[:gj]ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ[:]

[:gj]હેમંતકુમાર શાહ
પ્રસ્તાવનાઃ

નવી આર્થિક નીતિની શરૂઆત ૧૯૯૧માં થઇ ત્યારથી જ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વાયરો ફૂંકાવાની શરૂઆત થઇ. મોટે ભાગે તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાય તેને જ મહત્ત્વની બાબત ગણી અને તે માટેના માર્ગો સરળ કરવામાં જ મોટે ભાગે ઇતિશ્રી સમજવામાં આવી. પરિણામે શિક્ષણ પાછળનું જાહેર ખર્ચ એટલે કે સરકારી ખર્ચ જેટલું વધવું જોઈએ તેટલું વધ્યું નહિ અને શિક્ષણ મોંઘું થતું જ ગયું. સરકારોએ આ પ્રકારનું જે વલણ અપનાવ્યું તેને લીધે શિક્ષણનો વેપાર શરૂ થયો અને તે સંપૂર્ણપણે બજારની વસ્તુ બની ગઈ. બજાર એટલે માંગ અને પુરવઠો અને તેમણે આધારે નક્કી થતા ભાવ. તેથી શિક્ષણની ગુણવત્તા સુધારી એવું તો નથી જ પણ બીજી તરફ સરકારની અવગણનાને લીધે સરકારી શિક્ષણ સંસ્થાઓનું અને સરકાર જેમને અનુદાન આપે છે તે શિક્ષણ સંસ્થાઓનું શિક્ષણનું સ્તર નીચું ગયું.

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એમ માને છે કે તેમની જવાબદારી તો માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરતી જ માર્યાદિત છે કારણ કે દેશનું બંધારણ તેને માટે તે જવાબદારી તેમના ઉપર ઢોળે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને પછી કલમ-૨૧એ હેઠળ શિક્ષણનો મૂળભૂત અધિકાર, એ બે દ્વારા જે જવાબદારી સરકારો ઉપર બંધારણે નાખી છે તે પણ તેઓ સારી રીતે અદા કરતી નથી એ એક હકીકત છે. તેવા સમયે તેઓ બંધારણનો ઢાલ તરીકે ઉપયોગ કરીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની જવાબદારીમાંથી છટકી જવા માંગે છે અને એ બધાં ક્ષેત્રો તેઓ બજાર પર અને વાલીઓ તથા વિદ્યાર્થીઓને બજારની દયા પર છોડી દેવા માંગે છે.

કાર્યક્ષમતાનો ખ્યાલઃ

૧૯૯૧ પછી ખાનગીકરણનો જે વાયરો આવ્યો છે તેમાં જાહેર-ખાનગી ભાગીદારી (Public Private Partnership – PPP)ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અહીં સરકાર બરાબર કામ કરતી નથી, તેનામાં કાર્યક્ષમતા નથી, અને તેણે જે કામો ના કરવાં જોઈએ તે કામો તે કરે છે વગેરે જેવી દલીલો કરવામાં આવે છે અને ખાનગી કંપનીઓને હવાલે બધું કરી દેવું એવો ખ્યાલ તેમાંથી જન્મે છે. વાત સાચી છે કે સરકાર ઘણાં કામો કાર્યક્ષમતાથી કરતી નથી અને ખૂબ ઊંચા ખર્ચે કરે છે. પણ પ્રશ્ન એ છે કે એમાં લોકોની ભાગીદારી ઊભી કરવામાં આવે તો સરકારી કામો વધારે સારી રીતે ચાલી જ શકે. દા.ત. ગુજરાતમાં આશરે ૩૫,૦૦૦ પ્રાથમિક શાળાઓ છે અને તેમાં આશરે ૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. આટલા મોટા પાયા પર પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ કોઈ ખાનગી કંપની કરી શકે ખરી? અને જો કરે તો તેનો ઉદ્દેશ નફા સિવાય કશો હોઈ શકે ખરી? સરકાર બધું જ ખરાબ કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર જ છે એવી દલીલ સ્વીકારીએ તો પણ તેને સારી કરવા માટે જે પગલાં લેવાવાં જોઈએ તે લેવાને બદલે જે તે ક્ષેત્રને ખાનગી જ બનાવી દેવાની રીત અપનાવવામાં આવે છે. સાક્ષરતાનો દર જે આઝાદી સમયે માત્ર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ ટકા આવ્યો તે સરકાર જ લાવી એ આપણે ભૂલવું ના જોઈએ.

