[:gj]શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?[:]

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

[:gj]પ્રો. હેમન્તકુમાર શાહ

મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે.

અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજારો છે તે એ તોડવા માંગે છે અને ખેતપેદાશોના ભાવ માટે બજારનાં માંગ અને પુરવઠાનાં પરિબળો પર વધુ આધાર રાખવા માંગે છે. આમ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પર શક્ય તેટલાં નિયંત્રણો ઓછાં કરવા માટે આ પગલાં લેવાયાં છે અને નિયંત્રણો ઓછાં થશે તો ખેડૂતોને પણ લાભ થશે એવી ધારણા તેમાં કામ કરે છે.

આમ, ઉદારીકરણની જે નીતિ 1991 પછી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અપનાવવામાં આવી હતી અને અત્યારે પણ અપનાવવામાં આવી રહી છે તે હવે ખેતી ક્ષેત્રે અપનાવવામાં આવી રહી છે. એવું નથી કે ખેતપેદાશોનું બજાર મુક્ત કરવા માટે 1991 પછી એટલે કે છેલ્લાં ૩૦ વર્ષમાં કશું થયું નથી પણ તા.05-06-2020ના રોજ જે ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા તે ખેતી ક્ષેત્રે ઘણા મોટા ફેરફારો લાવે છે. એમાંના એક વટહુકમ વિષે આજે વાત કરીએ:

ખેતપેદાશ વ્યાપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સરલીકરણ) વટહુકમ

આ વટહુકમ દેશમાં ખેતપેદાશોના વ્યાપાર ઉપર જે નિયંત્રણો હતાં તે દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાયદો પહેલી જ વાર કરવામાં આવ્યો છે. આ વટહુકમને લીધે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ ભવિષ્યમાં નહિ મળે અને APMC પણ ખતમ થઈ જશે એમ માનવામાં આવે છે. આ વટહુકમના ઉદ્દેશો તેમાં જણાવાયા અનુસાર નીચે મુજબ છે:

  1. ખેડૂતો અને વેપારીઓ ખેતપેદાશોનાં ખરીદ-વેચાણ અંગે મુક્ત પસંદગી કરી શકે.
  2. સ્પર્ધાત્મક વૈકલ્પિક વ્યાપાર વ્યવસ્થા દ્વારા ખેડૂતોને ખેતપેદાશના વળતરજન્ય ભાવ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી.
  3. રાજ્યની અંદર અને રાજ્યો વચ્ચેના વેપાર આડે જે અવરોધો છે તે દૂર કરીને કાર્યક્ષમ, પારદર્શી અને અવરોધમુક્ત વ્યાપાર વ્યવસ્થા APMC અને તે પ્રકારનાં બજારોની બહાર ઊભી કરવી.
  4. e-વ્યાપાર માટેનું સરળ માળખું પૂરું પાડવું.

આ વટહુકમમાં કરવામાં આવેલી જોગવાઈઓ અને તેના સૂચિતાર્થો નીચે મુજબ છે:

