[:gj]અહેમદ પટેલની ચઢતી પડતી [:]

[:gj]ચઢતી-પડતી – દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ

પોતાના વતન અંકલેશ્વરના પિરાણા ગામ ખાતે લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતી વેળાએ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, અત્યાર સુધી એક જ નામનો ઠરાવ કરીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નક્કી કરીને નામ મોકલતી હતી. અહેમદ પટેલ કહે એટલે હા ભણીને તેના નામ પર મહોર લગાવવામાં આવતી હતી.
હવે એવું નહીં ચાલે. હવે ત્રણ નામોનની યાદી મોકલવી પડેશે. જેમાંથી તમામ નામ પર સંગઠનમાં યોગદાન, કામમાં સારો દેખાવ, પક્ષ માટે સારું કામ કરનાર તથા સામાજિક છબી જેવા પાસાને ધ્યાને લઈને કોંગ્રેસની પાર્લામેન્ટ સમિતિ ઉમેદવાર નકકી કરશે. મતદારો સુધી જવાનું તેમણે કાર્યકરોને કહ્યું હતું.
પ્રભાવ ઘટતા પાછી પાની
અહેમદ પટેલે કહેલી આ વાત સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે. તેમણે એક વાત એ કહી કે અહેમદ પટેલ કહે તે નામ પસંદ થતું હતું. જેનો કોઈ વિરોધ પણ કરતું ન હતું. તેનો મતલબ કે છેલ્લા 20 વર્ષથી પોતાના ભરૂચમાં કોંગ્રેસમાં જે નામો નકકી થતાં હતા તે અહેમદ પટેલ નક્કી કરતાં હતા. પાર્લામેન્ટ સમિતિ નક્કી કરતી ન હતી. તેની સીધો મતલબ એ થયો કે છેલ્લા 20 વર્ષથી ભરૂચમાં કોંગ્રેસ હારતી આવી છે તેના માટે અહેમદ પટેલ જવાબદાર છે. અહેમદ પટેલની હવે રાજકીય પીછેહઠ થઈ રહી છે. જે હાલત નરસિંહરાવના સમયમાં હતી તેવી હાલ ફરી એક વખત થઈ છે. રાહુલ ગાંધીએ તેમને તમામ પદો પરથી હઠાવી દીધા હતા. પણ કેટલાંક ઉદ્યોગ પતિઓના દિલ્હીથી આવેલા દબાણના કારણે ફંડ મેળવવા માટે ફરી તેમને ખજાનચી બનાવવાની ફરજ રાહુલ ગાંધી પર પાડવામાં આવી છે. જે રાહુલ ગાંધી માટે મોટી મુશ્કેલી તરીકે આવી શકે છે. કારણ કે અહેમદ પટેલ, તેમના પુત્ર અને જમાઈ પર વડોદરામાં થયેલાં રૂ.5000 કરોડના કોંભાંડમાં નામો આવ્યા છે. હવે અહેમદ પટેલનું નાક ભાજપ સરકાર શંકરસિંહ વાઘેલાની જેમ દબાવવામાં આવી રહ્યું છે. જો કોંગ્રેસે જીતવું હોય તો અહેમદ પટેલની પાસેથી ગુજરાતનો હવાલો વહેલી તકે લઈ લેવો જોઈએ.
ઉમેદવારો નક્કી કરવાની સત્તા ન રહી
તેની બીજો અર્થ એવો નિકળે છે કે, આ લોકસભાની ઉમેદવારો નક્કી કરવાની સત્તા તેમની પાસે નથી. એટલે કે રાહુલ ગાંધીએ તેમને બાજુ પર મૂકી દીધા છે. તેમને રાજકીય સલાહકાર તરીકે પણ હાંકી કાઢ્યા છે. અહેમલ પટેલ નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર હોવાથી રાહુલ ગાંધીએ આ પગલું લીધું હોઈ શકે અથવા પોતાના હોમસ્ટેટ ગુજરાતમાં જો અહેમદ પટેલ સફળ થયા નથી તો દેશમાં કઈ રીતે સફળ થઈ શકે. એવા તર્કથી તેમને રાજકીય સલાહકાર તરીકે હાંકી કાઢવામાં આવ્યા હોઈ શકે છે.
