[:gj]મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ[:]

[:gj]અમદાવાદ, તા. 23.

મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના શપથ લેતા એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે. એનસીપીમાં ભાગલા પડવાના કારણે ગુજરાતમાં એનસીપીનું નેતૃત્વ અવઢવમાં મુકાઇ ગયું છે. આ અંગે આવતીકાલે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે.

આ અંગે ગુજરાત એનસીપીના કાર્યકારી પ્રમુખ બબલદાસ પટેલે જણાવ્યુ હતું કે, ‘મહારાષ્ટ્રની ઘટના અંગે શરદ પવારે જણાવ્યુ છે કે, આમાં હું સામેલ નથી અજિત પવાર બળવો કરીને ગયા છે, તેની સાથે કેટલા સભ્યો છે તે પણ હજુ સ્પષ્ટ નથી. ભાજપની સરકારમાં એનસીપીનો ટેકો નથી.’

બબલદાસે વધુમાં જણાવ્યુ હતું કે, શરદ પવારના નિર્ણય બાદ ગુજરાત એનસીપી તેને અનુસરશે, એટલું જ નહિ, આવતીકાલે ગુજરાત એનસીપીની બેઠક છે. આ બેઠકમાં શરદ પવારના નિર્ણય મુજબ કાર્યવાહી કરાશે.

જ્યારે પ્રવર્તમાન સંજોગોમાં ગુજરાતમાં શિવસેનાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ગુજરાત શિવસેનાના પૂર્વ પ્રમુખ હરેશ ભટ્ટનો સંપર્ક કરતાં કહ્યું હતું કે, મે આઠ મહિના અગાઉ શિવસેનાના પ્રમુખપદે થી રાજીનામું આપી દીધું હતું.ત્યાર બાદ ગુજરાત શિવસેનાના સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું છે. જો કે હજુ સુધી શિવસેના દ્વારા ગુજરાત સંગઠનની રચના કરવામાં આવી નથી.

આમ ગુજરાતમાં હાલના સંજોગોમાં શિવસેનાનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ ભર્યું ન કહેવાય.

[:]