[:gj]2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’ ને ‘સાથ’ આપશે ? [:]

Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]Will Patidars living with BJP in 2019, support Hardik Patel’s ‘hand’ ?

એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, એટલે સ્વભાવિક રીતે દેખાય છે કે આવનાર ચૂંટણી ને લઇ ને આ સમીકરણ સર્જાયું છે પણ હાલ માં કૉંગ્રેસ પક્ષમાં હાર્દિકને અપાયેલું આ પદ ઘણું સૂચક બની રહે છે.ઘણા આને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક માને છે, ઘણા પાટીદારો ને કોંગ્રેસ તરફ પાછા વાળવા માટે ની વાત માને છે પણ લાખ રૂપિયા નો પ્રશ્ન અહીં એ ઉભો થાય છે કે શું હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાથી ગુજરાતમાં કૉંગ્રેસને ફાયદો થશે?  હાર્દિક પટેલ પાટીદારો અને યુવાઓને પોતાના તરફ વાળી શકશે ખરા? આ માટે કોંગ્રેસ અને પાટીદારો સાથે સંકળાયેલા ઇતિહાસને વિસ્તાર પૂર્વક સમજવો પડશે.

ગુજરાતના રાજકારણ માં પાટીદારો નો પ્રભાવ એમની વસ્તી સંખ્યાના કારણે ખુબ વધારે છે, એક ગણતરી મુજબ ગુજરાતમાં  કુલ વસતિના 14 ટકા વસતિ પાટીદારોની છે. તેમાંથી મોટાભાગના પાટીદારો 1981પછી થી ભાજપ તરફ ઢળ્યા.કેમકે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી બનાવી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજની વોટબેન્ક કોંગ્રેસ માટે ઊભી કરી, સરવાળે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યાધરાવતી મતબેન્ક પાટીદાર સમાજ પોતાને ઉપેક્ષિત સમજવા લાગ્યો, એટલે ધીમે ધીમે કોંગ્રેસના વિકલ્પ રૂપ ઉભી થઇ રહેલી પાર્ટી ભાજપ તરફ ઢળી ગયો,કહેવાય છે કે ગુજરાતમાં ભાજપના વિકાસ પાછળ કોઈ એક સમાજનો ફાળો હોયતો એ પાટીદાર છે,ગુજરાતમાં 30 વર્ષો થી કદાચ સત્તાગુમાવી ચુકેલી કોંગ્રેસને મોડે મોડે ખ્યાલ આવ્યો કે પાટીદારો વિનાગુજરાત માં સત્તા શક્ય નથી એટલે ભાજપ વિરુદ્ધ અનામત આંદોલનની લહેર ઉભી કરવામાં સફળ રહેલા હાર્દિક ને 2019માં કોંગ્રેસી બનાવી દીધો.

હાર્દિક હવે તો કોંગ્રેસી છે પણ મહત્વ નો પ્રશ્ન હજી ઉભો છે કે આખરે પાટીદારો કોંગ્રેસથી નારાજ કેમ થયા,તો આ પ્રશ્ન નો જવાબ કાંઈક એવો છે કે માધવસિંહની સરકારમાં પાટીદારોએ ખુબ જ સહન કરવાનો વારો આવ્યો હતો. અનેક પાટીદારો મોતને ભેટ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા.આખી સ્થિતિ ને સમજવા માટે 1981નો કાળ સમજવો પડશે, 1981માં રાજ્યના મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. આ વર્ષે રાજ્યમાં બક્ષી કમિશન લાવવામાં આવ્યું અને ઈકોનોમિક અને સામાજીક પછાત જાતિઓને બક્ષિ કમિશનમાં સમાવવાનો માધવસિંહેએ નિર્ણય કર્યો. આ નિર્ણયનો રાજ્યની બિન અનામત જાતીઓએ વિરોધ કર્યો જેમાં પાટીદારો પણ હતા. ધીરે ધીરે શરૂ થયેલા વિરોધે આખરે પ્રચંડ આગ પકડી અને સમગ્ર રાજ્યમાં જોરદાર વિરોધ થવાનું શરૂ થયું.

