[:gj]‘આજીનોમોટો’ શા માટે ધીમું ઝેર કહેવાય છે? રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના શોખીનો માટે રેડએલર્ટ[:]

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]વર્ષ 1908 ની આ વાત છે. ડો.કિકુનાઇ ઇકેડી નામના એક વૈજ્ઞાનિક રાતનું ભોજન લઈ રહ્યા હતા. ભોજનમાં સુપનો સ્વાદ આજે એમને કઈક અલગ જ લાગ્યો. વૈજ્ઞાનિક હોવાથી એમને આ બાબતે થોડું આગળ જાણવાની ઇચ્છા થઈ આવતા થોડી તપાસના અંતે તેમને જાણવા મળ્યું કે એક સામુદ્રિક વનસ્પતિના રસમાથી એ સૂપ બનાવવામાં આવેલ.

સામાન્ય રીતે આપણા ખોરાકમાં મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદ રહેલા હોય છે. ગળ્યો, ખાટો, કડવો અને ખારો. પરંતુ 1908 પછી ડો.ઇકેડીએ કરેલા સંશોધન બાદ બેઝીક ટેસ્ટમાં એક વધારાનો ટેસ્ટ ઉમેરાયો કે જેને ડો.ઇકેડી દ્વારા ‘ઉમામી’ નામ આપવામાં આવ્યું. શુદ્ધ ગુજરાતીમાં ‘ઉમામી’ ને આપણે ‘ચટાકેદાર’ તરીકે ઓળખી શકીએ. આમ આ ચોથા પ્રકારનો સ્વાદ કુદરતી નથી પરંતુ લેબોરેટરીમાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવેલ છે.

ડો.ઇકેડીએ જાપાનમાં પોતાની જ લેબોરેટરીમાં ‘મોનોસોડિયમ ગ્લુટામેટ’ (એમ.એસ.જી.) નામથી એક કેમિકલ બનાવ્યું. રસોડામાં તૈયાર કરેલા ખોરાકમાં જો આ કેમિકલ ખૂબ જ થોડી માત્રામાં પણ ઉમેરવામાં આવે તો પણ બિલકુલ ફીકા લાગતાં ખોરાકનો પણ લ્હેજતદાર સ્વાદ અનુભવાય. તદ્દન નવો જ ટેસ્ટ ડિસ્કવર કરનાર ડો.ઇકેડીએ થોડા વર્ષો પછી સુઝુકી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના માલિક એસ.સુઝુકી સાથે કરાર કરીને તેમને એમ.એસ.જી. ના ઉત્પાદન અને વેંચાણના હકો સોંપ્યા. એસ.સુઝુકીએ મોનોસોડિયમ ગ્લુટામેટનું ઉત્પાદન કરવાના હેતુથી જાપાનના ટોકિયો શહેરમાં ‘આજીનોમોટો’ નામથી એક કંપનીની સ્થાપના કરી.

આજદિન સુધીમાં ‘આજીનોમોટો’ કંપનીની વિવિધ દેશોમાં ટોટલ 141 જેટલી પેટા કંપનીઓ સ્થપાઈ ચૂકી છે. તેઓ 35 દેશોમાં માલ સપ્લાય કરે છે. ‘આજીનોમોટો’ નો વપરાશ વધારવામાં તેમની વિયેતનામ ખાતેની કંપનીનો મોટો ફાળો છે. અત્યારે આ કંપની ખૂબ મોટા પ્રમાણમા એમ.એસ.જી. નું ઉત્પાદન કરી રહી છે અને એશિયાના ઘણા દેશોમાં લગભગ તમામ ખાણીપીણીની લારીઓથી લઈને મોટાભાગના રેસ્ટોરન્ટ, ધાબાઓ સહિત ફાઇવસ્ટાર હોટેલ્સમાં અને કેટરિંગ સર્વિસમાં પણ ફૂડને ટેસ્ટી બનાવવા માટે આ કેમિકલ વાપરવામાં આવે છે. અગાઉ જણાવ્યા મુજબ આ કેમિકલનું રસાયણિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ (એમ.એસ.જી.) છે પરંતુ ભારતમાં આપણે એને કંપનીના નામ ‘આજીનોમોટો’ થી જ ઓળખીએ છીએ.

