[:gj]એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…[:]

[:gj]અમદાવાદ,તા.19

દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બનાવવાની આવડત અને વેપાર કરવાની આગવી કોઠાસૂઝથી મ્યુનિસિપલ કોઠા સામે ગોળ લીમડા વિસ્તારના નવાવાસમાં એક નાનકડી રૂમ રાખીને પત્ની નંદુબા સાથે સવા શેર ચણાની દાળથી ખમણ બનાવવાની શરૂઆત કરી.પીતાંબરદાસ ઠક્કર ખુમચો લઈને વિવિધ સ્થળોએ ખમણ વેચવા માટે ઉભા રહેતા.ધંધાને આગળ વધારવા માટે કેટલાંક માણસોને નોકરીએ રાખ્યા અને તેમને પણ કોઈ જગ્યાએ ખુમચો લઈને ખમણ વેચવા માટે ઉભા રાખતા હતા.

દિવસે દિવસે ખાવાના શોખીન એવા અમદાવાદીઓને દાસના ખમણનો ચટાકો પસંદ પડવા લાગ્યો અને મ્યુનિસિપલ કોઠાની સામે વર્ષ 1950માં દાસ ખમણની પહેલી શાખાનો પ્રારંભ થયો.ત્યારબાદ પુત્ર મોહનદાસ પણ ખમણના વ્યવસાયમાં જોડાયા અને ખમણના વ્યવસાયને આગળ વધાર્યો,અને સમય તથા સ્વાદના રસિયાઓને ધ્યાનમાં રાખીને નવા નવા ટેસ્ટ ઉમેરતા ગયા.મોહનદાસ ઠક્કર ધંધા-વેપારમાં તો આગવી કોઠાસૂઝ ધરાવતા હતા પણ સાથે સાથે કલાજગતમાં પણ એટલો જ રસ ધરાવતા હતા.તેમણે મસ્ટીક્યુસ નાટક બનાવ્યું અને તેમાંથી જે આવક થતી હતી તે આવક ચેરીટી માટે આપી દેતા હતા જરૂરિયાતમંદોને વેપાર કરવા માટે ઘર ચલાવવા માટે છુટે હાથે મદદ કરતાં હતાં.

ત્યારબાદ ત્રીજી પેઢી હરીશભાઈ,કિશોરભાઈ,વિરાટભાઈ ઠક્કર વેપારમાં જોડાયા,અમદાવાદ શહેરના વિસ્તાર વધવાની સાથે સાથે બીજી શાખા સ્ટેડીયમ વિસ્તારમાં ખોલી અને ત્રણેય ભાઈઓએ પોતપોતાની જવાબદારી મુજબ કામ વહેંચી લીધું. આજે ચોથી પેઢીએ કૃણાલ ઠક્કર,હેમલ ઠક્કર,ભાવિક ઠક્કરે પણ દાસના ખમણનો 97 વર્ષ જુનો સ્વાદ પીરસી રહ્યા છે. એક સદી પસાર થઈ ગઈ હોવા છતા ખમણના સ્વાદમાં  બદલાવ આવ્યો નથી. હાલમાં અમદાવાદ શહેરમાં દાસના ખમણની આઠ જેટલી શાખાઓ આવેલી છે જેમાં સ્વાદના રસિયાઓને સાદા ખમણ,મરીવાળા ખમણ,દહીંવાળા ખમણ,ટમટમ ખમણ જેવી વિવિધ વેરાઈટીઓ મળી રહી છે.

 [:]