[:gj]સમરથ કો નહીં દોષ ગુંસાઈ[:]

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ડો. ચિંતન વૈષ્ણવ

​​“સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.

​​લોકશાહીની સર્વ સામાન્ય વ્યાખ્યા એવી છે કે, “જ્યાં લોકો દ્વારા શાસન કરવામાં આવતું હોય.” અબ્રાહમ લિંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા મુજબ “લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન”. લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચુંટણીઓ યોજાય છે અને આપણે આપણા વતી શાસનની ધૂરા સંભાળવા માટે કેટલાક પ્રતિનિધિઓ ચૂંટી કાઢીએ છીએ. જે ભેગા મળીને સરકાર બનાવે છે. સરસ શબ્દોમાં કહીએ તો, લોકો સરકાર મારફતે લોકશાહીનું સંચાલન કરે છે.

લોકશાહીમાં લોકો જ પોતાના ભાગ્ય વિધાતા હોય છે. એટ્લે કે, લોકો ધારે એ મુજબ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકતા હોય છે. હવે જો લોકો, પોતે જ પસંદ કરેલા સત્તામાં રહેલા પ્રતિનિધિઓને સલાહ-સૂચના નહીં આપે, ફરિયાદો નહીં કરે કે પછી પોતાનું શાણપણ અહી નહીં બતાવે તો લોકશાહીનું સંચાલન લોકોના હાથમાં નહીં પરંતુ અબજોની વસતિ ધરાવતા દેશમાના માત્ર 545 જણા કે જેમાં મોટાભાગના અંગૂઠાછાપ છે, એવા માઈનોરીટી ગ્રૂપના હાથમાં છે એવું સાબિત થશે. જે એક કડવું સત્ય પણ છે જ. (લોકસભાની સભ્યસંખ્યા 545 હોય છે.)

​​કેટલાક જૂજ ઇસમો પોતાને સત્તા મળે તે હેતુથી અને કેટલાક સત્તામાં રહેલા પ્રતિનિધિઓ પોતાની સત્તા ટકાવી રાખવા માટે લોકશાહીનું ખૂન કરતા પણ જોવા મળે છે. ચૂંટણીઓ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિઓ અજમાવવામાં તેઓ જરા પણ ખચકાતાં નથી હોતા. લોકશાહી હોવા છ્ત્તા દેશહિત અને પ્રજાહિતને બદલે માત્ર પોતાના અંગત હિતને પ્રાધાન્ય આપતા હોય છે. ઘણા સમય સુધી જ્યારે સત્તા પોતાના હાથમાં રહે છે ત્યારે કેટલાક લોકોને સત્તાનો મદ ચડી જતો હોય છે. સત્તાના નશામાં પોતે લોકશાહી દેશનો નાગરિક છે એ વાત ભૂલી જાય છે.

હમણાં-હમણાંનો જ તાજો દાખલો છે કે, મુખ્યમંત્રી સાહેબે માસ્ક ન પહેરનાર માટે દંડની રકમ વધારીને 1000 રૂપિયા કરી દીધી. એક રીતે જોઈએ તો અણસમજુ લોકોને માસ્ક પહેરતા કરવા માટેનો આ નિર્ણય બરોબર કહી શકાય. પરંતુ આદર્શ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ ફેલાવા પાછળ માત્ર માસ્ક ન પહેરવું એ કારણ એકલું જ જવાબદાર નથી. હમણાં મારા એક મિત્રના પપ્પા પોતાના ઘરની બહાર નીકળતા નીકળતા માસ્ક પહેરતા હતા ત્યાં જ રસ્તા પરથી પોલીસ વાળા ઉપાડી ગયા અને પોલીસ સ્ટેશને બેસાડી દીધા કારણકે દંડ ભરવાના 1000 રૂપિયા હતા નહીં. મારો મિત્ર પોલીસ સ્ટેશને જઈને દંડ ભરતો આવ્યો પછી એના પપ્પાને જવા દીધા.

