[:gj]કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે[:]

[:gj]ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે.

વસતી ગણતરીના એક અધિકારીએ કહ્યું હતું કે કુદરતી આપત્તિ કે આવશ્યક સંજોગોમાં વસતી ગણતરીનું કામ મુલત્વી રહે છે પરંતુ કાર્યક્રમ વિલંબથી શરૂ થતો હોય છે. ભારતમાં વસતી ગણતરીનું કામ 1972થી થાય છે. આઝાદી પછીની આ આઠમી વસતી ગણતરી છે. કોરોના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં એવું નક્કી થયું હતું કે ગુજરાતમાં વસતી ગણતરીનો કાર્યક્રમ એપ્રિલ મહિનામાં શરૂ થવાનો હતો અને સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો.

રાજ્યના 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં આ કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગુજરાતમાં પહેલીવાર મોબાઇલ એપ્લિકેશનની મદદથી વસતી ગણતરી થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના સમયે વસતી ગણતરી કરનારા શિક્ષકો કે કર્મચારીઓ લોકોના ઘરે જઇ શકતા નથી તેથી હજી આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે.

ભારતની વસતી ગણતરી દુનિયામાં સૌથી મોટી કવાયત છે. પ્રત્યેક દસ વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે. અગાઉના વર્ષોમાં પુર, મહામારી, પ્રાકૃતિક આપદા, રાજકીય અશાંતિ જેવા અનેક કારણો સામે હતા છતાં વસતી ગણતરીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ વર્ષે હજી નવા કાર્યક્રમના કોઇ ઠેકાંણા નથી.

વસતી ગણતરીના પહેલા ચરણમાં ઘરયાદીની સાથે રાષ્ટ્રીય જનસંખ્યા પત્રકને અધ્યતન કરવાનું કામ થવાનું છે. વસતી ગણતરી 2021ના કાર્યક્ષેત્રમાં સીએમએમએસ પોર્ટલનો ઉપયોગ થવાનો હતો કે જેથી વસતી ગણતરીના આંકડાના પરિણામોને જાહેર જનતા સમક્ષ મૂકી શકાય.

ગુજરાતમા આયોજીત વસતી ગણતરીની પ્રશિક્ષણ શિબિર ગયા વર્ષના નવેમ્બરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભારતની સાથે ગુજરાતમાં છેલ્લી વસતી ગણતરી 2011માં કરવામાં આવી હતી જેમાં ગુજરાતની વસતી 6.11 કરોડ હતી જેમાં 2021ની વસતી ગણતરીના પ્રોજેક્શનમાં 11 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે 2021માં ગુજરાતની વસતી 6.78 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવે ભારતનું વસતી ગણતરી એકમ નવી તારીખો જાહેર કરી શકે છે.[:]