પરપ્રાંતિય લોકો પર હુમલા કરીને અલ્પેશ ઠાકોરે બધું જ ગુમાવી દીધું છે. ભાજપે જે રીતે સમગ્ર દેશમાં અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસને પ્રદેશવાદના મુદ્દે બદનામ કરી તેથી હવે ભાજપે પણ અલ્પેશ ઠાકોર માટે પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે. તેની સાથે કોંગ્રેસ પણ હવે આ ભડકીલા નેતાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. khabarchhe.com દ્વારા પ્રથમ વખત લખાયું હતું કે અલ્પેશ ઠાકોર હવે શંકરસિંહના રસ્તે છે. એવું જ થયું છે. કોંગ્રેસની ઈમેજ સમગ્ર દેશમાં ખરાબ કરી અને ભાજપે હવે તેના પ્રવેશ માટેના દરવાજા બંધ કરી દીધા છે. તેથી અલ્પેશ હાલ એકલવાયું જીવન જીવીને અફસોસ વ્યક્ત કરતો હોય તેમ ભૂગર્ભમાં જતું રહેવું પડ્યું છે.
ગુજરાતમાં પરપ્રાંતીઓ પરના હુમલા બાદ અલ્પેશ ઠાકોર સામે ઉશ્કેરણીના ગંભીર આક્ષેપો થયા હતા. આ ઘટનાક્રમ બાદ બિહાર કોંગ્રેસે હવે અલ્પેશ ઠાકોરનું પત્તું કાપ્યું છે. બિહારના કોંગ્રેસના પ્રભારી તરીકે ગુજરાત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે. તેમણે હવે અલ્પેશ માટે પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવવો પડ્યો છે. કારણ કે અલ્પેશનો ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરને તેની સેના બંધ કરી દેવાનું કહેશે અને તે વાત ઠાકોર માનશે નહીં અને આખરે તેમને કોંગ્રેસ છોડી દેવાનો વારો આવી શકે તેમ છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ આમેય અલ્પેશથી દૂર રહેતાં હતા. તેમાં પરપ્રાંતિઓના બહિષ્કારનો મામલો બહાર આવતાં હવે બિહાર કોંગ્રેસે અપર કાસ્ટના મતો અંકે કરવા માટે આગામી 21મી ઓક્ટોબરે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં અલ્પેશને આમંત્રણ આપવાનું ટાળ્યું છે. અલ્પેશ બિહાર કોંગ્રેસના સહપ્રભારી છે તેમ છતાં બિહાર કોંગ્રેસે અલ્પેશથી અંતર રાખ્યું છે. શક્તિસિંહ ગોહિલ આમેય પહેલેથી અલ્પેશથી અંતર રાખતાં હતા. કારણ કે જે રીતે અલ્પેશ ઝડપથી અગળ વધતો હતો તે ગોહિલને નુકશાન થઈ શકે તેમ હતું. હવે તેઓ બિહારના પ્રભારી છે ત્યારે તેમણે અલ્પેશ ઠાકોરને દૂર ફેંકી દેવાનું કામ કર્યું છે.
માત્ર બિહાર જ નહીં પણ અન્ય તમામ રાજ્યો અલ્પેશથી અંતર રાખી રહ્યા છે. તેમની જાહેર સભા માટે જે કાર્યક્રમ નક્કી કરાયો હતો તે રદ કરી દેવામાં આવ્યો છે. હવે તેમના સ્થાને જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ જેવા પીઢ નેતાઓનો ઉપયોગ કરવા અંગે વિચાર કરી શકે છે. તેમની સંયુક્ત સભા ગોઠવી શકે છે.
માત્ર કોંગ્રેસ જ તેને મનાવવામાં સફળ રહી નથી એવું નથી તેમના પિતા ખોડાજી ઠાકોર અને તેમના પત્નિ કિરણ ઠાકોર અને પુત્રો ઉત્સવ અને અભય પણ અલ્પેશને મનાવવામાં સફળ થયા નથી.
કોંગ્રેસે તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દીધા છે પણ તેમની હવે અવહેલના કરવાનું શરૂ કર્યું છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને જ્યારે અલ્પેશ ઠાકોરે પડકાર આપવાનું શરૂ કર્યું ત્યારથી જ તેમને બાજુ પર રાખવાનું શરૂ કર્યું હતું. આ બન્ને નેતા જાણતાં હતા કે વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરથી એક પણ બેઠક કોંગ્રેસની વધી નથી. ઠાકોર અને ઓબીસી મતોનું ધોવાણ થયું છે ત્યારથી જ તેમની અવહેલના શરૂ થઈ હતી. હવે પરપ્રાંતિઓમાં તેણે જે અણઆવડત બતાવી છે તે પક્ષને રાજકીય રીતે ભારે નુકશાન કરી રહી હોવાનું હવે પક્ષને લાગી રહ્યું છે. સામે પક્ષે ભાજપને પણ આવું જ લાગી રહ્યું છે. તેથી તેમને ભાજપ પ્રવેશના દરવાજા બંધ થઈ ગયા છે. હવે શંકરસિંહ એનસીપીમાં જઈ રહ્યાં છે ત્યારે અલ્પેશ માટે તે દ્વાર ખુલી શકે છે. પણ અલ્પેશ ઠાકોરે સંકરસિંહને પણ ગણકાર્યા નથી તેથી તેની સાથે બનશે કે કેમ તે એક પ્રશ્ન છે.
ગુજરાતી
English




