[:gj]પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો[:]

[:gj]શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે.

શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલને સ્પષ્ટ કહ્યું છે કે અમદાવાદ આજે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને કારણે ચિંતાજનક સ્થિતિમાં છે. અમદાવાદમાં જો પરીક્ષા લેવામાં આવશે તો કોરોના સંક્રમણના કેસો ચિંતાજનક રીતે વધી શકે તેમ છે. વિદ્યાર્થીઓને કોરોનાનું જોખમ વધી શકે છે.

રાજકોટ શહેરમાં અમદાવાદ કરતા ખુબ  જ ઓછા કેસ હોવા છંતા, પરીક્ષા રદ કરવામાં આવી છે. તો ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શા માટે રદ કરવામાં નથી આવતી? ત્યારે જો  પરીક્ષા લેવામાં આવી અને એક પણ વિદ્યાર્થીને કોરોના થયો કે જીવ જોખમમાં મુકાયો તો એનએસયુઆઇ કુલપતિ સામે ફરિયાદ નોંધાવશે.

બીજી તરફ વિદ્યાર્થીઓ પણ હવે યુનિવર્સિટી સામે બાંયો ચડાવી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રમાં કે અન્ય કોઇ જગ્યાએ ફસાયેલો વિદ્યાર્થી અમદાવાદ આવી શકે તેમ નથી તો રહેવા માટે કોઇ વ્યવસ્થા નથી. આવી બધી મુશ્કેલીઓ જોતા હાલમાં પરીક્ષા રદ કરવી તે એક માત્ર ઉપાય છે.

એબીવીપી દ્વારા આ અંગે કોઇ રજૂઆત કરવામાં ન આવતા હવે વિદ્યાર્થીઓએ એબીવીપી પર આરોપ મુક્યો છે કે તે ભાજપની જ પાંખ હોવાથી કુલપતિ જગદીશ ભાવસારને છાવરી રહી છે. આ મામલે આગામી દિવસોમાં આંદોલન તેજ બનવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.[:]