[:gj]આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’, અને ‘સર્વોદય’ ગાંધીનું આત્મનિર્ભર સૂત્ર હતું [:]

Self-reliant, Corona and Gandhiji - 'Gram Swaraj', 'Decentralization', and 'Sarvodaya' were Gandhi's self-reliant slogans

[:gj]પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન

ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભાર મૂકે છે તેની સખત ટીકા કરી છે અને તેમની ટીકા ચોક્કસ પણે વિચાર માંગી લે તેવી છે.

હાલમાં સમગ્ર વિશ્વ આરોગ્યની ખતરનાક મુસીબતમાંથી પસાર થઈ રહ્યું છે અને ભારત પણ તેમાં આપવાદ નથી. તેમાં કોઈ જ બેમત નથી કે તમામ દેશોમાં આર્થિક મંદી અને બેરોજગારીની પરિસ્થિતિ ઊભી થશે. COVID 19ની સાથે સાથે આપણે ખોટા (ફેક) સમાચાર અને કોમી નફરતનો પણ સામનો કરી રહ્યા છીએ. સમાજના મૂડીવાદી માળખા ઉપર કોરોના મહામારીના કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વિકસિત અને વિકાસશીલ તેમ બંને દેશોમાં કોરોનાને કારણે વધારે લોકો મૃત્યુ પામશે કે પછી ભૂખમરાને કારણે તે અંગે ચર્ચા થઈ રહી છે. વર્તમાન માહિતીના આધારે તો ચોક્કસ કહી શકીએ કે કોરોનાનો મૃત્યુ દર વધુ છે પણ આ ચર્ચા પોતે જ બજાર આધારિત અર્થતંત્રની નિષ્ફળતા દર્શાવે છે. કોરોના મહામારીના કારણે કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણાં ગરીબો પોતાની જિંદગી ગુમાવશે તેવી શક્યતાઓ છે.
મૂડીવાદી બજાર નિષ્ઠુર છે જેમાં કોઈને કશું પણ વિના મૂલ્યે મળતું નથી. જો કે રાજ્ય પણ દયાળુ છે તેવું નથી, પરંતુ તેની ઉપર વંચિત વર્ગોને મદદ કરવા માટે સામાજિક દબાવ ઊભો કરી શકાય છે. તેમાં ઘણી વાર સફળતા પણ પ્રાપ્ત થાય છે. ઘણાં લોકો “વપરાશ માટે વધુ પસંદગી એટલે વધુ કલ્યાણ” તેવું મને છે અને ઘણાં અંશે તે સાચું પણ છે પરંતુ ભારતમાં કરોડો લોકોને ઊંચા આર્થિક વૃદ્ધિ દરનો કોઈ જ ફાયદો થયો નથી, તેમજ તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ ફાંફા મારવા પડે છે. ઉદાહરણ તરીકે, કેટલાંક અમીરો લોકડાઉનમાં પોતાના ફાર્મ હાઉસ પર પૂરતી સગવડો સાથે સમય પસાર કરી રહ્યા છે અને બીજી તરફ, લાખો લોકો બે ટંક ખાવા માટે વલખાં મારી રહ્યા છે. જરા કલ્પના કરી જુઓ કે આવી પરિસ્થિતિમાં લોકો સ્વાર્થી બની પોતાના વિષે જ વિચારે (મૂડીવાદી વિચારધારા) અને બીજા લોકોની અવગણના કરે તો શું પરિણામ આવે? કદાચ તમે જવાબ જાણો જ છો.
નવ પ્રવર્તમાનવાદ એ મૂડીવાદનું નવું સ્વરૂપ છે કે જેમાં આર્થિક ઉપાર્જન ઉપર જ વધુ ભાર મૂકવામાં આવે છે. આ વિચારધારા મુજબ મુક્ત બજાર, મુક્ત વેપાર, અને મિલકત અધિકારોના રક્ષણ દ્વારા માણસનું કલ્યાણ વધુમાં વધુ થાય છે તેમ માનવમાં આવે છે. તદુપરાંત, રાજ્યનું કાર્ય માત્ર બજારને જેની જરૂર છે તે પૂરું પડવું: જેમ કે આંતરમાળખું, બજાર મજબૂત બને તેવા કાયદાઓ, અને બજારમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ. સમગ્ર વિશ્વમાં અત્યારે નવ પ્રવર્તમાનવાદનો પ્રભાવ છે અને આંતર રાષ્ટ્રીય સંથાઓ જેવી કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ વેપાર સંગઠન પણ તેને સમર્થન આપે છે.