આ ઘટનાના થોડા જ દિવસો બાદ અમારા જ શહેરના માર્ગો પર નવા પ્રદેશપ્રમુખશ્રી વાજતે ગાજતે હજારો અંધભક્તો સાથે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા ઉડાડતા વટથી ખુલ્લી જિપમાં નીકળ્યા. જેમના પર અઢળક ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે એવા વ્યક્તિની સિક્યોરિટી આપણે ત્યાં કદાચ ખૂબ મહત્વની ગણાય છે, એટ્લે એમની સુરક્ષા માટે સાથે પોલીસ કાફલો પણ ખરો!! એક સામાન્ય માણસને વગર કારણે ઉપાડી જનાર અને 1000 રૂપિયાનો મોટો દંડ ફટકારનાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ દિવસે સરકારી નિયમોનો ઉલાળિયો થતો પોતાની નરી આંખે જોઈ રહ્યો હતો. પરંતુ ખાખી પહેરેલો બાંકો મરદ એકપણ એવો નીકળ્યો નહીં કે જેણે સત્તાના મદમાં કાયદા સમક્ષ સમાનતાની બંધારણની મૂળભૂત જોગવાઈઓનો પણ ઉલાળિયો કરનાર ખાદીધારીઓને દંડ કરવાની વાત શુદ્ધા ઉચ્ચારી હોય!!

વધુ વાંચો: ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના બધા નેતાઓ

આવા સમયે ખૂબ ગુસ્સો આવે છે. પોલીસ પર કે હાલની સિસ્ટમ પર નહીં, પરંતુ ગુસ્સો આવે છે પોતાની જાત પર. આપણે આપણી સામે ખોટું થતું જોઈ રહ્યા છીએ અને સહન કરી રહ્યા છીએ. આપણામાં બોલવાની કે વિરોધ કરવાની તાકાત નથી રહી. ક્યારેક તો વિચાર આવે છે કે, શું આપણે એ જ ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ… જે દેશમાં જન્મેલા એ જ ભરતમાતાના સંતાનો છીએ? જે ધરતી પર પોતાના સાર્વભૌમત્વ માટે શાહિદ થઈ જનારા શહીદો પાક્યા હતા એ જ ધરતી ઉપર આપણી જેવા ડરપોક માણસો કઈ રીતે પાક્યા?

હકીકતે આપણી વચ્ચે બે પ્રકારના માણસો રહેલા છે. એક તો એવા કે જેઓ કોઈ બીજાને લીડર બનવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ જાણે છે કે, જે આગળ થશે એ જ હલાલ થશે. એટ્લે આપણે આગળ થવાય નહીં પણ બીજાને કરાય. લીડરશિપનો ગુણ ધરાવતો કોઈ બાહોશ માણસ જ્યારે આગેવાની લે છે તો પણ એની સાથે ટીમમાં રહેલ આવા લુચ્ચા માણસોને કારણે તેને યોગ્ય સાથ સહકાર નહીં મળતા તેનો બિચારાનો ભોગ લેવાય છે. તે એકલો પડી જાય છે. નાસીપાસ થાય છે અને પછી ખતમ થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કેટલાય લીડરો ખોવાઈ ગયાના દાખલાઓ મોજૂદ છે.

બીજા એવા પ્રકારના માણસો છે કે, જેનામાં લીડરશિપનો ગુણ રહેલો છે. આવા માણસો જો જનતાના પ્રતિનિધિ તરીકે આગળ આવે તો કલ્યાણ થઈ જાય. પરંતુ કેટલાક ઉદાહરણો જોઈને તેઓની અંદર એક ડર પેસી ગયો છે. તેઓ બખૂબી જાણે છે કે, આ સમયમાં જો સાચા થવા ગયા કે લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું તો સમજી લેજો કે આપણે તો દુનિયામાથી જ ખોવાઈ જશું પરંતુ પરિવાર પણ દુ:ખી-દુ:ખી થઈ જશે. આથી જેમ ચાલે છે તેમ ચાલવા દે છે. કેટલાય બહાદુરો તો મે એવા જોયા છે કે, પોતાના નામે RTI કરતાં પણ ગભરાય છે.

ભારતના બંધારણમાં નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારોથી જ આપણે વાકેફ નથી એવું મને લાગે છે. ત્રણસોથી પણ વધુ વર્ષો સુધી અંગ્રેજી હકૂમતની ગુલામી કરતાં કરતા કદાચ આપણા રંગસૂત્રોમાં જ ગુલામી ઘર કરી ગઈ છે. સામાન્ય માણસને માસ્ક ન પહેરવાનો દંડ, વાહનમાં અરીસો ન હોય તો દંડ, ત્રિપલ સવારીનો દંડ, વૃક્ષછેદનનો દંડ, શાળા/યુનિવર્સિટીમાં ફી ભરવામાં મોડુ થાય તો પણ દંડ, હેલ્મેટ ન પહેરો તો દંડ, સિટબેલ્ટ ન બાંધો તો દંડ, જ્યાં-ત્યાં થુકો તો દંડ… અરે ભાઈ અમે આ બધી ભૂલો સબબ વર્ષોથી દંડ ભરતા આવ્યા છીએ અને આગળ પણ તૈયાર છીએ. પરંતુ આટલા વર્ષોમાં કેટલા નેતાઓને આ પૈકીના દંડ થયા છે? કેટલી સરકારી ગાડીઓમાં અધિકારીઓએ સીટબેલ્ટ બાંધ્યા ન હોવાના દંડ થયા છે? કાળાકાંચ હોવાના કારણે કેટલા લાગવગિયાઓને દંડ થયા છે? લગભગ નહીં.

