[:gj](સુનિલ પટેલ)
‘રાણીપના કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેઓ વાવેલા છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. આ ઉપરાંત તેઓ તેઓની સાથે દાતરડું પણ રાખે છે જેના દ્વારા છોડની આસપાસ કાંટાળી વાડ બનાવે છે… જ્યારે સમય મળે ત્યારે છોડ વાવે છે… અને છોડનું સંરક્ષણ કરે છે…’
અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે.
મૂળ ગાંધીનગર જિલ્લાના ચાણસ્મા તાલુકાના ચડાસણા ગામના વતની અને વર્ષોથી અમદાવાદના રાણીપમાં સ્થાયી થયેલા કાંતિભાઇ શીવરામદાસ પટેલ મૂળ તો ખેડૂતપૂત્ર છે, તેથી વૃક્ષ પ્રત્યેની તેમની સંવેદના છે. છતાં, તેઓ વૃક્ષોને એટલો અનહદ પ્રેમ કરે છે કે તેઓએ પોતાના ખિસ્સાના રૂા. ૧ લાખ જેટલો ખર્ચ છેલ્લા નવ વર્ષમાં એકલે હાથે એક કે બે નહીં પણ પૂરા આ ૨૦૦૦ વૃક્ષ વાવવામાં કરી નાંખ્યો છે અને છતાં તેમનો વિશ્વાસ એટલો બૂલંદ છે કે તેઓ જ્યાં સુધી કામ કરી શકવા સક્ષમ છે ત્યાં સુધી વધુને વધુ વૃક્ષો વાવીને ઉછેરવાની ખેવના ઘરાવે છે.
આ બધુ તો છે જ પણ આપણે એવા ૭૦ વર્ષના નવયુવાન એવા વૃક્ષપ્રેમી એવા કાંતિભાઇ પટેલની કે અને આ વૃક્ષો ન માત્ર વાવ્યા છે પણ તે પૂરેપૂરા મોટા થાય ત્યાં સુધીની માવજતથી તેમણે ઉછેર્યા પણ છે. તેમની વૃક્ષારોપણની પ્રવૃત્તિ ચોમાસાની સિઝનની મોહતાજ નથી. વર્ષભર તેમની આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. કાંતિભાઇની આ પ્રવૃત્તિ માટે જાહેર સન્માન થયું તે પહેલા ઘણા રાણીપવાસીઓ તેમને છોડ વાવતા જોઇ ચૂક્યાં છે. જો કે તેમને પ્રસિધ્ધિની કોઇ ખેવના નથી. તેઓ તો ‘પોતે ભલા અને પોતાના છોડ ભલા’ માં માને છે. તેઓના આ કાર્યમાં તેઓના ઘરનો પણ પૂરેપૂરો સહયોગ છે. તેઓનો જીવનધ્યેય છે કે, ‘જીવનમાં બનો તો આ જગતના વનમાળીએ બનાવેલા બાગમાં માળી બનો પણ કદી પણ કઠિયારા ન બનો.’
૭૦ વર્ષની ઉંમરે માણસ થોડો અશક્ત બનતો હોય છે, મોહમાયાથી દૂર થવા ભજન ભક્તિમાં લીન બનતો હોય છે.કાંતિભાઇ આ ભજન ભક્તિ પણ કરે જ છે પણ તે તેમના માટે પસંદગીમાં બીજા નંબરે આવે છે. સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વુક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ રાણીપથી માંડીને ત્યાંથી ૭- ૮ કિ.મી. દૂર નારણપુરા સુધી તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમની આ રોજની સવારની પ્રવૃત્તિ છે. એવું નથી કે તેમની પાસે કરવા જેવી કોઇ પ્રવૃત્તિ નથી. તેમના દિકરાઓની પોતાની હાર્ડવેરની દૂકાનો છે ત્યાં પણ તેઓ બેસી શકે છે
તેઓ ન માત્ર પાણી લઇને નિકળે છે પણ તે સાથે ખામણું કરવા માટે કોદાળી, તિકમ, છોડ આસપાસનું ઘાસ દૂર કરવા માટેની ખૂરપી, છોડના રક્ષણ માટે ખામણાની આસપાસ ઇંટોની દિવાલ કરવા માટે સીમેન્ટ, લેલું, છોડમાં ઉધઇ ન આવે તે માટેની દવા.. આમ તમામ પ્રકારનો સરંજામ લઇને કાંતિભાઇ નિકળી પડે છે.
