ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન્ટ ઘટીને ૧૯૨૪ પોઈન્ટ મુકાયો હતો. અલબત્ત, છેલ્લા પાંચ સપ્તાહથી ઘટતા આ ઇન્ડેક્સમાં ગત સપ્તાહે પહેલી સાપ્તાહિક વૃદ્ધિ જોવા મળી હતી. ખરાબ હવામાન અને જહાજોના વાર્ષિક મેન્ટેનન્સને લીધે જહાજોની સંખ્યા ઘટી જવા ઉપરાંત પેસિફિક મહાસાગર વિસ્તારમાં કોલસો અને આયર્ન ઓર માટેના જહાજોની માંગમાં મોટો વધારો થયો છે.
આ બધી ઘટનાની નોંધ લઈને શીપબ્રોકર ફીર્નલીઝ એક નોંધમાં કહે છે કેપ્સાઈઝ જહાજી ક્ષેત્ર માટે સ્પષ્ટ પણે ઉજળી તકો સર્જિત થઇ છે. શીપીંગ એનાલીસ્ટો કહે છે કે ચીનની સપ્તાહ લાંબી રજાઓ પછી ખુલેલી નુર બજારમાં માંગ વૃદ્ધિ એ હકારાત્મક ઘટના છે. બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સે બાવન સપ્તાહમાં ૫૯૫ પોઈન્ટની બોટમ અને ૨૫૧૮ પોઈન્ટની હાઈ બનાવી છે. અમેરીકાએ ચીનની આગેવાન શીપીંગ કંપની કોસકો પર વેપાર પ્રતિબંધ મુક્યા પછી ઓઈલ પરિવહન માટેના ચાર્ટર સુપર ટેન્કરોના નુર, પુરવઠા અછતની નાગચુડમાં આવી ગયા છે. અન્ય જહાજો વળી નવી સલ્ફર એમીશન કંટ્રોલ કીટ લગાડવા ડ્રાય ડોકમાં પ્રવેશ્યા છે, તેને લીધે પણ બજારમાં જહાજોની અછત નિર્માણ થઇ છે.
ન્યુયોર્ક સ્થિત શીપ બ્રોકર પેઢી પોતેન એન્ડ પાર્ટનર્સ કહે છે કે છેલ્લા બે જ સપ્તાહમાં ચીન અને ગલ્ફનાં દેશો વચ્ચે વહન કરતા વ્યાપક મોટા ઓઈલ કેરિયર ટેન્કરોના નુર ૩૦૦ ટકા વધીને દૈનિક સરેરાશ ૧.૪૦ લાખ ડોલરની ઉંચાઈએ પહોચી ગયા છે. એક સપ્તાહ અગાઉ ઈરાનની ઓઈલ ફેસીલીટીથી ઓઈલનું શીપીંગ કરનાર ચીનની સૌથી મોટી જહાજી કંપની કોસકો પર અમેરિકાનો પ્રતિબંધ આવી જતા ૨૦ લાખ બેરલ ઓઈલ શીપીંગ કરતા મોટા જહાજોની અછતને પગલે શીપ બ્રોકરોને નવા જહાજો મેળવતા નાકે દમ આવી ગયો છે. બરાબર આ જ સમયે શીપીંગ ફ્યુઅલ તરીકે વપરાતા સલ્ફર તત્વવાળા ધુમાડાનાં નિયંત્રણ માટે નવા કડક પરીયાવર્ણ કાયદાના અમલ હેતુથી ૬૦ કરતા વધુ સુપર ટેન્કર રીટ્રોફીટેડ ધુમાદીયા બેસાડવા ડ્રાય ડોકમાં જતા રહેતા બજારમાં માલવાહક જહાજી પુરવઠા અછત નિર્માણ થઇ છે.
ટ્રેડરો અને એનાલીસ્ટો કહે છે કે આ બે કારણોસર વિશ્વના અસંખ્ય સક્રિય સુપર ટેન્કરો બજારમાંથી અદ્રશ્ય થયા છે. આ જ કારણ છે મોટી ઓઈલ કંપની, આયર્ન ઓર અને કોલસા ઉત્પાદકોની સમસ્યા પારાવાર વધી ગઈ છે. કેપ્સાઈઝ ઇન્ડેક્સ શુક્રવારે ૨૯ પોઈન્ટ ઘટીને ૩૨૯૦ પોઈન્ટ થયો પરંતુ બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ સપ્તાહમાં પહેલી વખત સાપ્તાહિક વૃદ્ધિ દાખવતો હતો. નૂરમાં વૃદ્ધિને પગલે મોટી જહાજી કંપનીના શેર ભાવ પણ વધ્યા હતા. ૧.૭થી ૧.૮ લાખ ટન આયર્ન ઓર કે કોલસા જેવી બલ્ક કોમોડીટીનું વહન કરતા કેપ્સાઈઝ જહાજનું નુર શુક્રવારે દૈનિક સરેરાશ ૨૬૫ ડોલર ઘટી ૨૬,૩૮૨ ડોલર રહ્યું હતું.
પાનામેક્સ ઇન્ડેક્સ સતત છઠ્ઠા દિવસે ૧૭ પોઈન્ટ વધી ૧૯૧૬૧ પોઈન્ટ થયો હતો. બજારમાં ટ્રેડરોને એ વાતનો ભય છે કે, જો હું આજે ટેન્કર કે જહાજ બુક નહિ કરું તો આવતીકાલે મારે વધારાનાં ૪૦,૦૦૦ ડોલર જેટલું નુર ચૂકવવાનું આવશે. ઓઈલ ટ્રેડરો તો ત્યાં સુધી કહે છે કે જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં નવા મેરીટાઈમ શીપીંગ નિયમોનો અમલ પૂરો કરી દેવાનો હોવાથી કેટલાંક શીપ માલિકો ક્લીનર મરીન ડીઝલનો સ્ટોક કવર કરવા માટે પણ જહાજની માંગ વધારવા લાગ્યા છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English