  • શાને લાગુ પડે છે:
    • તમામ કુદરતી રીતે ઉત્પન્ન થયેલી કે પ્રક્રિયાગત ખેતપેદાશો, માછીમારીની પેદાશો, મરઘાંબતકાં ઉછેરની કે ડુક્કર કે બકરી ઉછેરની પેદાશો, ડેરી પેદાશો અને ઘાસચારો તથા કપાસ, રૂ, કપાસિયા અને કાચા શણના વ્યાપારને અને રાજ્યોની APMCના કાયદા હેઠળની પેદાશોને આ વટહુકમ લાગુ પડે છે.
    • ટીકા: આમ, આ વટહુકમ દેશના અર્થતંત્રના લગભગ સમગ્ર પ્રાથમિક ક્ષેત્રને લાગુ પડે છે તેમ કહી શકાય. ભારતના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી પણ છે અને તેમાં આશરે 47 ટકા લોકોને રોજગારી મળે છે. ખેતી આશરે 1૩ ટકાનો અને પ્રાથમિક ક્ષેત્ર બધું મળીને 18 ટકાનો ફાળો દેશનો જીડીપીમાં આપે છે. દેશમાં આશરે ખેડૂતો આશરે 12 કરોડ છે અને 18 કરોડ ખેત મજૂરો છે. એટલે આ વટહુકમ સાથે તેમનું ભાવિ જોડાયેલું છે.
  • સ્વતંત્રતા:
    • કોઈ પણ ખેડૂત કે વેપારી કે e-વેપાર કે ખેતપેદાશ માટેના વેપારના કોઈ પણ પ્લેટફોર્મને રાજ્યની અંદર કે રાજ્યો વચ્ચે વેપાર કરવાની સ્વતંત્રતા રહેશે. આ વેપાર કોઈ પણ ખેતર, કોલ્ડ સ્ટોરેજ, કારખાનું, વખાર, ઘાસચારાની સંગ્રહ વ્યવસ્થા કે એવી બીજી કોઈ પણ જગ્યાએ થઈ શકશે.
    • પણ APMCના કાયદા હેઠળના માર્કેટ યાર્ડ કે પેટા યાર્ડ કે ખાનગી યાર્ડ વગેરેનો સમાવેશ આમાં થતો નથી. વેપારી કોઈ પણ હેતુ માટે અને કોઈને પણ ખેતપેદાશ વેચવા માટે ખેડૂતો પાસેથી ખેતપેદાશની ખરીદી કરી શકે છે. જો કે, એવા દરેક વેપારી પાસે પાન કાર્ડ હોવું અનિવાર્ય છે. આને પરિણામે ખરીદનારા વેપારીઓ વચ્ચે હરીફાઈ થશે એવી આશા રાખવામાં આવે છે.
    • ટીકા: અત્યારે ખેડૂતો ખેતપેદાશ વેચનારા હોવા છતાં પણ તેના ભાવ તેઓ નક્કી કરી શકતા નથી. એનું કારણ એ છે કે APMCના વેપારીઓ લગભગ અલ્પહસ્તક ઈજારાની જેમ વર્તે છે અને બાકીના ખેતપેદાશના ખરીદનારા લોકો નજીકમાં હોતા નથી. આ વટહુકમથી ખેતીનો માલ ખરીદનારા વેપારીઓ વચ્ચે હરીફાઈ થશે તો ખેડૂતોને લાભ થશે એમ કહેવામાં આવે છે.
    • આમ, APMCમાં ખરીદનાર વેપારીઓનો જે કહેવાતો ઈજારો હતો તે હવે નાશ પામશે. મુદ્દો એ છે કે ખેડૂતો બીજે પણ માલ વેચી જ શકતા હતા. હવે ખરીદનાર નાની કે મોટી કંપનીઓ આવશે અને હરીફાઈ જામશે.
  • વેપારીની નોંધણી અને ખેડૂતને ચુકવણી:
    • જો કેન્દ્ર સરકારને જરૂરી લાગે તો વેપારીની નોંધણી કરશે અને ખેડૂતને ચુકવણીની વ્યવસ્થા નક્કી કરશે. વેપારીએ ખેતપેદાશની ખરીદી કરે તે જ દિવસે અથવા ત્રણ દિવસમાં ખેડૂતને ચુકવણી કરવાની રહેશે. જો કે, ખેડૂતોની કંપની કે મંડળી હશે તો ચુકવણીની રીત કેન્દ્ર સરકાર નક્કી કરશે તે હશે. ખેડૂતોને પોતાના માલના તરત જ પૈસા મળી જવાની સંભાવના વધે છે, જ્યાં પણ ઉધારી ચાલતી હશે તે બંધ થઈ જશે.
  • નિયમો:
