[:gj]30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ૮૨,૦૦૦ લોકોને મોકલી દેવાશે[:]

[:gj]ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુ.પી., બિહાર, ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે. માત્ર ચાર દિવસમાં ૩૦થી વધુ ટ્રેનો સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી રવાના થઇ છે. જેના દ્વારા ૪૬ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે.

બુધવારે વધારાની બીજી 30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમિકો પોતાના વતન પહોંચશે. શ્રમિકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્રને સહયોગ આપવાની જ જરૂર છે. અત્યાર સુધીમાં રેલવે, બસ દ્વારા કુલ ૩.૨૫ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન જવા રવાના કરી દેવાયા છે.

ખાસ પ્રકારની વિશેષ રેલ વ્યવસ્થા ગોઠવાય છે એટલે એનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી ચાલશે અને જરૂર જણાશે તો વ્યવસ્થા લંબાવીને પણ તમામને પોતાના વતન પહોંચાડવામાં આવશે.

સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. જેમાં ઓડીશા, યુ.પી. અને ઝારખંડ સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરાઈ રહી છે એટલે શ્રમિકોએ પૂરતો સહયોગ આપવો. શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા સામેથી ફોન, મેસેજ કે સમાજના અગ્રણીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે એ જ સમયે આપને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. ટોળા ભેગા કરીને રોડ પર આવવાથી કોઈ ફાયદો થવાનો નથી માત્રને માત્ર આપે સંયમ રાખવાની જરૂર છે

અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા કે અન્ય કારણોસર ફસાઈ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરત આવવા ઈચ્છુક ગુજરાતીઓએ જે તે દેશના ઇન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે. એટલું જ નહિ, ફ્લાઇટની ટિકિટ પ્રવાસીએ સ્વખર્ચે ખરીદવાની રહેશે.

૭મી મેથી વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી શરૂ થશે જેમાં, ફિલિપાઇન્સથી ૨૫૦ મુસાફરો, અમેરિકાથી ૬૦૦ મુસાફરો, સિંગાપુરથી ૨૫૦ મુસાફરો, યુકેથી ૨૫૦ મુસાફરો અને કુવૈતથી ૨૦૦ મુસાફરોને ભારત લવાશે. આ પરત આવનાર તમામ મુસાફરોની ખાસ તબીબી તપાસ કરવામાં આવશે.

અભિયાનના સંચાલનની જવાબદારી પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને સોંપવામાં આવી છે

સુરત કલેકટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરીના માધ્યમથી પરત ફરવા છૂટછાટ અપાશે. સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્નકલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા ખાસ એસ.ટી. બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે.

તારીખ ૭ મેથી APL-1 કાર્ડના ૬૧ લાખ જેટલા લોકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા દાળ વિનામૂલ્યે આપવામાં આવશે. જે APL-1 કાર્ડનો છેલ્લો આંક ૧ અથવા ૨ હોય એવા કાર્ડધારકોને આવતીકાલે વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે.

 [:]