આપણાં દેશમાં કાયદાઓ અને નિયમો માત્રને માત્ર નાના અને નબળા માણસો માટે જ છે. રાજકીય નેતાઓ, અધિકારીઓ, મોટા મોટા ઉધોગપતિઓ શું ભારતના નાગરિકની વ્યાખ્યામાં નહીં આવતા હોય ? જો આવતા હોય તો પછી માસ્ક વગરના વ્યક્તિને કારણે કોરોના ફેલાયો હોવાના કોઈ પુરાવાઓ નથી પરંતુ પક્ષ પ્રમુખની રેલીને કારણે કેટલાય કાર્યકર્તાઓ સંકર્મિત થયા હોવાના તો પુરાવા પણ છે અને રેલીમાં ન જોડાયા હોય એવા અન્ય કેટલાય લોકોને પણ પછીથી સંક્રમિત કર્યા જ હશે. તો ભાઈ એમને કેમ કોઈ સજા/દંડ નહીં. શું આઈ.પી.સી. માં ક્યાય એવું લખ્યું છે કે, સત્તાધારી પક્ષને અપવાદરૂપ ગણવાનો ?

કેટલાક નિયમો અને સૂચનાઓ બિલકુલ તર્ક વગરની પણ ઘણી વખત જોવા મળે છે. જેમકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને એમના ધર્મપત્નીને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા અને માસ્ક પહેરેલું ન હોવાથી દંડ માંગવામાં આવ્યો. હવે, મને એ નથી સમજાતું કે એક જ ઘરમાં પોતાના પરિવારના સભ્યો એકબીજા સાથે માસ્ક પહેર્યા વગર રહે છે એ પોતાની અંગત કારમાં માસ્ક પહેર્યા વગર નીકળે તો એ નિયમભંગ થોડો કહેવાય? આ તો સેલિબ્રિટિ હતા એટ્લે સંકેલો થઈ ગયો. પરંતુ કેટલાય સામાન્ય માણસોના તો આવી જ રીતે બિલકુલ ખોટા દંડ થયા હશે જ.

હમણાં ન્યૂઝપેપરમાં એક સમાચાર વાંચીને સરકારી માણસોની બુદ્ધિ પર ખરેખર દયા આવી ગઈ. બહુચરાજીમાં એક ભાઈ સવારે ઊઠીને દાતણ કરતાં હતા એમની પાસેથી એક હજાર રૂપિયા દંડ લેવામાં આવ્યો. હદ થઈ ગઈ ભાઈ… હવે તો આ દંડની પ્રથા ખરેખર સરકારની આવકનો એક સ્ત્રોત હોય એવું લાગી રહ્યું છે. માસ્ક ક્યારે ક્યારે પહેરવું જોઈએ? ઓફિસ દરમિયાન સાથી કર્મચારીઓ સાથે કે વેપાર દરમિયાન ગ્રાહકો સાથે વાતચીત વખતે, જાહેર સ્થળોએ કે જ્યાં આપણા સિવાય અન્યોની પણ હાજરી હોય, લીફ્ટમાં આપણા સિવાય અન્ય વ્યક્તિઓ પણ સવાર હોય, બસ, ટ્રેન, વિમાનની મુસાફરીઓ સમયે વગેરે… સ્થળોએ માસ્ક પહેરવું જોઈએ એવું હું પણ માનું છું.

વધુ વાંચો: સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના નામ ખૂલી શકે ?