    • e-વેપાર કે ખેતપેદાશ માટેના વેપારના કોઈ પણ પ્લેટફોર્મ અંગેના નિયમો કેન્દ્ર સરકાર નક્કી કરી શકશે. કેન્દ્ર સરકાર કે તેની કોઈ પણ સંસ્થા ખેતપેદાશોના ભાવો અંગે માહિતી આપવા અંગેની વ્યવસ્થા કરી શકે છે. ભાવો અંગેની માહિતી જેટલી વધુ ફેલાશે તેટલો ખેડૂતોને વધુ લાભ થશે.
    • ટીકા: 2016નો નીતિ આયોગનો એક અહેવાલ એમ કહે છે કે ગુજરાતમાં માત્ર 33 ટકા ખેડૂતોને જ સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભવ જાહેર કરાય છે તેની ખબર પડે છે. સવાલ એ છે કે ગુજરાત સરકારે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવની જાણકારી મળે તેને માટે શું પગલાં લીધાં? રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ કર્યા અને તેમાં ખેતી અંગેનું સાહિત્ય પણ વહેંચ્યું પણ તેમાં લઘુતમ ટેકાના ભાવની માહિતી નહોતી!!
  • ફી:
    • APMC કાયદા અનુસારના યાર્ડની બહાર થયેલા ખેતપેદાશોના વેપાર ઉપર ખેડૂત કે વેપારી પર કોઈ પણ ફી, સેસ કે લેવી લાગશે નહિ. તેને પરિણામે વસ્તુઓના ભાવ ઘટે એમ બને અને તેથી ગ્રાહકોને લાભ થશે.
    • ટીકા: સવાલ એ છે કે કેટલો માલ APMCમાં વેચાય છે અને કેટલો માલ APMCની બહાર વેચાય છે. વળી, જે કમિશન એજન્ટો APMCમાં છે તેઓ જો વેપાર કરે તોફી લાગે અને APMCની બહાર ખેડૂતો પેદાશો વેચે તેની પર ફી ના લાગે તો APMCનો મૃત્યુ ઘંટ શો ટકા વાગે. આજે નહિ તો કાલે એવું બન્યા વિના રહે નહિ. એવું ના થાય તે માટે APMCની ફી રદ કરવી પડે. અને બધી APMCને તે સિવાયના વેપારની સમકક્ષ મૂકવી પડે. તે માટે રાજ્ય સરકારોએ જ પહેલ કરવી પડે તેમ છે.
  • સમાધાનથી વિવાદનો ઉકેલ:
    • ખેડૂત અને ખરીદનાર વેપારી કે કંપની કે બીજા કોઈ વચ્ચે થયેલા સોદા અંગે જો કોઈ વિવાદ ઊભો થાય તો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અરજી કરીને સમાધાન દ્વારા ઉકેલ આવી શકે છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેને માટે બોર્ડ નીમશે. આ બોર્ડમાં એક અધ્યક્ષ અને બેથી ચાર સભ્યો હશે.
    • બોર્ડમાં બંને પક્ષના સરખા સભ્યો હશે અને તેમની સલાહથી જ તે સભ્યોની નિમણૂક બોર્ડમાં થશે. પક્ષકારોએ સાત દિવસમાં જ પોતાની વ્યક્તિના નામની ભલામણ કરવાની રહેશે. બોર્ડમાં જો સમાધાન થાય તો તેના પર બંને પક્ષકારોએ સહી કરવાની રહેશે અને તે બંનેને બંધનકર્તા રહેશે.
    • જો 30 દિવસમાં બોર્ડમાં સમાધાન ના થાય તો પક્ષકારો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે. તેઓ ૩૦ દિવસમાં ચુકાદો આપશે. આ ચુકાદામાં બાકી રકમની વસૂલાત હોઈ શકે છે, અથવા તેઓ દંડ લાદી શકે છે અથવા વેપારી પર વેપાર કરવા પર નિયંત્રણ લાદી શકે છે.
