[:gj]ગાંધીનગર, તા.23
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વિકાસથી તેમજ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં તેમની સહભાગીતાથી તેઓ પ્રભાવિત થયાનો મત દર્શાવ્યો હતો મુખ્યપ્રધાનએ ગુજરાત પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સત્કાર અને સમગ્ર પ્રવાસ દરમિયાન મળેલ સહયોગ અંગે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો.
બંને મહાનુભાવોએ ગુજરાત-ઉઝબેકિસ્તાનના લોકોના-નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર, નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો.

વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથેની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ હેતુસર જરૂરી પરવાનગીઓ અને સહયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ યુત શવકત મિરઝીયોયેવએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ગુજરાતના વેપાર-ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે. એટલું જ નહિ, અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિએ ગુજરાતના મુખ્ય પ્રધાનને એમ પણ જણાવ્યું કે, તેમની સરકારના ત્રણ પ્રધાનઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે-ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો-સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે.

આ પ્રધાનઓ ભારતની ઉઝબેકિસ્તાન સ્થિત એમ્બેસી સાથે પણ દર મહિને સંકલન બેઠક યોજીને સમીક્ષા કરશે.યુત શવકત મિરઝીયોયેવએ ખાસ કરીને એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જીનીયરીંગ તેમજ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપાર-રોકાણ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને ગુજરાતની જૈવિક ખેતીની વિશેષતાઓની ભૂમિકા આપી તેનાથી પ્રભાવિત થઇને રાષ્ટ્રપ્રમુખે આ ખેતીના વધુ અભ્યાસ માટે પણ એક પ્રતિનિધિમંડળ ત્વરાએ ગુજરાત મોકલશે તેમ જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી તેમજ આઇક્રિયેટ જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓની વિશદ છણાવટ આ બેઠકમાં કરી હતી.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ યુનિવર્સિટીઓ સાથે પોતાના રાષ્ટ્રનું ટાઇ-અપ કરીને ઉઝબેકિસ્તાન યુવાઓને તેનો લાભ મળી રહે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ અને ઇનોવેશન પ્રધાનને ગુજરાત મુલાકાતે મોકલશે તેમ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાનએ ઉઝબેકિસ્તાનમાં અન્ડીજાન શહેરમાં એક સ્ટ્રીટનું નામ ગુજરાતના સપૂત રાષ્ટ્રનેતા સરદાર સાહેબના નામ સાથે જોડવા તેમજ સરદાર પ્રતિમા મૂકવાના સરાહનીય અભિગમ માટે પણ રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.[:]