જો કે કોરોના મહામારીને કારણે થેયલા લોકડાઉને નવ પ્રવર્તમાનની વિચારધારાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. અચાનક અને અનિશ્ચિત કાળ સુધી દેશ અને વિદેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવાને કારણે ત્રીજા વિશ્વના દેશો ઉપર પણ ખૂબ ગંભીર સંકડામણ આવી છે. ભારતમાં 24 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને આથી દૈનિક પગારદારો, સ્થળાંતરીત મજૂરો, લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, અને ખેત મજૂરોને સૌથી વધુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અચાનક કરવામાં આવેલા લોકડાઉનના કારણે તેમણે આજીવિકા ગુમાવી છે અને જીવન સંકટમાં આવી પડ્યા છે. જો કે સરકાર દ્વારા રૂ.1.7 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે જેમાંથી ગરીબોને લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવશે, પરંતુ આપણી આર્થિક નીતિઓ ગરીબોને પીડિત બનાવનારી છે. ભારતની બજાર આધારિત નીતિઓ ગરીબોના કલ્યાણમાં નિષ્ફળ ગઈ છે. અલબત્ત, કોરોના મહામારીએ તેનું વરવું સ્વરૂપ છતું કર્યું છે.
માનવ જીવનમાં મનોરંજન અને હળવાશની પળો ખૂબ જરૂરી છે. અમે એવો દાવો નથી કરતાં કે અત્યારે લોકો પોતાના ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જ વાપરે ને ખુશ છે. પરંતુ કોરના મહામારીએ સૌને મૂડીવાદી આર્થિક મોડેલ કે જેમાં અમીરોને ગરીબો કરતાં વધુ તકો પ્રાપ્ત થાય છે તેના વિકલ્પ વિષે વિચારવા મજબૂર કર્યા છે. ભારતના સંદર્ભમાં, ગાંધીજીના ખ્યાલો એ વૈકલ્પિક આર્થિક મોડેલ તરીકે ચિંતન માંગી લે છે.
અર્થશાસ્ત્રીઓ ગાંધીજીના વિકાસ મોડેલને વખોડી કાઢે છે કેમ કે તેમાં વપરાશ ઓછી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો વપરાશ ઓછી થાય તો જી.ડી.પી.નો વૃદ્ધિ દર ઘટે. ગાંધીજીનું આર્થિક મોડેલ મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે: ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’, અને ‘સર્વોદય’. ગ્રામ સ્વરાજ એ ગામડાઓને સ્વનિર્ભર બનાવવા ઉપર ભાર મૂકે છે. સ્થળાંતરીત મજૂરોની અવદશા નિર્દેશ કરે છે કે ભારતના ગામડાઓમાં રોજગારી નથી. ગ્રામ સ્વરાજ માટે રાજકીય અને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ આવશ્યક છે. ભારતમાં સ્થાનિક વિકાસ માટે નગરપાલિકાઓ અને પંચાયતીરાજની સંથાઓને વધુમાં વધુ સત્તા આપવામાં આવે તે જરૂરી છે.
સર્વોદય એટલે સર્વનો ઉદય. રસ્કીનના પુસ્તક ‘અંટૂ ધીસ લાસ્ટ’ પરથી ગાંધીજી એ આ શબ્દ આપ્યો હતો. આ ખ્યાલ ત્રણ સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે: પહેલો, બધાના ભલામાં મારુ ભલું છે. બીજો, શારીરિક અને માનસિક શ્રમિક વચ્ચે વળતરની અસમાનતા ના હોવી જોઈએ અને ત્રીજો, ખેડૂતનું જીવન એ જીવવા જેવું છે કેમ કે તે સર્જનાત્મક ઉત્પાદન કરે છે. ઘણાંખરા અર્થશાસ્ત્રીઓ આ સિદ્ધાંતો સાથે અસહમત થશે કેમ કે તે 7-8% નો વૃદ્ધિ દર નહીં આપી શકે. પરંતુ આ ખ્યાલોમાં ચોક્કસ પણે ગરીબોના કલ્યાણની વાત છે. તે કદાચ વધુ સાતત્યપૂર્ણ અને સમાન આર્થિક વૃદ્ધિ, શાંતિ અને અહિંસાના માર્ગે દેશને લઈ જશે.[:]