    • ટીકા: આ વ્યવસ્થા જોરદાર છે. પણ કયો બે એકર કે પાંચ એકરવાળો ખેડૂત, ભાઈ કે બહેન, આ કાનૂની ઉકેલ લેવા જઈ શકે? મોટી બીક આ જ છે. તે એ છે કે જો માલ ખરીદનાર કંપનીઓ કે વેપારીઓ APMCની બહારથી આવશે તો અને જો ખેડૂતને પૂરતા ભાવ નહિ મળે તો શું? વાળી, જો APMCનાં વેપારીઓનો ખેતીનો માલ ખરીદવામાં ઈજારો હતો એમ માંની લઈએ તો શું નવી ખરીદાર કંપનીઓ કાર્ટેલ નહિ રચે અને ખેડૂતોને નીચા ભાવ નહિ જ આપે તેની ખાતરી શું?
  • વધુ અપીલથી વિવાદનો ઉકેલ:
    • સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટથી પણ ઉકેલ ના આવે તો કલેક્ટર કે અધિક કલેકટર અપીલ સત્તામંડળ તરીકે કમ કરશે અને તેઓ ૩૦ દિવસમાં ચુકાદો આપશે. આ તમામ ચુકાદા દીવાની અદાલતના ચુકાદા સમકક્ષ ગણાશે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અત્ત્યંત વ્યસ્ત લોકો છે. જેમ કે, ગુજરાતમાં કલેક્ટર આશરે 80થી વધુ સમિતિઓના અધ્યક્ષ છે ત્યારે તેઓ આ કામ માટે કેવી રીતે સમય ફાળવી શકશે?
  • APMC અને કમિશન એજન્ટો:
    • APMC રાજ્યોના કાયદા હેઠળ ચાલે છે. ગુજરાતમાં 2019માં 224 APMC છે, તેમનાં 214 મુખ્ય માર્કેટ યાર્ડ છે અને ૧૮૩ પેટા યાર્ડ છે. દેશભરમાં 2477 મુખ્ય માર્કેટ યાર્ડ છે અને 4843 પેટા યાર્ડ છે. APMCમાં જે ફી ઉઘરાવવામાં આવે છે તેમાંથી રાજ્ય સરકારને આવક થાય છે.
    • હવે જેટલા પ્રમાણમાં ખેડૂતો માર્કેટ યાર્ડની બહાર વસ્તુઓ વેચશે તેટલા પ્રમાણમાં રાજ્યોની આવક ઘટશે. વળી, જે કમિશન એજન્ટ છે તેઓ પણ તેમની આવક ગુમાવશે. કાયદાનો વિરોધ કરવામાં તેમને રસ હોય તે બહુ જ સ્વાભાવિક છે.
    • APMCના મોટા ભાગના વેપારીઓ કમિશન એજન્ટ હોય છે અને જો ખેડૂતો બાકીના ખુલ્લા બજારમાં વસ્તુઓ વેચશે તો તેમની કમાણી પર બ્રેક લાગશે. આમ જુઓ તો વાસ્તવમાં ખેડૂતોનો માલ ખરીદનારાઓમાં હરીફાઈ ઊભી થશે અને તેમને ખેડૂતોને વધુ ભાવ આપવાની ફરજ પડે એમ પણ બને.
  • સમવાયતંત્ર:
    • રાજ્યોને APMCની ફીમાંથી જે આવક થાય છે તે આ કાયદાથી જઈ શકે છે. તેમ છતાં આ કાયદા અંગે રાજ્યોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો હોય તેવું નથી. એક બાજુ સહકારી સમવાયવાદ (cooperative federalism)નાં ગાણાં ગાવામાં આવે છે અને બીજી બાજુ રાજ્યોને તેમને સ્પર્શતા વિષયો વિષે પૂછવામાં પણ આવતું નથી.
    • આમ જુઓ તો બંધારણની અનુસૂચિ-7 અનુસાર ખેતપેદાશોનું ખરીદ-વેચાણ એ રાજ્યોનો વિષય છે. એટલે આ વટહુકમ મૂળભૂત રીતે તો સમવાયતંત્ર ઉપર જ ઘા કરે છે એમ કહી શકાય.
  • વિદેશી કંપનીઓનું વર્ચસ્વ?:
    • ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનું કામકાજ 2025 સુધીમાં આશરે 40 લાખ કરોડ રૂ.નું થશે એવો અંદાજ છે. આ ક્ષેત્રે 39,748 એકમો છે અને તેઓ 18 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. હવે ભારત સરકારે આ ક્ષેત્રે 100 ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂર આપી છે.