માત્ર ભરૂચમાં જ નહીં પણ ગુજરાતમાં ધારાસભા અને લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં અહેમદ પટેલ અને તેમના ચાર ભક્ત નેતાઓ જ મહત્વનો ભાગ ભજવતાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં 28 વર્ષથી કોંગ્રેસ હારતી આવી છે જેમાં પણ અહેમદ પટેલ જવાબદાર છે.
હવે પોતાની જવાબદારી સ્વિકારીને અહેમદ પટેલે રાજકીય સન્યાસ લઈ લેવો જોઈએ.
અત્યાર સુધી અહેમદ પટેલે શું કર્યું ?
ભરૂચના લોકો અહેમદ પટેલને બાબુભાઈ તરીકે ઓળખે છે. એમના પિતાને પણ લોકો કાંતિભાઈ પટેલ તરીકે ઓળખતા હતા. તેઓ ગામના મુખી હતા એટલે પટેલ અટક આવી છે.
તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. હવે નથી. હવે તેઓ કોંગ્રેસના માત્ર ખજાનચી છે. તેઓ સોનિયાના પ્રિય એટલા માટે રહ્યાં હતા કે, ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના નાનાનું ગામ ભરૂચ હતું અને જન્મસ્થળ હોવાનું કહેવાય છે.
અહેમદ પટેલ સારાં વ્યૂહરચનાકાર તરીકે કોંગ્રેસના નેતાઓ કહે છે. પરંતુ ગુજરાતમાં તેમની વ્યૂહરચના 28 વર્ષથી સફળ થઈ નથી. તેમની રણનીતિનો ગુજરાત કોંગ્રેસને કોઈ ફાયદો થયો નથી. માત્ર તેમના પ્રીતિપાત્ર ચાર નેતાઓ આગળ આવ્યા છે. જેમની પાસે કોઈ જનાધાર પણ નથી. અહેમદ પટેલ પડદા પાછળ રહી રણનીતિ ઘડવામાં માહિર છે, એવું ચિત્ર ઊભું કરાયું છે. તો તેઓ મોટા વ્યૂહરચનાકાર હોય તો કોંગ્રેસ ગુજરાતમાં 28 વર્ષથી હારી રહી છે. તેની સીધો મતલબ એ થયો તે તેમને કારણે ગુજરાતમાં કોંગ્રેસ હારી છે.
બાબુભાઈને દિલ્હીમાં રાખો, ગુજરાતમાંથી ખસેડો
ગુજરાતમાં જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, ભાજપે હિન્દુઓનું ધ્રુવિકરણ શરૂ કર્યું ત્યારથી ભાજપે અહેમદ પટેલનો ઉપયોગ હિન્દુ વિરોધી બ્રાંડ તરીકે કર્યો છે. જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે અહેમદ પટેલને ઊંટ બનાવીને ભાજપે હિન્દુ તરફી વાતાવરણ ઊભું કર્યું છે. તેથી મતોનું હંમેશ ધ્રુવિકરણ થયું છે. જેના માટે અહેમદ પટેલ પોતે જવાબદાર છે. કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ બાબુભાઈ હાઈપર એક્ટીવ બની જાય છે. તેથી સાંપ્રદાયિક ધ્રુવીકરણ થાય છે અને તેનો ફાયદો ભાજપે મુસ્લિમ વિરોધી હવા ઊભી કરવા લીધો છે. ગુજરાતમાં ભાજપની જીત માટે અહેમદ પટેલ કારણભૂત રહ્યાં છે. હવે તેઓ રહીને સમજ્યા છે કે ઉમેદવારોના નામો પોતે નક્કી નહીં કરે. કોંગ્રેસે જો ગુજરાતમાં જીતવું હોય તો બાબુભાઈને ગુજરાતના રાજકાણથી ખસેડીને માત્ર દિલ્હીમાં પૈસા ભેગા કરવા માટે ખજાનચી તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. નહીંતર લોકસભામાં ફરીથી ભાજપને 26 બેઠકો મળશે.
