાદ જોવા મળે છે. હરિયાણામાં 5%ની સામે 50%,કર્ણાટકમાં 13%ની સામે 35%, મહારાષ્ટ્રમાં 19%ની સામે 35% અને ઓરિસ્સાના 15%ની સામે 33%, તેલંગાણામાં 22%ની સામે 32% અને ઉત્તરપ્રદેશમાં પણ 18%ની સામે 28% ઉમેદવારો આ રીતે પરિવારોમાંથી આવે છે. આપણી સંસદનુ ચિત્ર પણ રસપ્રદ છે છેલ્લી ચૂંટણીમાં પરિવારોમાંથી આવનાર ઉમેદવારોની સંખ્યા 18%2189માંથી 389 હતી અને એમાંથી ચૂંટાયેલા સંસદસભ્યોની સંખ્યા 30% એટલે કે 542 માંથી 162 છે !આનો અર્થ એવો પણ થાય કે લોકોનો વિશ્વાસ પરિવારમાંથી વારસાગત રીતે આગળ આવતા ઉમેદવારોમાં વધારે છે ! લોકસભાની ચૂંટણીમાં 856માંથી 227 વારસાગત ઉમેદવારોને રાષ્ટ્રિય પક્ષોએ ટીકીટ આપેલી અને પ્રાદેશિક પક્ષોએ 1333 ઉમેદવારામાંથી 162 વારસાઈ ઉમેદવારોને ટીકીટ આપી હતી. રાજ્યવાર જોઈએ તો યાદી ઘણી લાંબી છે પરંતુ ગુજરાતમાં રાષ્ટ્રિય પક્ષોએ 13 ટકા ઉમેદવારો અને પ્રાદેશિક પક્ષોએ 0% વારસાઈ ઉમેદવારોને ટીકીટ આપેલી. આજે ગુજરાતમાં 15% સાંસદો વારસાગત રીતે રાજકીય પરિવારોમાંથી આવેલા છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે પરિવારવાદના મુદ્દાથી કોઈ જ અલિપ્ત નથી. બધા જ પક્ષો પરિવારવાદથી ઘેરાયેલા છે. માત્ર સીપીઆઈ અને સીપીઆઈ(એમ) બે જ પક્ષો એવા છે, જેમાં પરિવારવાદનો આંકડો 5%થી પણ એટલે કે સૌથી ઓછો છે. આ મુદ્દો જે રીતે પ્રચારમાં ગાજે છે, તેનાથી ઉલટુ આંકડાઓ દર્શાવે છે કે જનતાની નજરે આ મુદ્દો બહુ અગત્યનો જણાતો નથી. આમ છતાં કોંગ્રેસ આ દેશની કે ગુજરાતની જનતા સમક્ષ આ વાસ્તવિકતા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

વધુ કહેવુ હોય તો કોંગ્રેસ પણ સંગઠનની ચૂંટણીઓ અને નિયમો પ્રમાણે જ તેના નેતાઓને ચૂંટે છે. એટલે ‘શા માટે એક જ પરિવારને સત્તા ?’ જેવો પ્રશ્ન અન્યો માટે ઉપસ્થિત થતો નથી. બધા જ પક્ષોમાં સંગઠન સ્તરે જે ચૂંટણીઓ થાય છે, તે એકસરખી રીતે જ હાઈકમાન્ડના ઈશારે છતાં ‘લોકશાહી રીતે’ ગણાય તે મુજબ થતી હોય છે, જેમાં કોંગ્રેસ જુદી કે અપવાદ હોય તેવું નથી.

અસ્પષ્ટ નીતિ અને અનિર્ણાયકતા :

કોઈ પણ સંગઠન, સરકાર કે રાજકીય પક્ષ માટે સ્પષ્ટ દર્શન, સ્પષ્ટ નીતિ અને સ્પષ્ટ વ્યૂહરચના અનિવાર્ય બાબત છે. ચૂંટણીઓ જીતવાની બાબત હોય ત્યારે આ સંદેશો સમાજના છેવાડાના માનવી સુધી સીધો અને સાચી રીતે જાય તે જરૂરી છે. ગુજરાત કોંગ્રેસની કાર્યપદ્ધતિ અને કાર્યસંસ્કૃતિનો બહાર રહીને જે અભ્યાસ થઈ શકે છે, તે જોતા એવું લાગે છે કે, ગુજરાત કોંગ્રેસે આમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. બધા જ મહત્વના નિર્ણયો રાષ્ટ્રિય હાઈકમાન્ડ પર જ આધારિત હોય કે વ્યૂહાત્મક રીતે આવું દર્શાવવાના પ્રયત્નો હોય, તો તે યોગ્ય નથી જ નથી. છ કરોડથી વધારે વસતિ ધરાવતા ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સેવા માટે પણ જ્યારે સત્તા જરૂરી હોય અને ચૂંટણીઓ જીતવી અનિવાર્ય હોય,તે સંજોગોમાં વર્ષો સુધી કોંગ્રેસમાં અસ્પષ્ટ નીતિ અને અનિર્ણાયકતાનું વાતાવરણ સતત ચાલુ રહે, તેમાં કાર્યકર્તાઓ અને નેતાઓ નિરાશ જ થતા રહે. એટલું જ નહિં, મતદારોનો વિશ્વાસ કે આશા જગાવવાના પક્ષ કે તેના નેતાઓના પ્રયત્નો પણ કદાપિ સફળ ન થઈ શકે. ગુજરાત કોંગ્રેસનાકોઈ કાર્યકર્તાઓ કે નેતાઓ જ્યારે જ્યારે પક્ષ છોડીને બીજા પક્ષમાં ગયા છે ત્યારે કોંગ્રેસે તેને માત્ર‘પક્ષપલટા’માં અને ‘પક્ષ સાથે દગાખોરી’માં ખપાવવાના બદલે આત્મચિંતન કરી આવી ઘટનાઓને પોતાની નબળાઈ તરીકે પણ જોવી રહી અને ઉપાયો પણ શોધવા રહ્યા.

અંતમાં, એક વાત નક્કી છે કે આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા બંધારણ મુજબ આગળ વધીને લોકશાહી મજબૂત થાય તે સામાન્ય જનતાના હિતમાં છે. લોકહિતની વાત કરીએ તો તેમાં કોઈપણ રાજકીય પક્ષ કે નેતાઓ કરતા એક નાગરીકનુ મહત્વ સૌથી વધારે છે. લોકશાહી ત્યારે જ મજબૂત બની શકે જ્યારે કોઈ પણ સમાજનો એક એક નાગરીક સુખ, શાંતિ, સલામતિ અને પ્રગતિની અનુભૂતિ કરી રહ્યો હોય. પ્રચારની આંધીમાં વિચાર ગુંગળાય ત્યારે લોકહિત જોખમાય છે તે સ્પષ્ટ છે. વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂતીથી આગળ વધે, તેમાં લોકશાહીની અને લોકોની સેવા છે, પછી ભલે એ સત્તામાં હોય કે વિરોધપક્ષમાં, કોંગ્રેસ પણ તેના કર્તવ્યમાંથી પીછેહઠ કરી શકે નહી.[:]