બિન અનામત જ્ઞાતિઓનું માનવુ હતું કે માધવસિંહનો નિર્ણય અયોગ્ય છે. આ જ કારણે રાજ્યમાં આંદોલન થયું અને પાટીદારો-ઠાકોરો વચ્ચે ભીષણ સંઘર્ષો પણ થયા. કેટલાય ગામડાઓમાં જ્ઞાતિવાદને કારણે હુલ્લડો થયા. જેમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ. બીજી તરફ પાટીદારોનું અનામત વિરોધી આંદોલન ઉગ્ર થતું જતુ હતું જેના કારણે માધવસિંહ માટે માથાનો દુખાવો બન્યો હતો. જેને ડામવા સરકારે પોલીસને ઓર્ડર કર્યો. પોલીસ ગોળીબાર કર્યો જેમાં 100 જેટલા લોકોના મોત થયા હતા.

1981માં બનેલી પોલીસ ગોળીબારની ઘટના ક્યાંક 2015માં પાટીદારો પર થયેલા દમન જેવી જ ઘટનાની યાદ અપાવે છે,ચર્ચા છે કે 1981 વખતે રમખામણો ને ડામવા પોલીસ ગોળીબારમાં 100 જેટલા લોકોના મોત થયા તેમાં સૌથી વધારે પાટીદારો હતો. રાજ્યમાં ઠેર ઠેર જ્ઞાતિવાદ વકર્યો હતો. ગામડામાં તો વર્ગવિર્ગહ થયો હતો. એવુ પણ કહેવાય છે કે માધવસિંહની સરકાર પાટીદાર પર સખ્ત હતી અને અન્ય જ્ઞાતિઓ પર સોફ્ટ રહી હતી. ગામડાઓમાં તો પાટીદાર સમાજના લોકોના ખેતરોમાંથી ઊભો પાક લણી લેવાની ઘટનાઓ બનતી જોવા મળી હતી. અનેક પાટીદારોના ઘરોમાં લૂંટફાટ અને મારામારીના બનાવો જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં પાટીદારની સામે ક્ષત્રિયની થિયરી જોવા મળી હતી.

હવે વાત કરીએ 1985ની સાલની આ વખતે પણ કોંગ્રેસ તરફથી ઉમેદવાર માધવસિંહ સોલંકી હતા. માધવસિંહને ખબર હતી કે પાટીદારો તેમનાથી ખુબજ નારાજ છે અને પાટીદારોનો એકપણ મત મળવાનો નથી. જેના કારણે તેઓ રાજ્યમાં પાટીદારો સિવાયની જ્ઞાતિઓને એક કરવા KHAM થિયરી અપનાવી. જેમાં K એટલે ક્ષત્રિય, H એટલે હરિજન, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ. આ KHAM થિયરીને લઈ માધવસિંહ ચૂંટણીમાં ઉતર્યા અને રેકોર્ડ બ્રેક 149 બેઠકો કબજે કરી હતી. આજ સમય એવો હતો  કે માધવસિંહ રાજકીય રીતે સફળ તો થયા પણ જેનું નુકસાન કોંગ્રેસ અત્યાર સુધી ભોગવી રહી છે. પાટીદારો કોંગ્રેસથી એટલા નારાજ થઈ ગયા કે તેમણે ક્યારેય કોંગ્રેસ સામે જોયું નહીં.

