[:gj]ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાંખ્યા[:]

[:gj]
અમદાવાદ,તા.૧૭
અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા તો વસાહતોમાં રોડ ખોદવાનો બારમાસી ઈજારો સરળતાથી મળી જાય છે.રોડ ખોદાય છે.કામ પુરુ થયા બાદ યોગ્ય પુરાણ કરાતુ નથી.એજ સ્થળે ભુવા પડે છે,જમીન બેસી જાય છે.લોકો હેરાન થાય છે.છતાં અમપામાં બેઠેલા શાસકો આ કંપનીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકતા નથી કે તેમને અટકાવી શકતા નથી.

અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર એટલે નવા પશ્ચિમઝોનનો વિસ્તાર.નવા પશ્ચિમઝોનમાં વહીવટી અનુકુળતા માટે બે ભાગ પાડવામાં આવ્યા છે.ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ.શહેરમાં ટોરેન્ટ પાવર દ્વારા ૪૦૦ કીલોમીટરના રોડ ખોદી નાંખવામાં આવ્યા હતા એમ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે કહ્યુ હતુ.એ વાતને બાજુ પર મુકવામાં આવે તો પણ સત્તાવાર રીતે મળેલી માહીતી મુજબ,શહેરના થલતેજ, ગોતા,ઘાટલોડીયા,બોડકદેવ અને ચાંદલોડીયા જેવા વિસ્તારોમાં પહેલી એપ્રિલ-૨૦૧૯થી ૧૬ ઓકટોબર -૨૦૧૯ સુધીમાં પાંચ કંપનીઓએ પચાસ કીલોમીટર સુધીના રસ્તાઓ ખોદી નાંખ્યા છે.

અમપા દ્વારા વિવિધ કંપનીઓને ચોમાસા સિવાય બાકીના તમામ સમય માટે અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી હોય,સબ સ્ટેશન માટેની કામગીરી હોય કે પછી લાઈનના એકસટેન્શનની કામગીરી હોય આ પ્રકારની તમામ કામગીરી માટે રોડ ઓપનીંગની પરમીશન આપવામાં આવતી હોય છે.અમદાવાદ શહેરમાં આ વર્ષે ખાડામાં પડી જવાના કારણે બે લોકોના મોત થયા હતા.આ બેદરકારી કોની એ હજુ સુધી તંત્ર નકકી કરી શકયુ નથી.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટ અને ડેપ્યુટી મેયર દીનેશ મકવાણા પણ એ વાતનો એકરાર કરી ચુકયા છે કે,જો અમે કાર્યવાહી કરવા જઈએ છીએ તો ઉપરથી દબાણ લાવવામાં આવે છે.ડેપ્યુટી મેયર દીનેશ મકવાણાએ તો ત્યાં સુધી કહ્યુ,જો આ કંપનીઓને અમે પરમીશન ન આપવાનો આગ્રહ રાખીએ તો સામે અમને એવો જવાબ અપાય છે કે,જો તમે રોડ ઓપનીંગની પરમીશન નહીં આપો તો જે તે વિસ્તારના લોકોને વીજજોડાણ નહી મળે.એટલે આ પ્રકારના દબાણને લઈને પણ અમારે રોડ ઓપનીંગની મંજુરી આપવી પડતી હોય છે.

કયા વિસ્તારમાં કેટલા રોડ ખોદાયા(૧-૪-૨૦૧૯ થી ૧૬-૧૦-૨૦૧૯)- બોક્સ

વિસ્તાર કંપનીનું નામ લંબાઈ(રનીંગ મીટરમાં) ખોદાણની લંબાઈ

થલતેજ ટોરેન્ટ પાવર ૪૪૧૪ ૧૩૦
રીલાયન્સ જીઓ ૯૩૪૦ ૯૩૪૦
ગોતા ટોરેન્ટ પાવર ૮૦૩૬ ૮૦૩૬
રીલાયન્સ જીઓ ૨૬,૮૩૬ ૨,૦૦૦(કામગીરી ચાલુ)
ઘાટલોડીયા ટોરેન્ટ પાવર ૬૨૫ ૫૦૦
ટાટા કોમ્યુનિકેશન ૪૦૦ ૪૦૦
બોડકદેવ ટોરેન્ટ પાવર ૪૦ ૪૦
સુયોગ ટેલિમેક ૩૦ ૩૦
ટોરેન્ટ પાવર ૯૦ ૯૦
કુલ ૫૦,૫૮૮ ૨૧,૩૪૩

હાઈકોર્ટનો વર્ષ-૨૦૧૮નો ચુકાદો શું કહે છે…

ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ-૨૦૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં તુટેલા રોડ મામલે એક જાહેરહીતની અરજી દાખલ કરાઈ હતી.આ અરજી મામલે નવેમ્બર-૨૦૧૮માં ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેચ દ્વારા જે ચુકાદો આપવામા આવ્યો હતો એમાં હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા તંત્રને સ્પષ્ટ કહેવાયુ હતુ કે,અમદાવાદ શહેરમાં કોઈપણ કંપનીને રોડ ઓપનીંગની આપવામા આવેલી પરમીશન બાદ જે તે હેતુ માટેની કામગીરી પુરી થયા બાદ જે તે કંપનીએ ખોદાણ કરેલી જગ્યાએ ત્રણ દિવસમાં પોતાના ખર્ચે રોડ રીસરફેસ કરી દેવો.ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાએ નવેસરથી કોઈ પરમીશન રોડ ખોદવા માટે આપવાની રહેશે નહીં.
[:]