[:gj]ગોંડલ વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ[:]

[:gj]

ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતો કપાસનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલના દેરડી(કુંભાજી), પાટ ખિલોરી, ધરાળા, સહિતના અનેક ગામોમાં પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે.
એક બાજુ વધતા જતાં ખાતર બિયારણોનાં ભાવો અને બીજી તરફ ખેડૂતોએ મહેનત મંજરી કરીને ઉગાડેલા કપાસના પાકમાં પિયત આપવાનો સમય આવતા ભૂગર્ભ તળો ડૂકી જવાં પામ્યા છે. જેને લઈને ખેડૂતો કપાસના પાકને પિયત પણ આપી શકયા ન હોવાથી ખેડૂતોને કપાસનો પાક નિષ્ફળ જવાની સાથે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ મુરઝાતી મોલાતો વચ્ચે કપાસના પાકમાં મીલી બગનો રોગ જોવા મળતાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
કપાસનો પાક નિષ્ફળ જવા પાછળ ખેડૂતો સરકાર જવાબદાર હોવાનું જણાવી રહ્યાં છે. ડેમો ભરવાની વાતો કરતી  સરકારે વરસાદ ખેંચાયા બાદ નર્મદાના પાણીથી ચેકડેમો ભર્યા ન હોવાથી ભૂગર્ભ તળો ડૂકી જવાથી ખેડૂતો કપાસ, મગફળી જેવા પાકોને પિયત આપી શક્યા ન હોવાનું જણાવી રહ્યાં છે. તેમજ નિષ્ફળ ગયેલા પાકની સાથે રોષ વ્યક્ત કરતાં ખેડૂતો સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
ખેડૂતો અત્યારથી જ ડૂકી ગયેલા ભૂગર્ભ તળોની વચ્ચે રોષ વ્યક્ત કરતાંની સાથે પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવીને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે. ત્યારે આગામી દિવસો લોકોના પીવાના પાણી માટે કેવા હશે એ તો સમય જ બતાવશે.

[:]