1981 અને 1985ની એ વર્ષોને યાદ કરીને પાટીદારો હજુ પણ કોંગ્રેસને સાથ આપતા સંકોચ અનુભવે છે. જોકે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરનાર હાર્દિક પટેલને કારણે પાટીદાર સમાજ થોડો ઘણો કોંગ્રેસ સાથે જોડાયો હતો. તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભોગવવી પડી હતી. હાર્દિકને કારણે ભાજપે ઘણુ બધુ ગુમાવવાનો વારો આવ્યો હતો. લાગી રહ્યું હતું કે પાટીદાર સમાજ 1981ને ભૂલી ગયો છે અને હવે એક નવી જ શરૂઆત કરવા જઈ રહ્યો છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને હાર્દિક અને તેના જૂથને જે પ્રકારે આશા હતી તેવા પરિણામો ન આવ્યા. સૌરાષ્ટ્રમાં થોડે અંશે ભાજપને નુકસાન થયું પરંતુ મોટા ભાગનો પાટીદાર સમાજ ભાજપની સાથે રહ્યો. રાજ્યના 4 મહત્વના શહેરોમાં તો કોંગ્રેસ જાણે સાવ સાફ થઈ ગઈ. ગામડામાં થોડે અંશે અસર રહી. પરંતુ વર્ષોથી ભાજપની સાથે રહેલા પાટીદાર સમાજ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પણ સાથે જ રહ્યો હતો.વળી 2019માં કોંગ્રેસ શું હાર્દિકની અસર પણ ક્યાંય ન દેખાઈ, ગુજરાતની 26 બેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસ ને ન મળી અરે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પણ લોકસભામાં ન જીત્યા.

એવું નથી કે આ 26 બેઠકો પર પાટીદાર મતોનો પ્રભાવ નથી આ 26 બેઠકો પર પાટીદાર મતો પ્રભાવી છે પણ કોંગ્રેસના ઉમેદવાર તરફ પાટીદારો મતદારો એ 2019માં કોઈ  રસ ન દાખવ્યો , જો ગુજરાતની 26 લોકસભાબેઠકો નું મૂલ્યાંકન કરી ને જોઈએ તો સરેરાશ 12 બેઠક પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે,જેમાં અમદાવાદ પૂર્વ 14.5 ટકા, અમરેલી 16.41,ટકા,ગાંધીનગર 17.40 ટકા ,આણંદ 15.26 ટકા ,ખેડા 11.33 ટકા ,ભરૂચ 17.75, મહેસાણા 29.93 ટકા,નવસારી 23.3 ટકા,સુરેન્દ્રનગર 20.22 ટકા,સુરત 24.70 ટકા,વલસાડ 28.5 ટકા,વડોદરા11.1ટકા પાટીદાર મતદારો છે,

2019માં કોંગ્રેસે રાજકોટ,પોરબંદર,વડોદરા,અમદાવાદ પૂર્વ,અમરેલી,મહેસાણા,સુરત,ભાવનગર જેવી આઠ બેઠકો પર પાટીદાર ઉમેદવારો ને ટિકિટ આપી હતી ,જયારે ભાજપે પોરબંદર,આણંદ,મહેસાણા,રાજકોટ,અમરેલી,અમદાવાદ પૂર્વ, ટિકિટોઆપી હતી, ભાજપના બધા જ ઉમેદવારો જીતી ગયા અને કોંગ્રેસના બધા જ પાટીદાર ઉમેદવારો હારી ગયા,આ પરિણામોએ સ્પષ્ટ કરી આપ્યું કે પાટીદારો હવે ન તો કોંગ્રેસ સાથે છે કે ન તો હાર્દિક સાથે છે, એટલે હવે ફરી થી હાર્દિક ને કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ બનાવી ને કોંગ્રેસ સાથે કેટલા પાટીદાર મતો જોડાય છે, કેટલી બેઠકો પેટા ચૂંટણી માં જીતાય છે એની સામે અનેક પ્રશ્નો છે, હા હાર્દિક યુવા છે એટલે જોશ છે પણ એની સામે કોંગ્રેસ ક્લચર અને કોંગ્રેસના પીઢનેતાઓ નું રાજકારણ પણ અનેક પ્રશ્નો લઇ ને ઉભું છે એટલે જોવાનું એ છે કે કોંગ્રેસ નું આ પગલું કેટલું સફળ થાય છે…!

લેખક : દિલીપસિંહ ક્ષત્રિય 

સિનિયર પત્રકાર છે અને ગુજરાતમિત્રઅખબારના સંપાદક રહી ચુક્યા છે.[:]