કોંગ્રેસમાંથી બહાર થઇ ગયેલા રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો તેમના જ સમાજમાં વિરોધ વધી રહ્યો છે. ધારાસભ્ય બન્યાં પછી તેઓ સમાજના કાર્યક્રમોમાં હાજરી નથી આપતા તેવા આરોપ લાગી રહ્યાં છે. બનાસકાંઠાના લખાણીના પ્રમુખ ધુખાજી ઠાકોરની દીકરીનાં લગ્નનું તેમને આમંત્રણ અપાયું છે અને તેઓ આ પ્રસંગમાં હાજરી નહીં આપે તો પાંચ હજાર જેટલા ઠાકોર સેનાનાં કાર્યકર્તાઓ રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઠાકોરનો વિરોધ શરૂ થયો છે. અગાઉ ઠાકોર સેનાના નામ પર રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર સામે લોકસભા ચૂંટણી વખતે જ વિરોધ શરૂ થઇ ગયો હતો. તેમની સામે રોયલ સેના પણ ઉભી કરવામાં આવી છે.અને તેમને કોંગ્રેસ સાથે ગદ્દારી કર્યાના આક્ષેપ થયા છે.
અલ્પેશ ઠાકોર પર આરોપ લાગ્યા હતા કે તેઓ કોંગ્રેસમાં રહીને ભાજપને ફાયદો કરાવી રહ્યાં હતા. લોકસભા ચૂંટણી વખતે ચાર બેઠકો પર ભાજપને જીતાડવા તેમને રાજકીય સોદો કર્યો હોવાના આરોપ થયા હતા અને કેટલીક જગ્યાએ તેઓ અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરતા જોવા મળ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરી દેવા કવાયત તેજ કરી છે.