[:gj]દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં, 240% નો વધારો[:]

[:gj]મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની GIDCમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટસ-બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થાય તેવી આ સરકારની સ્પષ્ટ નેમ છે.

રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઊદ્યોગકારોએ પણ પહેલીવાર તેમના પ્રશ્નોનો ૧૦૦ ટકા નિકાલ થયો છે તેનો સંતોષ વ્યકત કરતા મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDCના ઉપક્રમે યોજિત ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં ટંકારાની છત્તર-મીતાણા જી.આઇ.ડી.સી.માં ૧ર૭ MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરાઇઝ ડ્રો થી પ્લોટ ફાળવણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસેથી કરી હતી.

તેમણે ભરુચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઊદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના ૪૦ MLDના બે CETP પ્લાન્ટસના લોકાર્પણ પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વિશ્વના વેપાર ઊદ્યોગકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા FDIના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં ર૪૦ ટકાનો વધારો થયો છે અને ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા એટલે કે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે પણ નંબર વન રાજ્ય છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સ્પષ્ટ નિતી, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રતિબદ્ધતા અને ઊદ્યોગોને મોકળા વાતાવરણને કારણે વિશ્વના ઊદ્યોગો ગુજરાતમાં રોકાણો માટે આવવા મોટા પાયે પ્રેરિત થાય છે.

મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લામથકોએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા ઊદ્યોગકારોને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણની મહામારી બાદ MSME એકમોને બેઠા કરવા રુ. ર૦ લાખ કરોડના પેકેજમાંથી રૂ. ૩.પ૦ લાખ કરોડ ફાળવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે ઉમેર્યુ કે, ૧ લાખ ૬પ હજાર જેટલા એકમોએ ૯ હજાર કરોડનો લાભ મેળવ્યો છે. એટલું જ નહિ, ગુજરાતમાં પણ એટ વન કલીક રૂ. ૧૩૭૧ કરોડની સહાય ૧૩ હજારથી વધુ MSMEને આપીને દરેક ક્ષેત્રના હરેક લોકોને કામ મળે, રોજગારી મળે તે માટે પહેલરૂપ કામગીરી કરી છે.

વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતે હંમેશા દેશને માર્ગ ચીંધ્યો છે. ઊદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીને પણ અગ્રતા આપી છે અને ઔદ્યોગિક વસાહતોમાં CETP પ્લાન્ટ દ્વારા ઊદ્યોગોના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ GIDCની માળખાકીય સુવિધાઓને કારણે ઊદ્યોગકારોનો વિકાસ થાય છે સાથોસાથ પ્લગ એન્ડ પ્રોડયુસ, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ૪પ૮ કરોડ રૂપિયાની વિવિધ રાહતોથી સરકારે કોરોનાના કપરા સમયમાં ઊદ્યોગકારોને બોટલ નેકસ દૂર કરી વધુને વધુ ઊદ્યોગો શરૂ કરવા આકર્ષિત કર્યા છે તેની પણ વિશદ છણાવટ કરી હતી.

રાજ્યમાં ર૧૭ GIDCમાં ૬૦ હજાર જેટલા ઊદ્યોગો ૧૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડી રહ્યા છે અને ગુજરાત માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ કરી રહ્યું છે તેનું ગૌરવ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પ્રજાના હિતાર્થે કામ કરે છે, કાયદાઓ-યોજનાઓ પ્રજા માટે અને પ્રજાની સાનુકૂળતા માટે છે. કોરોનાની મહામારીમાં પણ સરકારે સઘન કામગીરી કરીને ટ્રીટમેન્ટની ઊંચી ગુણવત્તા, ધનવંતરી રથ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોનિટરીંગથી કોરોના સામે જીતવાનો સંકલ્પ કર્યો છે. મૃત્યુ દર પણ ઘટીને ૪.૭ ટકા થયો છે તેને વધુ નીચે લઇ જવો છે.

તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણ વચ્ચે અનલોક કર્યુ છે તેમાં પ્રજાજનો, નાગરિકોના  સહયોગથી વેપાર-ઊદ્યોગ-ધંધા જેવી રોજીંદી પ્રવૃત્તિઓ ધમધમતી થઇ છે.

આ અંગે તેમણે વધુમાં ઉમેર્યુ કે, ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઊદ્યોગોનો જે વીજ વપરાશ ર૦૭ મિલીયન યુનિટ હતો તે આ વર્ષના જુલાઇ મહિનામાં પણ ર૦૭ મિલીયન યુનિટ યથાવત છે એનો સીધો અર્થ એ છે કે ઊદ્યોગો-એકમો ફરી ધમધમતા, ધબકતા થઇ ગયા છે.

મુખ્યમંત્રીએ આફતને અવસરમાં પલટવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના કોલને સાકાર કરી ગુજરાત ભૂકંપ, વાવાઝોડું, પૂર જેવી વિપદા અને હવે કોરોનાની મહામારીમાંથી પણ પહેલાં કરતાં સવાઇ ગતિએ વિકાસની રફતાર પર આગળ વધશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

ઊદ્યોગો-વેપાર ધંધા રોજગારને ફરીથી બેઠા કરવા ડૉ. હસમુખ અઢિયા કમિટીની ભલામણોને આધારે માત્ર પાંચ જ દિવસમાં રૂ. ૧૪ હજાર કરોડનું પેકેજ જાહેર કરીને આ સરકારે ગુજરાતને ઔદ્યોગિક, આર્થિક ક્ષેત્રે ફરી ચેતનવંતુ બનાવવાની પ્રતિબદ્ધતા સેવી છે તેમ પણ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

જી.આઇ.ડી.સી.ના અધ્યક્ષ  બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારના સકારાત્મક અભિગમને પગલે ગુજરાતમાં ઊદ્યોગકારોને પોતાના કારોબાર-વ્યવસાયને વિશ્વ ફલકે વિકસાવવાની તક મળી છે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું.

તેમણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં પ્લોટની ફાળવણી પારદર્શીતાથી કોઇ લાગવગ – ભ્રષ્ટાચાર વિના થાય છે અને નાનામાં નાના ઊદ્યોગકારને પણ સરળતાએ જમીન મળે છે તેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ડાઇસેલ સેફટી સીસ્ટમ ઇન્ડીયા પ્રગતિને એરબેગ ઇન્ફલેટર્સના ઉત્પાદન માટે ખોરજ જી.આઇ.ડી.સી.માં પ્લોટ ફાળવણી પત્ર અર્પણ કર્યો હતો. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ  પ્રકાશ વરમોરા, વટવા એસોસિયેશનના પૂર્વ પ્રમુખ  શંકર પટેલ તેમજ અંકલેશ્વરના ઊદ્યોગ સાહસિક  કે. વત્સને રાજ્ય સરકારના પ્રો-એકટીવ અભિગમ માટે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  એમ. કે. દાસ, જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટર  થેન્નારસન, જોઇન્ટ એમ.ડી.  કિશોર બચાણી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.[:]