હવે મૂળ વાત ઉપર આવીએ. ‘આજીનોમોટો’ નું ઉત્પાદન વિવાદાસ્પદ છે. મોટેભાગે તેનું ઉત્પાદન શેરડીમાથી થતું હોવાના કેટલાક વિડિઓઝ કંપની કે પેટા કંપનીઓ દ્વારા ઓનલાઈન મૂકવામાં આવેલ છે. તેઓ તો વિડિયોમાં એવું પણ જણાવે છે કે ‘આજીનોમોટો’ નો ખોરાકમાં ઉપયોગ કરવાથી આપનું આરોગ્ય ખૂબ સારું રહે છે. પરંતુ હકીકત કઈક અલગ જ છે. આવા પ્રકારના વિડીયોઝ ઇન્ટરનેટ પર મૂકીને માત્ર આ પ્રોડકટનું વેંચાણ વધારવાનો હેતુ રહેલો છે. હકીકતે ‘આજીનોમોટો’ બનાવવામાં સમુદ્રી વનસ્પતિઓ, માછલી તથા અન્ય પ્રાણીઓના માંસનો ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ સાંભળવા મળે છે.

ટૂંકમાં ‘આજીનોમોટો’ એ શુદ્ધ શાકાહારી મસાલો ન કહી શકાય. મોટાભાગે દરેક રેસ્ટોરન્ટમાં પંજાબી અને ચાઇનિઝ ફૂડને ટેસ્ટી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો પદાર્થ ‘આજીનોમોટો’ અત્યંત હાનિકારક છે. તેને ધીમું ઝેર કહેવામા આવે છે. કારણકે ‘આજીનોમોટો’ ઉપયોગ કરવાથી એક પ્રકારનો ચટાકેદાર સ્વાદ જન્મે છે. ખાણીપીણીના શોખીનોને આવા સ્વાદની લત લાગી જાય છે. વારંવાર બહારનું આવું કેમિકલયુકત ફૂડ ખાવાથી આધાશીશી, માથાનો અસહ્ય દુ:ખાવો, સખત પરસેવો થવો, ચક્કર આવવા જેવા રોગો થઈ શકે છે. આ સિવાય હોજરીમાં ચાંદા પડવા, ગંભીર એસિડિટી થવી, આંતરડાનું કેન્સર જેવી અતિગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

ખટાશ સાથે ‘આજીનોમોટો’ ખાવામાં આવી જાય તો શરીર પર તિવ્ર ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે. મોઢા પર સોજો અને ત્વચા ખેંચાવી જેવી કેટલીક આડઅસરો થઈ શકે છે. વધુ ઉપયોગ ધીમે ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ સમસ્યાઓ, અને આળસનુ પણ કારણ બની શકે છે. તે ઉપરાંત શરદી ખાસી અને થાક પણ મેહસૂસ થાય છે. પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સામાન્ય આડઅસરો થાય છે. ‘આજીનોમોટો’ તમારા પગની માંસપેશી અને ઘુંટણમાં દુખાવો ઉભો કરે છે. હાડકાને નબળા કરીને શરીરમાથી કેલ્શિયમ ઓછુ કરી નાખે છે.

‘આજીનોમોટો’ બાળકો માટે ખૂબ જ હાનિકારક છે. તેના લીધે કેટલાય બાળકો માથાના દુખાવાના શિકાર બની રહ્યા છે. ખોરાક માં ‘આજીનોમોટો’ નો ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પાડે છે, કેટલાક અભ્યાસો પરથી પૂરવાર થયુ છે કે આવો ખોરાક ખાવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે તે સિવાય બાળકને ભોજન પ્રત્યે અતિસંવેદનશીલ બનાવી શકે છે. ડોક્ટરોના કહેવા મુજબ ‘આજીનોમોટો’ નું વધુ પડતું સેવન નાની ઉંમરે હ્રદયરોગ લાવે છે.