વાફાદારોથી ઘેરાયેલા નિષ્ફળ નેતા
અહેમદ પટેલ વફાદારોથી ઘેરાયેલા પ્રજા માટે ઈગોઈસ્ટ નેતા છે. તે લોકોને બહુ ઓછા મળે છે પણ વફાદારોને વધું મળે છે. અહેમદ પટેલને ગુજરાતના પાયાના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. તેઓ ગુજરાતના લોકાના નેતા નથી. માત્ર કોંગ્રેસના બુદ્ધિ શાળી નેતા છે. તેમની રણનીતિ કોંગ્રેસના કાર્યકરો સુધી પહોંચી નથી. તેના પ્રશંસકો તેમને ગુજરાતના નેતા બનાવે છે. પણ તેઓ દિલ્હીથી વિમાનમાં અમદાવાદ આવે છે, કાર્યાલય પર દેખાડો કરીને પછી સીધા ભરૂચ જતાં રહે છે. તે સિવાય ક્યાં જતા નથી. તો તેઓ કોંગ્રેસના નેતા કઈ રીતે ગણી શકાય. સૌરાષ્ટ્રમાં તો તેઓ ચૂંટણી સમયે જ જાય છે.
હારની શરૂઆત ભરૂચથી
80ના દાયકામાં ભરૂચ કોંગ્રેસનો ગઢ હતો. તે પણ અહેમદ પટેલના કારણે નહીં પણ સી ડી પટેલના કારણે. અહેમદ પટેલ ભરૂચથી 3 વખત લોકસભામાં ચૂંટાયા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં, ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોમાં કોઈ પણ બેઠક કોંગ્રેસ નહોતી જીતી શકી ન હતી. 28 વર્ષના પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. ત્યારથી તેઓ કોંગ્રેસમાં સારું ધ્યાન ખેંચી શક્યા હતા. આજે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ બાબુભાઈનું કોઈ પ્રભુત્વ નથી.
રાજ્ય કક્ષાએ શું
કોંગ્રેસે ગુજરાતમાં ગુમાવેલું પ્રભુત્વ પાછું નથી અપાવી શકતા. તેમના સ્થાનિક વિસ્તાર ભરૂચમાં પણ કોંગ્રેસ લોકસભાની ચાર ચૂંટણીઓ હારી ચૂકી છે. અહેમદ પટેલ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પાસે આવેલા પિરામણ ગામના વતની છે અને 1970ના દાયકાથી કોંગ્રેસમાં સક્રિય છે. 1993 પછી તેમણે ચૂંટણી લડવાનું બંધ કર્યુ અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 1986માં અહેમદ પટેલની ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઈ છે. તે પછી કોંગ્રેસે ગુજરાતમાં સત્તા ગુમાવી છે. ભાજપનો ઉદય પણ ત્યારથી થયો છે. ભાજપે સાંપ્રદાયિક તનાવ ત્યારથી ઊભો કર્યો હતો.
રાષ્ટ્રીય કક્ષાએ
રાજીવ ગાંધીએ પક્ષ અને સરકારનું સુકાન હાથમાં લીધું, ત્યારબાદ કોંગ્રેસમાં અહેમદ પટેલનો ઉદય ઝડપી બન્યો. રાજીવે પક્ષનાં ઘરડાં અનુભવી સભ્યોને બદલે યુવાનોને તક આપી હતી. રાજીવે એ સમયે શરમાળ પ્રકૃતિના પટેલને પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. 1984 માં કોંગ્રેસના સંયુક્ત સચિવ તરીકે તેઓ દિલ્હી ગયા હતા. વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
સામાજિક કામ માટે 1988માં તેઓ ગાંધી-નહેરુ પરિવાર દ્વારા સંચાલિત ‘જવાહર ભવન ટ્રસ્ટ’ના સચિવ બન્યા હતા. ત્યાર પછી તેઓ કોંગ્રેસના ખજાનચી તરીકે કામ સારી રીતે કરી શક્યા છે. તેઓ કોંગ્રેસને સારું એવું ફંડ એકઠું કરી આપે છે. પણ નેતા તરીકે સદંતર નિષ્ફળ રહ્યાં છે.