વળી, ખાનગીકરણનો અર્થ કંપનીકરણ જ કરવામાં આવે છે. ખાનગીકરણ તો ત્યારે પણ થયું કહેવાય કે જ્યારે શિક્ષણ સંસ્થાઓમાં લોકોની ભાગીદારી ઊભી કરવામાં આવે. શિક્ષણના અધિકારના કાયદામાં શાળા સંચાલન સમિતિ દ્વારા એવી જ ભાગીદારી ઊભી કરવાનું તાકવામાં આવ્યું છે. આ મોડેલ તમામ સ્તરે ના અપનાવી શકાય? જો એમ થાય તો સ્વાભાવિક રીતે જ પરિસ્થિતિ સુધારવાના સંજોગો ઊભા થાય. ઉચ્ચ શિક્ષણમાં ભારત સરકાર અત્યારે જે કરી રહી છે તે કેટલું ગંભીર છે તે સમજવાની જરૂર છે. માત્ર સાક્ષરતાથી જ માનવી વિકાસ કરે છે એવું નથી. તે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે જ તે સામાજિક, આર્થિક અને રાજકીય ઊર્ધ્વ ગતિશીલતા પ્રાપ્ત કરે છે. હવે જ્યારે ઉચ્ચ શિક્ષણ મોંઘું થઇ ગયું છે અને વધુ ને વધુ મોંઘું કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજનો માલેતુજાર વર્ગ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. લોન લઈને ભણી તો શકાય પણ વિદ્યાર્થી તેના યુવા જીવનનાં મહત્ત્વનાં વર્ષો લોન ભરપાઈ કરવાની ચિંતામાં જ વ્યતીત કરે એમ બને છે.

હેફાઃ

ઉચ્ચ શિક્ષણના બજારુકરણનું એક નવું પાસું હમણાં ઉજાગર થયું છે. ભારત સરકારે હેફા નામે એક કંપની શરૂ કરી છે. ઉચ્ચ શિક્ષણ નાણાં સંસ્થા (Higher Education Financing Agency – HEFA) – હેફા એ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય અને કેનરા બેંક વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં મૂડી અસ્કામતો ઊભી કરવાનો તેનો હેતુ છે. ૨૦૧૬-૧૭ના બજેટમાં ભારતના નાણાં પ્રધાને આ સંસ્થાની સ્થાપનાની જાહેરાત કરી હતી અને તેને માટે રૂ. ૧,૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. તેમના બજેટ પ્રવચનમાં નાણાં પ્રધાને એમ કહ્યું હતું કે આ સંસ્થા એક બિન-નફાજનક સંસ્થા તરીકે કામ કરશે અને તે બજારમાંથી નાણાં ભેગાં કરશે, દાન પ્રાપ્ત કરશે અને સી.એસ.આર.માંથી નાણાં મેળવશે અને દેશની ઉચ્ચ ગણાતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને નાણાં આપશે. આ સંસ્થા રૂ. ૨૦,૦૦૦ કરોડ ઊભા કરશે અને તે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વગર વ્યાજે લોન આપશે એમ અત્યારે કહેવામાં આવે છે. તા-૧૨-૦૯-૨૦૧૬ના રોજ કેન્દ્રીય પ્રધાનમંડળે સંસ્થાની સ્થાપનાને મંજૂરી આપી હતી.