સફેદ રંગનો ચમકતો પદાર્થ ‘મૉનોસૉડિયમ ગ્લુટામેટ’ ઍટલે કે ‘આજીનોમોટો’ ઍક સોડીયમ્ ક્ષાર છે. ચાઇનિઝ-પંજાબી વાનગીઑમાં આ પદાર્થ ઍક મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ સ્વાદ વધારવા વાળો પદાર્થ વાસ્તવમાં આપણી સ્વાદગ્રંથીની ક્રીયા ધીમી કરી નાખે છે. જેથી તમને ખોરાકના ખરાબ સ્વાદની ખબર જ ન પડે. મુળભુત રીતે ખોરાકની નબળી ગુણવત્તા છુપાવવા માટે ‘આજીનોમોટો’ વાપરવામા આવે છે. આવો હલકી ગુણવત્તા ધરાવતો, કેમિકલ વાળો અને માત્ર કહેવાતો ટેસ્ટી ખોરાક ખાઈને આપણા આરોગ્યને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છીએ.

નવાઈની વાત તો એ છે કે, રેસ્ટોરન્ટનો વ્યવસાય કરનાર વ્યક્તિઑ પૈકી મોટાભાગના ધંધાર્થીઓ ‘આજીનોમોટો’ ની હાનિકારક અસરોથી વાકેફ જ નથી. તેમના રસોઈયાઓ દ્વારા દર મહિને આપવામાં આવતા લિસ્ટ મુજબનો માલ તેઓ તેમને પહોંચાડી આપતા હોય છે. જેમાં ‘આજીનોમોટો’ સહિત ‘ફૂડ કલર’, ‘વિનેગર’, ‘સિન્થેટીક ટ્રાન્સસફેટ્સ’, ‘કોર્ન સિરપ’, ‘પ્રિઝર્વેટિવ્સ’, ‘લીંબુના ફૂલ’ વગેરે હાનિકારક પદાર્થોનો સમાવેશ થતો હોય છે. પોતાના વિસ્તારમાં નામચીન હોય એવા અને ફાઇવસ્ટાર કક્ષાના રેસ્ટોરન્ટ પણ આ પ્રકારના કેમિકલયુકત પદાર્થોના ઉપયોગથી બાકાત નથી. આવા રેસ્ટોરન્ટમાં વારંવાર ખાવા જવાની ટેવ પડી જવાને કારણે પછી આપણને ઘરનું હેલ્ધી ફૂડ પણ ફિક્કું લાગવા લાગે છે.

જાણીને નવાઈ લાગશે કે હમણાં નજીકના ભૂતકાળમા એક જાગૃત નાગરિક દ્વારા ‘આજીનોમોટો’ ના ઉપયોગ સબંધી તપાસ કરાતા અમદાવાદનાં જે-તે સમયના ફૂડ ઈન્સ્પેકટરોએ માહિતી આપી શકાય એમ નથી એવું પણ જણાવ્યુ હતું. ત્યારબાદ તેમણે ફૂડ વિભાગમાં આર.ટી.આઈ. મારફતે માહિતી માંગેલ. જેના પ્રત્યુત્તર સ્વરૂપે એવું જાણવા મળ્યું કે ખુદ ફૂડ વિભાગ પાસે પણ પુખ્તા માહિતીનો અભાવ છે. કેન્દ્ર સરકારે ધી પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ 1954 ના અધિનિયમ 1955 ના નિયમની કલમ 64બી હેઠળ કેટલીક ખાધચીજોમાં ‘આજીનોમોટો’ વાપરવા પર મનાઈ ફરમાવેલ હોવા છ્ત્તા તંત્રની બેદરકારી અને લાપરવાહીને કારણે સબકુછ ચાલતા હૈ.

થોડા સમય પહેલા જ મને ખુદને એક ક્લાસ 1 કક્ષાના ફૂડ અધિકારી મળ્યા ત્યારે મે એમને પૂછેલું કે, “સાહેબ, ‘આજીનોમોટો’ અતિશય નુકસાનકારક અને પ્રતિબંધિત હોવા છ્ત્તા લગભગ બધા જ રેસ્ટોરન્ટમાં તેનો બેફામ ઉપયોગ થાય છે તો પછી તમે લોકો કેમ કોઈ કાર્યવાહી કરતાં નથી?” તો એમણે મને જણાવ્યુ કે, “આજીનોમોટો ઉમેરીને બનાવેલા ફૂડને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે તો પણ ‘આજીનોમોટો’ વાપર્યો હોવાના પુરાવાઓ મળતા નથી.”

