[:gj]ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે [:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા રોકાણકારોએ ચાંદીમાં લેણ વધારી દીધું છે. પાંચ સપ્ટેમ્બરે ચાંદી ૧૯.૭૫ ડોલરની ઉંચાઈએ પહોચી નફારૂપી વેચવાલીમાં મંગળવારે ઘટીને ૧૭.૮૫ ડોલર થઇ હતી. આ સાથે આવા પ્રત્યાઘાતી ઘટાડા આવે તેનાથી રોકાણકારે મૂંઝાઈ જવાની જરૂર નથી. વાસ્તવમાં બજાર જ્યારે તેજીના રાહે ચાલતી હોય, ત્યારે આવા પુલબેક ઘટાડા નવા ઊંચા ભાવ માટે આવશ્યક હોય છે.

આમ પણ ચાંદીમાં તેજી ખુબ ઝડપથી આવી હતી, તેથી આવા ઘટાડા કે ઉછાળા બજારના સેન્ટીમેન્ટને વધુ તંદુરસ્ત બનાવતા હોય છે. આ તબક્કે ૫૦ દિવસની મુવિંગ એવરેજ આસપાસ બાયરોએ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભાવ ૧૮ ડોલર આસપાસ નોંધાય ત્યારે રોકાણકારે બાર્ગેન બાઈંગની તક હાથવગી કરવી જોઈએ. નિશ્ચિતપણે આખા જગતની સેન્ટ્રલ બેન્કોએ તેમની નાણા નીતિમાં દે દામોદર દાળમાં પાણી નાખવાનું શરુ કર્યું છે, તેથીજ લાંબાગાળે પ્રેસિયસ મેટલ્સ સતત ભાવ વધારો જોવાતો રહેશે.

ભાવ ઉંચે જવાની શક્યતા જોવાઈ રહી છે, સાથોસાથ આગામી ટૂંકાગાળામાં ઘણી બધી એવી  ઘટનાઓ બનશે, જે ભાવને ઉંચેથી નીચે પછાડવા માટે નિમિત્ત બની શકે છે. સોનાની તુલનાએ જોઈએ તો ચાંદી હજુ પણ સસ્તી છે. વર્તમાન માર્કેટ સિનારિયોમાં ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદીનો દર) સૂચવે છે કે ચાંદી સોનાની ચમકને ઝાંખી પાડી દેશે. ૩ જુલાઈથી પાંચ સપ્ટેમ્બર સુધીના માત્ર બે જ મહિનામાં ચાંદીના ભાવ ૩૫ ટકા જ્યારે સોનું ૧૪ ટકા વધ્યા હતા. જો તમે એવું માનતા હો કે સોનું હજુ ખુબ ઉંચે જશે તો, ગોલ્ડ/સિલ્વર રેશિયો જોતા અહીંથી તમારા માટે વધુ સારી નફાકારક વ્યૂહ રચના સોનામાં મંદી કરીને ચાંદીમાં તેજી કરવાની હોવી જોઈએ.

ગોલ્ડ/સિલ્વર રેશિયો ૯૨.૫૦થી ઘટીને મંગળવારે ૮૩ થયો હતો. પણ જો લાંબાગાળાની પંચાવનની રેશિયો સરેરાશ જોઈએ તો વર્તમાન રેશિયો પણ ખુબ ઉંચો છે. આનો અર્થ હરગીઝ એવી નથી કે ટૂંકાગાળામાં ચાંદી મોટી તેજીના સંકેત આપે છે. પણ ટેકનીકલ રીતે જોવા જઈએ તો ચાંદી અને સોનામાં ભરપુર તેજીનો અન્ડરટોન ભરેલો પડ્યો છે, જે સટ્ટાકીય બાયરોને સતત આકર્ષતા રહેશે. ગત સપ્તાહે બજારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ચીનના સત્તાવાર ઇકોનોમિક આંકડા સક્યત: સાવ સાચા નથી અને સરકાર તે વધુ પડતા ફુલાવીને દાખવી રહી હોવાની શક્યતા છે.

આ અહેવાલ તો ત્યાં સુધી કહે છે કે સરકાર જીડીપીનો જે વાર્ષિક ગ્રોથ રેટ દાખવી રહી છે તેના કરતા અડધા, માત્ર ૩ ટકા જોટલો જ છે. બજારના જાણતલોને આ સમાચારથી કોઈ આશ્ચર્ય નથી થયું. હોંગકોંગમાં રવિવારે જે પ્રકારે સરકાર સામે જે પ્રદર્શનો થયા તે બુલિયન બજાર માટે ચિંતાનો વિષય છે. કોમોડીટી બજારમાં ડબલ્યુટીઆઈ ક્રુડ ઓઈલ વાયદો મજબુત થઇ ૫૮ ડોલર પ્રતિ બેરલ થયો. અમેરિકન ડોલરની બાસ્કેટ ઇન્ડેક્સ સહેજ નબળો પડ્યો છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવ મુચીને સોમવારે કહ્યું હતું કે ઓક્ટોબરમાં શરુ થનારી ચીન સાથેની નવેસરની ટ્રેડ વોર સંદર્ભની ચર્ચા તંદુરસ્ત પરિણામ લાવે તેવી શક્યતા છે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જકાત યુદ્ધથી અમેરિકન ઇકોનોમીને હજુ સુધી કોઈ અસર થઇ નથી. રોકાણકાર કઈ મામો નથી, તે બે લાઈનો વચ્ચેનું અર્થઘટન બરાબર સમજી શકે છે.

 [:]