કાંતિભાઇએ નવા રાણીપ, નારણપુરાના પલિયડનગર, સોલા રોડ, મોહનનગર તથા આ વિસ્તારમાં બનતી નવી સોસાયટીની આસપાસ આ વૃક્ષો વાવ્યા છે. માત્ર વાવ્યા નથી પરંતુ તે મોટા થાય ત્યાં સુધીની કાળજી તેઓએ રાખી છે. સોલા રોડ કે નારણપુરાના પલિયડનગરના રસ્તા પરથી નિકળો તો લહેરાતા લીમડો, કણઝી, સપ્તપર્ણી, ગુલમહોર, બોરસલ્લી અને ફન્ટુફાર્મના જે છોડ કે ઝાડ જોવા મળે છે તે કાંતિભાઇના પરિશ્રમનું પરિણામ છે. કાંતિભાઇની ઉંમર ૭૦ વર્ષની છે….મોઢામાં દાંત પણ નથી રહ્યા છતાં તેમનો વૃક્ષ ઉછેર માટેનો જોમ અને જુસ્સો હજુય અકબંધ છે. તેઓ દ્વારા વાવવામાં આવેલા આ વૃક્ષો તેઓ નર્સરીમાંથી રૂા. ૧૦૦ થી રૂા.૩૦૦ ના પ્રતિ છોડના ભાવે લાવી જાતે જ ખામણું કરે છે અને જાતે જ રોપે છે. આ માટે થતા ખર્ચની તેમણે ક્યારેય તમા નથી કરી. કોઇ કોઇ લોકો તેમને તેમની આ પ્રવૃત્તિ માટે આર્થિક મદદ માટેનો હાથ પણ લંબાવે છે પરંતુ તેઓ કોઇની મદદ લેતા નથી.
તેઓને આ વૃક્ષપ્રેમની પ્રેરણા ક્યાંથી મળી તેવું પુછતા તેમણે જણાવ્યું કે, નવ વર્ષ પહેલા હું એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતો. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેઓને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો તે તમે આંબાનો છોડ વાવો છો. તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએે. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તો તેના ફળ ખાવા મળશે. આ વાર્તા વાંચીને મને થયું કે, જગતના નિયંતાએ આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ. કોઇકે તો શરૂઆત કરવી પડશે તેવા વિચાર સાથે કાંતિભાઇએ આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
તેમણે આ ઉપરાંત રાણીપમાં સીનીયર સિટિઝનનું ૧૫૦ લોકોનું ગૃપ બનાવ્યું છે. જેને તેઓ સિનિયર સિટિઝન ફોરમ કહે છે તેઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે છે. આ ઉપરાંત આ ગૃપ રાણીપમાં વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકમુક્ત ગુજરાત જેવા વિષયોને લઇને જનજાગૃતિ માટે રેલી પણ યોજી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સોસાયટીઓમાં તુલસીના છોડનું પણ મફત વિતરણ કરે છે
કાંતિભાઇ કહે છે કે, જો આપણે સ્વચ્છ પર્યાવરણ- સ્વચ્છ શ્વાસ જોઇતા હશે તો આ ધરતીને વૃક્ષોનો બાગ બની રહેવા દઇએ. જો તેમ નહીં કરીએ તો તેના વરવા પરિણામ આપણે ભોગવવા પડશે. કુદરતે બનાવેલી આ ધરતીને કઠિયારા બની ઉજ્જડ કરવાનો આપણને કોઇ અધિકાર નથી.
કોઈ વ્યક્તિ ધારે તો શું કરી શકે તે તેમણે શિખવ્યું છે.
[:]
You must be logged in to post a comment.