તેઓ રાજીવ ગાંધીના જેટલાં વિશ્વાસુ હતા તેટલાં જ સોનિયા ગાંધીનાં વિશ્વાસુ 2017 સુધી રહ્યાં હતા.
રાજીવની હત્યા બાદ હાંસીયામાં ધકેલાયા હતા
રાજીવ ગાંધીની હત્યા થયા બાદ અહેમદ પટેલ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. વડાપ્રધાન પી વી નરસિંહ રાવના સમય દરમિયાન તેમનું કદ માત્ર કોંગ્રેસ વર્કિંગ કમિટીનાં સભ્યનું જ રહ્યું હતું. આ સમયે તેમણે જવાહર ભવન ટ્રસ્ટ પર વધુ ધ્યાન આપ્યું હતું. તેથી સોનિયા ગાંધીની નજીક તેઓ આવી શક્યા હતા. ત્યારે સોનિયા ગાંધી જાહેર જીવનમાં આવ્યા પણ ન હતા. નેવુંનાં દાયકામાં સોનિયા ગાંધીને રાજકારણમાં આવવાની ફરજ પડી ત્યારે તેમની પાસે કોઈ રાજકીય સૂજ ન હતી. તેઓ રાજકારણમાં સાવ નવાં હતાં, તેમણે અહેમદ પટેલને રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા. અહેમદ પટેલનું સારું પાસું એ છે કે તેમની રાજકીય મહત્વકાંક્ષા બહુ નથી. માત્ર ગુજરાત પર પકડ રાખવા પૂરતી જ મહત્વકાંક્ષા રહી છે. બીજું કે તેઓ ગુજરાત આવે ત્યારે તેમઓ તે અખબારી નિવેદન તૈયાર કરે તે દરેક અખબાર માલિકોને ફોન કરીને પ્રકાશિત કરવાનું કહે અને પત્રકારોને તે માટે ફરજ પણ પાડે છે.
સોનિયાના રાજકીય સલાહકાર થયા પછી અહેમદ પટેલનું કદ મોટું થઈ ગયું હતું. પણ ગુજરાતમાં કોંગ્રેસનું કદ નાનું કરી દીધું હતું. પક્ષમાં બે દાયકાથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. આ સમય દરમિયાન ગુજરાતને ભાજપના હાથમાં તેમણે સોંપવાનું કામ કર્યું છે.
તેઓ કોના નેતા
અહેમદ પટેલ ગુજરાતની પ્રજાના લોકપ્રિય નેતા નથી. તેઓ ગુજરાતના મુસ્લિમોના નેતા નથી. તેમને મુસ્લિમોએ ક્યારે મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે જોયા નથી. જ્યારે આફતમાં આવે ત્યારે જ ટ્વિટર પર જ દેખાયા છે. અહેમદ પટેલના કારણે ભરૂચ, દહેજ, અંકલેશ્વર જેવા ઔધ્યોગિક વસાહતો ઉભી થઈ છે. તેથી તેમનું યોગદાન ગુજરાત ક્યારેય ભૂલી શકે તેમ નથી. પણ તે સિવાય ગુજરાતની પ્રગતિમાં તેમનું કોઈ યોગદાન નથી.
સમય બદલાયો છે. હવે તેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ નથી રહ્યાં. 21 ઓગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ થયો હતો. હવે 70 વર્ષની ઉંમરે તેમને નિવૃત્ત કરી દેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના હીતમાં તેમણે હવે ખસી જવું જોઈએ. માધવસિંહ સોલંકી જે રીતે ગુજરાતના રાજકારણમાંથી ખસી ગયા હતા, તેમ.[:]