કોઈ માણસ એકલો જ બેઠો હોય કે એકલો જ પોતાની કાર ડ્રાઈવ કરી રહ્યો હોય, બગીચામાં પોતે એકલો જ હોય અને આજુબાજુ અન્ય કોઈ વ્યક્તિઓ ન હોય, મેદાનમાં કોઈ એકલો જ કસરત કરી રહ્યો હોય… આવા સમયે માસ્ક પહેરવું જ ન જોઈએ. કારણકે સતત માસ્ક પહેરવાથી આપણી લાઇફલાઇન ઑક્સીજન વાયુનો આપણને જરૂરી પુરવઠો મળતો બંધ થઈ જાય છે. સતત માસ્ક પહેરી રાખવાના પરિણામો ભોગવવા માટે પણ આગામી સમયમાં તૈયાર રહેવું પડશે.

મારૂ એવું સ્પષ્ટપણે માનવું છે કે, નિયમો બનાવનારે જ સૌથી પહેલા નિયમોનું પાલન કરવું જોઈએ. જે સરકારે નિયમ બનાવ્યો એમના જ પ્રમુખ સાહેબ માસ્ક પહેરે નહીં તો ચાલે ? એમના કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે નહીં તો ચાલે ? એમના નેતાઓ ભીડ વચ્ચે જાહેર માર્ગ પર ગરબા રમવા હિલોળે ચડે તે ચાલે ? સત્તાના જોરે કુદકા મારનારાઓ હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવે તો વાંધો નહીં અને આમ પબ્લિક પોતાના બાળકોના પ્રસંગોમાં પણ પચાસ જ માણસોને બોલાવી શકે!! જો સૂચનાનું પાલન કરે નહીં તો આઈ.પી.સી.-188 મુજબ ગુન્હો દાખલ થાય!! વાહ રે મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વાહ…. ખરેખર, મેરા દેશ બદલ રહા હૈ….

કેટલીક સરકારી કચેરીઓમાં બહાર બોર્ડ મારેલા હોય છે કે, બુટ-ચંપલ બહાર ઉતારીને જ પ્રવેશવું. અંદર જઈને જુઓ તો એ કચેરીમાં કામ કરનારાઓ તમામ બુટ-ચંપલ પહેરીને જ બેઠા હોય છે. અહી પણ નિયમ માત્ર આમ આદમી માટે જ. જો સ્ટાફને છૂટ હોય તો પછી આપણે શા માટે બુટ-ચંપલ ઉતારીને અંદર પ્રવેશવાનું ? આપણે પણ ગુલામી માનસિકતાથી પીડાતા હોવાના કારણે બુટ-ચંપલ બહાર કાઢીને અંદર જઈએ છીએ અને આ બાબતે પ્રશ્ન પણ ઉઠાવતા નથી. આપણને તો બસ આપણે ભલા અને આપણું કામ ભલું. યાદ રાખજો આવો સ્વભાવ ભવિષ્યની આવનારી પેઢીઓ માટે નુકસાનકારક સાબિત થશે. રસ્તા પર સાઇડમાં સફેદ પટ્ટાની અંદર વાહન ઊભું રાખવાનું નહીં.

નો-પાર્કિંગમાં વાહન ઊભું રાખ્યું તો ટોઇંગ કરીને લઈ જાય. મે તો મોટેભાગે સરકારી જીપ કે મોટા સાહેબોની ઇનોવા ગાડીઓને જાહેર માર્ગો પર જ પાર્ક થયેલી જોયેલી છે. વર્ષ 2011 નો મારો એક જાત અનુભવ છે. એ સમયે હું મામલતદાર તરીકે તાલીમમાં હતો અને રજામાં જુનાગઢ આવેલો. અહી કાળવાચોકમાં હું એક દુકાનમા મોબાઈલ રિપેરિંગના કામથી ગયો હતો. મારૂ બાઇક મે સફેદ પટ્ટાની નીચે જ રાખેલું. એટલામાં એક મહિલા પી.એસ.આઈ. આવ્યા અને સીધા જ ખીજાવા લાગ્યા કે આ બાઇક કોનું છે? આની પાવતી ફાડો.

એક કોન્સ્ટેબલ આવ્યા અને મારૂ નામ વગેરે પૂછવા લાગ્યા. મે કહ્યું કે, પાવતી ફાડશો નહીં. કારણકે અહી ક્યાય પાર્કિંગની સુવિધા નથી. મારૂ બાઇક સફેદ પટ્ટાની નીચે જ પાર્ક કરેલું છે. તો મને કહે કે ભાઈ દલીલ કરાય નહીં, મેડમે કીધું એટ્લે દંડ ભરી આપો. મેડમ બહુ કડક છે એવું પણ મને કહ્યું. મે મારૂ નામ લખાવ્યું અને સાથે એ પણ કહ્યું કે 50-100 રૂપિયા જે પણ દંડ થાય એ લઈ લ્યો. પરંતુ સામે તમારી પોલીસજીપ રસ્તા વચ્ચોવચ ઊભી છે એની પાવતી ફાડીને તમારા પી.એસ.આઈ. મેડમશ્રીને પણ પકડાવો.