    • તેથી એમાં વિદેશી કંપનીઓ આવી શકે છે. આ બધી દેશી-વિદેશી કંપનીઓ ખેડૂતો પાસેથી સસ્તામાં માલ પડાવી ના લે તેની કાળજી રાખવાની અત્યારે તો કોઈ વ્યવસ્થા નથી એટલું જ નહિ, પણ આ કાયદામાં તેને વિષે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
    • મોદી સરકારે જ 2016માં આ ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણ આવે તે માટેના માર્ગ મોકળા કરી નાખ્યા છે અને વિદેશી રોકાણ આ ક્ષેત્રે ખૂબ વધી રહ્યું છે. 2017-18માં આ જ ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણમાં 24 ટકાનો ઉછાળો આવ્યો હતો. એમેઝોન સહિતની કંપનીઓ ભારતમાં આ ક્ષેત્રે પ્રવેશી ચૂકી છે.
    • જો કે, તે વખતે ભારતને આત્મનિર્ભર બનાવવાનું વિચાર નરેન્દ્ર મોદીને આવ્યો નહિ હોય. જોઈએ હવે તેઓ શું કરે છે. એવી દહેશત દર્શાવવામાં આવે છે કે મોદી સરકાર આ કાયદો વિદેશી કંપનીઓને લાભ કરી આપવા માટે જ લાવી છે, APMC ખતમ થાય તો ભલે થાય. યુરોપ અને અમેરિકાની દસ મોટી કંપનીઓ આ ક્ષેત્રે દુનિયાભરમાં રાજ કરે છે એ એક હકીકત છે.
    • ઓક્સફામ દ્વારા 2013માં બહાર પડાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે દસ મોટી કંપનીઓ ખોરાકની પસંદગી, પુરવઠાની સ્થિતિ અને ગ્રાહકો માટે ખોરાકની વિવિધતા ઉપર અંકુશ ધરાવે છે અને એ ઈર્તે તેઓ પર્યાવરણને પણ વિપરીત અસર કરે છે.
    • મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ બિયારણ, ખાતર, જંતુનાશકો, ખેતપેદાશોનું ખરીદ-વેચાણ, પ્રોસેસિંગ અને આંતરાષ્ટ્રીય વ્યાપાર પર એકસાથે અંકુશ ધરાવે છે એ એક પણ હકીકત છે. જો ખરેખર આત્મનિર્ભર બનવું હોય તો તેના રસ્તા શોધવા રહ્યા. વિદેશી મૂડીરોકાણ આ ક્ષેત્રે આવે તો આત્મનિર્ભર તો ના જ થવાય, પરોક્ષ રીતે વધુ ગુલામ થવાય.
  • લઘુતમ ટેકાના ભાવ:
    • આ વટહુકમને પરિણામે લઘુતમ ટેકાના ભાવ(MSP)થી જે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે તેનો જ અંત તત્કાલ નહિ તો ધીરે ધીરે આવી શકે છે એવો ડર ઊભો થઈ રહ્યો છે. આ ડર વધુ પડતો છે. એનું કારણ એ છે કે આ કાયદામાં ક્યાંય એમ લખવામાં આવ્યું નથી કે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવામાં નહિ આવે અને સરકાર દ્વારા એ ભાવે ખરીદી કરવામાં નહિ આવે.
    • એટલે આ ડર રાખવાની જરૂર નથી એમ લાગે છે. પ્રશ્ન એ છે કે ખેડૂતોને પૂરતા વળતરજન્ય ભાવ મળે. APMCની વ્યવસ્થા દાયકાઓથી ચાલે છે અને તે એવા ભાવ ખેડૂતોને આપવામાં નિષ્ફળ ગઈ હોય તો નવી વ્યવસ્થાનો પ્રયોગ કરવામાં કોઈ વાંધો ના હોઈ શકે.
    • મોદી સરકારે જે શાંતાકુમાર સમિતિ નીમી હતી તેણે 2015માં એમ કહ્યું હતું કે દેશમાં માત્ર 6 ટકા ખેડૂતોને જ લઘુતમ ટેકાનો ભાવ મળે છે. આ સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે અને કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકારોએ તેને માટે સઘન પગલાં લેવાની જરૂર છે.

[:]