થોડા વર્ષો પહેલા જ તામિલનાડુંના કાંજીપુરમ ખાતે ‘આજીનોમોટો’ નું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. મને એ નથી સમજાતું કે ‘આજીનોમોટો’ નાગરિકોના સ્વસ્થ્ય માટે આટલો બધો ખતરનાક પદાર્થ હોવા છ્ત્તા અને કેટલાય દેશોમાં તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ હોવા છ્ત્તા આપણા દેશમાં આ પ્લાન્ટને મંજૂરી શા માટે આપવામાં આવી હશે? તમારી જાણ ખાતર જણાવું કે પાકિસ્તાન જેવા ગરીબ અને અણસમજુ દેશમાં પણ ‘આજીનોમોટો’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

હવે લાગે છે કે નાગરિકોએ જ જાગૃત થવું પડશે. ગ્રાહકોને રસોડામાં પ્રતિબંધ ફરમાવતી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ટાળવું જોઈએ. આરોગ્યતંત્રના દરોડા બાબતે છાશવારે સમાચારોમાં પણ સાંભળવા અને વાંચવા મળે છે. વાસી અને અખાદ્ય ખોરાકનો પુષ્કળ જથ્થો પકડાય છે. જેનો નાશ કર્યાના સમાચારો છ્પાઈ છે પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં આવા રેસ્ટોરન્ટને કાયમ માટે સીલ માર્યાના સમાચારો લગભગ ધ્યાને આવતા નથી. થાય છે એવું કે વારે-તહેવારે કામગીરી બતાવવાના ભાગરૂપે તપાસણી કરવામાં આવે છે અને થોડોઘણો દંડ ભરપાઈ કરાવીને અને સરકારી પધ્ધતિ મુજબ લેવડ-દેવડની પ્રક્રિયાઓ બાદ સંકેલો કરી લેવામાં આવતો હોય છે.

મોટા નેતાઓની રેસ્ટોરન્ટમાં તંત્રના બાહોશ અધિકારીઓ પ્રવેશવાની હીંમત કરતાં નથી. નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો ફૂડવિભાગ તો શોભાના ગાંઠિયા જેવો બની રહ્યો છે. મામલતદાર તરીકે મે વર્ષ 2014માં મહેસાણામાં એક મોટા અને ફેમસ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરેલ. તપાસણીમાં મે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને તોલમાપ ખાતાને પણ સાથે લીધેલ. લગભગ ત્રણ કલાકની સઘન તપાસણી બાદ લાઇસન્સ વગરના આ રેસ્ટોરન્ટને મે સીલ મારી દીધેલ. પછીથી મને ખબર પડી કે આ રેસ્ટોરન્ટ એક ખૂબ મોટા નેતાજીનું છે. હાલ પણ તેઓ સરકારમાં મંત્રી પદ ધરાવે છે આથી નામ લખવું ઉચિત જણાતું નથી.

બીજા જ દિવસથી મારા પર સીલ ખોલીને રેસ્ટોરંટને ફરીથી શરૂ કરાવી આપવા માટે પ્રેશર શરૂ થયું. નાણાકીય વહીવટ કરી લેવાની પણ ઓફર આપવામાં આવી. એમાં પણ હું અડગ રહ્યો એટ્લે દિવસે ને દિવસે પ્રેશર વધતું જ ગયું. થોડા દિવસો બાદ તો મને એવું લાગવા માંડ્યુ કે ગેરરીતિ આચારનારા આ રેસ્ટોરન્ટ પર પ્રજાહિતમાં કાર્યવાહી કરીને મે જ મોટી ભૂલ કરી છે કે શું? મે કરેલા કાગળો એટલા મજબૂત હતા કે નેતાજી પણ કશું કરી શકે એમ હતા નહીં. અંતે એક મહિના સુધી એમણે ખૂબ મહેનત કરવા છ્ત્તા રેસ્ટોરન્ટનું સીલ ખોલાવી શક્યા નહીં એટ્લે એમણે મને ખોટા નિવેદનો આધારે બદનામ કરાવીને સરકારમાં મારી ખોટી રજૂઆતો કરાવીને સરકારી તંત્રના ગુલામ બની બેઠેલા સચિવોના હાથે મારી બદલી કરાવી નાંખી.

