[:gj]અમદાવાદ, તા. 10
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને સાવચેતીના પાઠ શીખવાડવા માટે સંચાલકોને આદેશ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ એક્શન પ્લાન તૈયાર કર્યો
ડેન્ગ્યૂ અને મેલેરિયાના રોગચાળા સામે રક્ષણ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓને આ રોગચાળા અંગે માહિતગાર કરવા પરિપત્ર જારી કરી શાળાઓને સાવચેતીરૂપે પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. ‘સ્વસ્થ રહો, સાવચેત રહો’ અભિયાન જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય દ્વારા શરૂ કરાયું છે. શહેરના જિલ્લા શિક્ષણાધઇકારી આર. સી. પટેલે પરિપત્ર દ્વારા ડેન્ગ્યૂના કહેર સામે સાવચેતીના પગલાં ભરવા શહેરની શાળાઓને સૂચન કર્યું છે. શહેરમાં સરકારી અને ખાનગી એમ કુલ 1500થી વધારે શાળાઓ છે ત્યારે હવે વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ અને મેલેરિયા શું છે તેના મચ્છરો ન કરડે તે માટે શું કરવું અને સાવચેતીના પગલાં માટે શું કરવું તે અંગે માહિતગાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.
ડેન્ગ્યૂને અટકાવવા શું કરવું?
પાણીના બધા કન્ટેનર, ઓવરહેડ ટાંકી યોગ્ય રીતે ઢાંકીને રાખવી.
મચ્છર કરડવાથી બચવા દિવસ દરમિયાન ખુલ્લા ભાગોમાં મોસ્ક્યુટો રેપ્લેન્ટનો ઉપયોગ કરવો.
મચ્છરના ડંખથી બચવા આખી બાંયના કપડા પહેરવા.
મચ્છરોને દૂર રાખવા દરવાજા, બારી પર મચ્છર જાળી, મચ્છર કોઈલ, સાદડીનો ઉપયોગ કરવો.
નાના બાળકો માટે પલંગની જાળીનો ઉપયોગ કરવો.
ઘરની આસપાસ ખુલ્લી જગ્યામાં પાણીનો ભરાવો નથીને તેની ખાતરી કરો.
મચ્છરોના ઉપદ્રવને અટકાવવા શું કરવું?
ઘર, ઓફિસ, શાળાઓ, કારખાનાઓ આસપાસ પાણીને એકઠું થવા ન દો.
તુટેલા વાસણો, ફર્નિચર, ફુલદાની, ટાયર ધાબા પર એકત્રિત થવા ન દો.
ડેન્ગ્યૂ તાવના દર્દીઓને એસ્પિરીન, બ્રુફેન ન આપો.
ડેન્ગ્યૂના લક્ષણોની જાણકારી
તાવની અચાનક શરૂઆત.
માથાના આગળના ભાગે તીવ્ર દુઃખાવો.
આંખોની પાછળ દુઃખાવો.
સ્નાયુ અને સાંધાનો દુઃખાવો.
સ્વાદ અને ભૂખની ઈચ્છા ઓછી થવી.
છાતી અને ઉપલા અંગો પર ઓરી જેવી ફોલ્લીઓ થવી.
ઉબકા અને ઉલ્ટી થવી.
ડેન્ગ્યૂની સારવાર માટે શું કરવું?
ડેન્ગ્યૂની કોઈ વિશિષ્ટ સારવાર નથી
રોગ નિવારક સારવાર અને કેસ મેનેજમેન્ટ એક માત્ર રસ્તો
ડેન્ગ્યૂથી ગભરાવાની જરૂર નથી
દર્દીને વધુ પ્રવાહી અને પીવાલાયક પ્રવાહી આપવા
દર્દીએ પુનઃ રિકવરી ના આવે ત્યાં સુધી સંપૂર્ણ આરામ કરવો
ડેન્ગ્યૂની સિઝનમાં કોઈ પણ પ્રકારની તાવની ગોળી લેવી ટાળવી
સારવાર માટે ડોક્ટરની સલાહ અને યોગ્ય નિદાન મેળવવું
અનોખી પહેલ
અત્રે નોંધનીય છે કે, વરસાદની મોસમ બાદ શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમપા ચાલી, પોળ, સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં જઈને લોકોને ડેન્ગ્યૂ અને મેલેરિયા મામલે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પણ જાગૃકતા આવે તે માટે સાવચેતી અને સલામતીના પાઠ ભણાવવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અનોખી પહેલ કરી છે.[:]
You must be logged in to post a comment.