હેફા ખરેખર તો એક કંપની જ છે. તે કંપની ધારાની કલમ-૮ હેઠળ નોંધાયેલી કંપની છે. તા.૩૧-૦૫-૨૦૧૭ના રોજ તેની કંપની તરીકે નોંધણી કરવામાં આવી છે. કેનરા બેંક તેની ભાગીદાર કંપની છે. ભારત સરકારે તેમાં રૂ. ૨૫૦ કરોડની ઈક્વીટી મૂડી આપી છે અને કેનરા બેંકે રૂ. ૫૦ કરોડની ઈક્વીટી મૂડી આપી છે. રિઝર્વ બેંકે તેને તા. ૨૧-૧૧-૨૦૧૭ના રોજ એક બિન-બેન્કિંગ નાણાં કંપની તરીકે મંજૂરી આપી છે અથવા લાયસન્સ આપ્યું છે. તેના અધ્યક્ષ તરીકે ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ સચિવ હોય છે અને ઉપાધ્યક્ષ તરીકે કેનેરા બેંકની વ્યક્તિ હોય છે. તા. ૧૯-૧૧-૨૦૧૭ના રોજ બહર પડાયેલી વિગતો અનુસાર હેફાએ છ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રૂ. ૨૦૬૬.૭૩ કરોડના ૨૭ પ્રોજેક્ટ્‌સને મંજૂરી આપી છે.

નાણાં પ્રધાને તેમના ૨૦૧૮ના બજેટ પ્રવચનમાં એક નવી યોજનાની જાહેરાત કરી છે. એનું નામ છેઃ Revitalising Infrastructure and Systems in Education (RISE – રાઈઝ). આ રાઈઝ યોજના માટે માટેનાં નાણાં Higher Education Financing Agency (HEFA -હેફા)માંથી આવશે. દેશમાં જેટલી પણ બિન-બેન્કિંગ નાણાં કંપનીઓ (Non-Banking Finance Companies-NBFCs) છે તે બધીનો ઉદ્દેશ નફો કરવાનો જ હોય છે. એટલે આ સંસ્થાના નામમાં એજન્સી શબ્દ વાપરવામાં આવ્યો છે પણ હકીકતમાં તે કોઈ સંસ્થા નથી પણ નફાનો હેતુ ધરાવનારી એક કંપની છે.

આ કંપનીની સ્થાપનાની જાહેરાત નાણાં પ્રધાને ૨૦૧૭માં આપેલા બજેટ પ્રવચનમાં કરી હતી. તેનો હેતુ ઉચ્ચ શિક્ષણની ખાસ સરકારી સંસ્થાઓને ઓછા વ્યાજે ધિરાણ આપવાનો છે. આવી સંસ્થાઓ માટે અંગ્રેજીમાં “પ્રિમિયર” શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે કે તે આઈ.આઈ.ટી. જેવી સંસ્થાઓને તેમની ખાસ કરીને માળખાગત સવલતો ઊભી કરવા માટે ગ્રાન્ટ નહિ આપે પણ લોન આપશે. લોન વગર વ્યાજે આપવામાં આવશે એ વાત સાચી પણ શિક્ષણ સંસ્થાઓએ તો તેમણે જે નાણાં ખર્ચ્યાં હોય તે પરત આપવા માટે તે નાણાં વિદ્યાર્થીઓ પાસેથી જ લેવાં પડે. એટલે કે તેમણે વિવિધ અભ્યાસક્રમો માટેની ફીમાં વધારો કરવો જ પડે.

એનો અર્થ એ છે કે હેફા હવે રાઈઝ માટે નાણાં ધીરવાનો ધંધો શરૂ કરશે. હેફા રૂ. ૨૦,૦૦૦ કરોડ ભેગા કરશે અને ધંધો કરશે એવી અગાઉ જાહેરાત કરી હતી પણ, હવે નાણાં પ્રધાને તેમના પ્રવચનમાં તે એક લાખ કરોડ રૂ. ભેગા કરશે એમ જણાવ્યું છે. આમ, ઉચ્ચ શિક્ષણમાંથી સરકાર જાણે કે હાથ ખંખેરી નાખવા માંગે છે એમ આડકતરી રીતે કહી દેવાયું છે. ગયે વર્ષે હેફા માટે બજેટમાં રૂ. ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા અને હવે ૨૦૧૮-૧૯ માટે રૂ. ૨,૭૫૦ કરોડ ફાળવાયા છે. રકમ વધારવામાં આવી છે તેનો અર્થ એ પણ કરી શકાય એમ છે કે ઉચ્ચ શિક્ષણની બધી સંસ્થાઓને તે લાગુ પડશે, માત્ર “પ્રિમિયર” સંસ્થાઓને જ નહિ. આમ, ભારત સરકારે રેલવેની જેમ શિક્ષણમાં ધંધો શરૂ કર્યો છે એમ કહેવાય.

