[:gj]અમદાવાદ,તા.22 ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાંનુ શ્રેય મારા સાથીઓ તથા અમારા મૂલ્યોને પકડીને ચાલવાના આગ્રહ અને પ્રયત્નોને આપુ છુ. જોકે, આ મૂલ્યોને જાળવવામાં અને હમેંશા સફળ નથી રહ્યા પરંતુ તેને અમે હંમેશા પ્રયત્નશીલ તો જરૂર રહ્યા છીએ, તેમ જ તેમાં અમે ઉત્તરોત્તર વધારે સફળ પણ થયા છીએ. આ વાત એટલા માટે કહુ છુ કે તે માસા વ્યવસાયના પચાસ વર્ષના અનુભવનો નિચોડ છે.

મહાત્મા ગાંધીનો પ્રભાવ
તેમણે પોતાના વિશે વાત કરતા કહ્યુ કે મને મળેલી સંપત્તિનુ શુ કરવુ તે વિશેના મારા વિચારો અને કાર્યો પર મારી માતા પછી સૌથી વધારે પ્રભાવ મહાત્મા ગાંધીનો રહ્યો છે. મારા માતા વિકલાંગ બાળકો માટે હાડકાંના રોગની સારવાર માટે ધર્માદા હોસ્પિટલના સ્થાપક સભ્ય હતી અને તેનુ સંચાલન પણ કાર્યપાલક પ્રમુખ તરીકે પચાસ વર્ષ કર્યુ હતુ. આ પ્રકારની હોસ્પિટલ દેશને સ્વતંત્રતા મળ્યા પછી સૌ પ્રથમ શરૂ થયેલી સામાજિક સંસ્થા હતી.આમ, લોકોના જીવનમાં કેવી રીતે રાહત લાવી શકાય તે મે બાળપણથી જોયુ છે. સંપત્તિવાન વ્યકિત તેની સંપત્તિનો ટ્રસ્ટી છે અને તેણે તે સંપત્તિનો સદુપયોગ લોકોના અને સમાજના કલ્યાણ માટે કરવાનો છે મહાત્મા ગાંધીજીના તે આદર્શ વિચારો હુ સંપત્તિવાન થયો તે પહેલાથી મારા મનમાં પડેલા છે. તેમણે ગાંધીજીના વિચારો પ્રવર્તમાન સમયમાં કેવી રીતે વ્યાજબી છે તેની વાત કરતાં કહ્યુ કે આપણા સમાજમાં સંપત્તિની એક પ્રચંડ અસામનતાઓ રહેલી છે. સંપત્તિ અને સંસાધન, સમાજ અને સર્વજનોના ઉત્કર્ષ માટે જ વાપરવા જોઇએ, ભલે તેની માલિકી જેના પણ કબજામાં હોય.તેમણે કહ્યુ કે આપણે જે સમાજમા રહીએ છીએ તે આદર્શ વ્યવસ્થાથી જોજનો દૂર છે. તેમાં પ્રચંડ અસામતા અને અન્યાય છે તેથી પણ વધારે મૂળભૂત સ્તર પર જઇએ તો આ વિશ્વમાં આપત્તિ-વેદના-અવમાનનુ પ્રમાણ આશ્ચર્ય પમાડે તેટલુ વિકરાળ છે.
ટ્રસ્ટીશિપનો અભિગમ
તેમણે ગાંધીજીના વિચારો પોતાના જીવનમાં કેટલા પ્રભાવિત હતા તે અંગે વાત કર્યા પછી કહ્યુ કે મારી પોતાની માન્યતા તો એ છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશિપનો અભિગમ સુંદર વિશ્વને ઘડવા અને તેને તે રીતે ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. સાધ્ય કરતાં સાધ્ય સુધી પહોંચવાના સાધનનુ મહત્વ વધારે છે. તેમણે કહ્યુ કે લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વાજબી ઠેરવી શકાશે નહી. સાધ્ય જે કોઇ પણ હોય પરંતુ તેને માટેના સાધનો હમેંશા નૈતિક જ હોવા જોઇશે. આજના વિશ્વમાં આપણે છીછરી વિભાવક વસ્તુઓને ખૂબ જ મહત્વ આપીએ છીએ. લાંબા ગાળે આ બધી વસ્તુઓનુ કોઇ મહત્વ નથી. જીવનકાળને અંતે જેનુ મુલ્ય રહે છે તે તો કોઇ હેતુ માટે કરેલો સમર્પિત પ્રયત્ન જ છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ કે તમે કંઇ પણ કરો, આ મૂલ્યોને સાથે રાખીને જીવવાનો પ્રયત્ન કરશો, તો દરેક વાત સારી બનશે અને તેનાથી એક ઉંડો સંતોષ પ્રાપ્ત થશે. આ પ્રસંગે વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિક શાહે વિદ્યાપીઠમાં ચાલતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. જયારે વિદ્યાપીઠના કુલપતિ ડો. ઇલાબેન ભટ્ટે વર્તમાન સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ જીવનમા શુ કરવુ અને શુ ન કરવુ જોઇએ તેની સમજ આપી હતી.

[:]
You must be logged in to post a comment.