આટલું સાંભળીને એણે પોતાના પી.એસ.આઈ ને બોલાવ્યા અને હું આવી દલીલો કરી છું એવું જણાવ્યુ. મેડમે આવીને પોતાના તેવરમાં મારૂ બાઇક ડીટેઇન કરવાનું કોન્સ્ટેબલને કહ્યું. એ સમયે મે મારો પરિચય આપીને કહ્યું કે હું મામલતદાર છું, બાઇક ઉપાડી જાવ તો વાંધો નથી પરંતુ તમારી રસ્તા પર પાર્ક કરેલ સરકારી જીપનો ફોટો પાડી લીધો છે. આ બાબતે ગૃહ વિભાગ સુધી રજૂઆતો થશે એ ધ્યાનમાં રાખજો. એટ્લે મને એવું કીધું કે, “સાહેબ, પહેલા કહેવું જોઈએ ને કે તમે મામલતદાર સાહેબ છો!” અને મારૂ બાઇક મૂકીને જતાં રહ્યા.

હવે વિચારવાનું એ છે કે, હું મામલતદાર ન હોત અને કોઈ સામાન્ય નોકરિયાત કે ધંધાર્થી હોત તો મારી શું હાલત થાત એની કલ્પના કરો. ખરેખર જો મારૂ બાઇક રસ્તા પર હોય તો એમણે હું મામલતદાર હોઉં, કલેક્ટર હોવ કે મિનિસ્ટર હોવ તો પણ મારો દંડ નિયમાનુસાર લેવો જ જોઈએ. એનાથી પણ એક સ્ટેપ આગળ હું એવું કહીશ કે, મારી ભૂલ હોય તો મારે ઓળખાણ આપ્યા વગર કે દલીલ કર્યા વગર દંડ ભરવો જોઈએ. મારૂ જોઈને અન્ય લોકોને પણ એવું થાય કે જો મામલતદાર દંડ ભરતો હોય તો આપણે પણ ભરવો જોઈએ. પરંતુ હાલમાં બનેલી ઘટનાઓ પરથી તો આપણને અલગ જ સબક શીખવા મળે છે.

વધુ વાંચો: ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીનામું આપે

ઘણા ધાર્મિક સ્થળોમાં પણ જોવા મળે છે કે, ઈશ્વરના દર્શન કરવા માટે લોકોને પ્રવેશવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ હોય છે. જેમકે, પુરુષ, સ્ત્રી, વી.આઈ.પી., વી.વી.આઈ.પી., વગેરે… હવે આવા સ્થળોએ જ્યારે આપણી જેવા કોઈ સામાન્ય વ્યક્તિઓ દર્શન કરવા જશે ત્યારે મુખ્ય દ્વારથી લાઇનમાં જ પ્રવેશવાનું રહેશે. પરંતુ જો કોઈ સરકારી અધિકારી, સેલિબ્રિટિ, રાજકારણીઓ કે એમના કોઈ સગા-સબંધીઓ દર્શનાર્થે આવશે ત્યારે એમને સ્પેશિયલ કેસમાં અલગ દરવાજેથી સીધા જ ઈશ્વરની મુર્તિ પાસે દર્શન કરવા લઈ જવામાં આવશે. આવા ભેદભાવ ઈશ્વર તો નથી કરતો. એના માટે એના તમામ સંતાનો એકસમાન છે. તો પછી આ ધાર્મિક સંસ્થાઓનો વહીવટ કરનારી સંસ્થાઓ દ્વારા શા માટે આવા ભેદભાવ રાખવામા આવે છે ? જોવાની ખૂબી એ છે કે આપણે ક્યારેય આ બાબતે વિરોધ પણ નથી કરતાં.