બેંકોનો ધંધો અને વિદ્યાર્થીનો મરોઃ

વિદ્યાર્થીઓ અને વાલીઓ પર હેફા નામની આ સંસ્થા આડકતરી રીતે અસહ્ય નાણાકીય બોજો ઊભો કરશે એમાં કોઈ શંકા નથી. તાજેતરનો એક અહેવાલ એમ કહે છે કે ગુજરાતમાં શિક્ષણ માટે જે લોન બેંકોએ વિદ્યાર્થીઓને આપી છે તેમાંથી ૧૭ ટકા લોન પરત આવી નથી. તે એમ દર્શાવે છે કે અભ્યાસ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ કામ મેળવી શકતાં નથી અને બેકાર છે, અથવા તો તેમણે જે કામ મળે છે તે એવું નથી કે જેમાંથી એટલી આવક થાય કે જેમાંથી લોન ભરી શકાય. જો બેંકો વિદ્યાર્થીઓ પર વધારે દબાણ લોન પરત આપવા માટે કરશે તો તેઓ ખેડૂતોની જેમ આપઘાત કરવા માટે પ્રેરાય એમ પણ બને. હજુ આવા દાખલા ઊભાં થયાનું દેખાતું નથી પણ તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.

બેંકો તો ધંધો કરે છે અને તેમનો ઉદ્દેશ પણ નફો કમાવાનો જ છે. આજકાલ ખાસ કરીને ઈજનેરી અને દાક્તરી શાખામાં જ્યાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલતી હોય ત્યાં બેંકો લોન માટે હાટડી ખોલીને બેઠી હોય છે. હેફા વ્યાજ વગરની લોન ઉચ્ચ શિક્ષણની સંસ્થાને આપે, એ લોન ભરપાઈ કરવા કોલેજો કે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી લે, એ ફી ભરવા માટે વિદ્યાર્થીઓ બેંકો પાસેથી લોન લે અને આમ બેન્કોનો ધંધો ચાલે. અને આને હવે વિકાસ કહેવામાં આવે છે. આવો વિકાસ વિદ્યાર્થીઓને સતત તનાવમાં જીવન જીવવા માટે મજબૂર બનાવે છે અને તેને આપઘાત કરવા માટે પણ પ્રેરી શકે છે. એમ લાગે છે કે વિદ્યાર્થીઓ લોન ભરપાઈ નથી કરી શકતા માટે આત્મહત્યા કરે છે એવા સમાચારોથી આપણાં અખબારોનાં પાનાં ભરાઈ જાય એવા દિવસો દૂર નથી રહ્યા.

એમ લાગે છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ તત્કાલ શોધવો પડશે. લોકશાહીમાં એક જ માર્ગ છે અને તે છે સરકારને મતદારો દ્વારા ફરજ પડે તે. બજારમાં જેનું કલ્યાણ ખરીદશક્તિના અભાવે નથી થતું તેનું કલ્યાણ સરકાર કરે તે લોકશાહી દેશમાં સ્વાભાવિક રીતે જ અપેક્ષિત છે. ભારતમાં બંધારણે એ જવાબદારી સરકાર પર નાખી પણ છે. બધાં જ રાજકીય પક્ષોને એ જવાબદારી નિભાવવા માટે ફરજ પાડવામાં આવે એ આજના સમયનો તકાજો છે.

શ્રી એચ.કે. આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ, 12-05-2018

સૌજન્ય : ઓપિનીયન,  “અભિદૃષ્ટિ”, મે-જૂન 2018; પૃ. 05-07[:]