મારી જગ્યાએ નાયબ મામલતદારને ચાર્જ સોંપાવીને એ રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરાવી આપવામાં આવ્યું. વર્ષ 2017 માં પણ તત્કાલિન કલેકટરે આ રેસ્ટોરન્ટને ફરીથી સિલ મરાવ્યું. પરંતુ તેમની બદલી થયા બાદ નેતાજીના હિતેચ્છું એવા નવા કલેકટરે ફરીથી આ રેસ્ટોરન્ટને શરૂ કરાવી આપ્યું. વાસી અને અખાદ્ય ખોરાકનો મસમોટો જથ્થો પકડાયો હોવા છ્ત્તા આજેપણ બહારનું ફૂડ ખાવાના શોખીનો ત્યાં વેઇટિંગમાં ઊભા રહીને પણ ફૂડના વખાણ કરતાં આનંદ અનુભવે છે અને હોંશે હોંશે ‘આજીનોમોટો’ નાંખેલું હાનિકારક ફૂડ આરોગે છે.

એ સમયે પેલા મોટા અને તોછડા નેતાજીએ મને કહેલું એક વાક્ય મને કાયમ યાદ રહી ગયું છે. એમણે એવું કહેલું કે, “આ તારા બાપનું રેસ્ટોરન્ટ છે? તારો બાપ રેસ્ટોરન્ટ ચલાવે અને કોઈ બંધ કરાવે તો શું હાલત થાય?..” એ સમયે તો હું સરકારી ગુલામ હતો એટ્લે કડવો ઘૂંટડો પી ગયો. પરંતુ એ ઘટના પછી સરકારી નોકરીમાં મને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નહીં. અંતે 2019માં મને ફરજમુક્ત કર્યો. હાલ એ નેતાજીની વાતનું માન રાખીને મારા ઘરનું ગુજરાન ચલાવવા મે મારા બાપના જ નામે એક ફૂડ કંપનીની સ્થાપના કરીને તેના નેજા હેઠળ એક નાનકડું ફૂડ પાર્સલ પોઈન્ટ ‘પાંડેજી’ નામથી શરૂ કર્યું છે.

અમે ‘આજીનોમોટો’ સહિત અન્ય હાનિકારક કેમિકલ્સના ઉપયોગ વગર પંજાબી, ચાઇનિઝ અને ગુજરાતી ફૂડ પીરસીએ છીએ. અમે અમારા રસોડા પર વટથી બોર્ડ લગાવીએ છીએ જેમાં લખ્યું છે કે, “કોઈપણ ગ્રાહક અમારા રસોડામાં વગર પરવાનગીએ પ્રવેશી શકે છે અને ખાધ પદાર્થો ચકાસી શકે છે.” આ ઓપન કિચનના વિચારનો ફેલાવો હાલ કરી રહ્યા છીએ. હાલ અલગ અલગ છ શહેરોમાં ‘પાંડેજી પાર્સલ પોઈન્ટ’ ની ફ્રેંચાઈઝીઑ કાર્યરત થઈ છે. સરકારે પરિપત્ર કર્યો એ પહેલાથી જ અમે કાંચનો દરવાજો રાખેલ છે અને ગ્રાહકો જોઈ શકે એવી રીતે જ રસોઈ બનાવવામાં આવે છે.

આશા રાખીએ કે લોકો પણ જાગૃત થાય અને પોતાના આરોગ્યને નુકસાન કરતાં કેમિકલ્સનો ઉપયોગ કરતાં રેસ્ટોરન્ટમાં જવાનું બંધ કરે. પોતાના હકથી વાકેફ થાય. જ્યાં પણ જમવા જાય ત્યાં રસોડુ જોવાનો અને કાચી સામગ્રીઓ ચકાસવાનો તેમજ રેસ્ટોરન્ટના ફ્રીઝ ચેક કરવાનો આગ્રહ રાખે. ગુજરાતનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પણ ઊંઘમાથી જાગે અને રેસ્ટોરન્ટના રસોડાના દરવાજા કાંચના રાખવા કે પરવાનગી વગર અંદર પ્રવેશવું નહીં એવા બોર્ડ દૂર કરવાની માત્ર કાગળ પર સૂચનાઓ આપવાને બદલે નક્કર કાર્યવાહીઓ કરી બતાવે એવી આશા રાખું છું.

યાદ રાખશો કે આપણે જીવવા માટે ખાઈએ છીએ, નહીં કે ખાવા માટે જીવીએ છીએ.

ડો. ચિંતન વૈષ્ણવ

[:]