મામલતદાર કચેરીઓમાથી વર્ષે એવરેજ દરેક તાલુકામાંથી નીકળતા આવકના દાખલાઓ પૈકી 40% દાખલાઓ 60,000 થી ઓછી વાર્ષિક આવકના દાખલાઓ હોય છે. હવે તમે ગણતરી કરો તો મહિનાની આવક 5,000 રૂપિયા થઈ. એમાથી જો 1000 રૂપિયા દંડ સ્વરૂપે સરકારે લઈ લીધા તો પછી પેલા વ્યક્તિનું ઘર 4000 રૂપિયામાં ચાલી જશે ? ખૂબ જ તકલીફ પડશે. અચ્છા સરકારે કોઈ એવી સ્કીમ કાઢી છે કે, કોઈ સરકારી કચેરીઓમાથી લોકોને વિનામુલ્યે કે માત્ર ટોકન દરે માસ્ક મળશે ?

સામાન્ય રીતે બજારમાં એક માસ્ક 25-30 રૂપિયાનું મળે છે. એક પરિવારમાં એવરેજ પાંચ સભ્યો છે એમ માની લઈએ તો પણ મહિને 150 રૂપિયા તો માસ્ક ખરીદવામાં જતાં રહેવાના. 100-150 રૂપિયા સેનિટાઈઝર અને હાથ ધોવાનો સાબુ ખરીદવામાં જશે. સામે પક્ષે નોકરીમાથી કેટલાયને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. ધંધા-રોજગારમાં એવરેજ 70% નો માર પડ્યો છે. મજૂરી ઓછી થઈ ગઈ છે. સરકારી હેલ્થ સેન્ટરો અને દવાખાનાઓમાં લોકોને ધક્કા ખાવા પડે છે. ઓળખાણ અને લાગવગિયાઓના કામ પહેલા થાય છે.

હમણાંનો જ મારો એક જાત અનુભવ છે. મારા એક જાણીતા છોકરાને કોરોનાના લક્ષણો દેખાયા એટ્લે એ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે શનિવારે પહોંચી ગયો ટેસ્ટ કરાવવા. ત્યાં જઈને તેને ખ્યાલ આવ્યો જે શનિ-રવિ તો અહી રજા હોય છે. આથી તે હેલ્થ ઓફિસરના મોબાઈલ નંબર ઓનલાઈન શોધીને તેમનો સંપર્ક કરે છે તો જાણવા મળે છે કે, મેડિકલ ઓફિસરની સૂચના છે કે હવેથી શનિ-રવિમાં આપણે કામ નહીં કરવાનું. હવે સોમવારે આવજો એટ્લે તમારો ટેસ્ટ કરી આપીશું. હવે વિચારો કે, હાલના કોરોના કાળમાં તો મેડિકલ સારવાર અને ટેસ્ટિંગની સુવિધા રજાના દિવસોમાં પણ મળવી જ જોઈએ. તેમ છ્ત્તા આપણા ટેક્ષમાથી જેમના પગાર થાય છે એવા સરકારી પગારે નોકરી કરનારા અને જાહેર સેવકોની વ્યાખ્યામાં આવતા આ લોકો સત્તાના મદમાં આપણા જ મુશ્કેલીના સમયે કામમાં ન આવે એવા કામચોરોને આપણે કોરોના વોરિયર્સ કહેવા જોઈએ?

હવે મેડિકલ ઓફિસરને રજાના દિવસોમાં જો કોઈ રાજકીય નેતા કે કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ફોન કરે અને કોઇની સારવાર કે ટેસ્ટ કરવા માટે ફોર્સ કરે તો મિયાભાઈની મીંદડી બની જતાં હોય છે. નવાઈની વાત તો એ છે કે પબ્લિકના આવા કામો માટે ક્લાસ વન કક્ષાએ બેઠેલા આઈ.એ.એસ. અધિકારીઓ પણ રસ નથી લેતા. આપણે એમને સાહેબ-સાહેબ કહીને માનપાન આપીએ છીએ અને એ લોકો આપણને એમના પગની જૂતી સમજે છે. હવે સમય પાકી ગયો છે કે સરકારી નોકરિયાત કોઈપણ કક્ષાનો હોય એમને એમના નામથી જ સંબોધન કરવાનું. ‘સાહેબ’ શબ્દથી સંબોધન કરવાની જરૂર નથી. તો જ સાતમે આસમાને પહોંચી ગયેલા આ બ્યુરોક્રેટ્સ ધરતી પર પરત આવશે.

દેશમાં વધુમાં વધુ લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. પરંતુ દુ:ખ એ બાબતનું છે કે, હકીકતે જે વાસ્તવિક ચિત્ર જોવા મળે છે એ લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવું જોવા મળી રહ્યું છે.

વધુ વાંચો: જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (લેખાંક-1)

[:]