આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત અર્થતંત્રોમાં વૃદ્ધિ વિકાસદર ધીમો પડતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઈલ પ્રોજેક્ટોમાં સ્ટીલની માંગ ઘટવા લાગી છે, આમ આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી હવે પૂરી થવામાં છે.

દેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુંઆરો ૨૦૨૦ બેન્ચમાર્ક આયર્ન ઓર વાયદો ૩.૫ ટકા ઘટને બે સપ્તાહની નીચી સપાટીએ શુક્રવારે (આજે) ૬૨૪.૫ યુઆન (૮૮ ડોલર) મુકાયો હતો. ૨૧ ઓગસ્ટ પછી એક જ દિવસમાં આ પહેલો મોટો ઘટાડો નોંધાયો છે. ચાઈના પોર્ટ પર ડીલીવરી શરતે, ૬૨ ટકા સ્ટીલ કન્ટેન્ટ સ્પોટ આયર્ન ઓર ભાવ સતત ચોથા દિવસે ઘટીને ૯૧ ડોલર મુકાયા હતા. ભારતમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને પણ હાઈગ્રેડ આયર્ન ઓરના ભાવ ટન દીઠ રૂ. ૨૦૦ ઘટાડીને રૂ. ૨૭૦૦ અને નબળી ઓરના રૂ. ૨૪૬૦ કર્યા હતા.

ભારત અને ચીન સહીત જગતભરમાં બાંધકામ તેમજ અન્ય ઉદ્યોગોમાં સ્ટીલની માંગમાં થઇ રહેલા ઘટાડાને પગલે રોકાણકારોમાં પણ આયર્ન ઓરના ભાવ ઘટાડાનો ડર બેસી ગયો છે. સ્ટીલ અને આયર્ન ઓર ડેટા એનાલીટીક સંસ્થાઓ તો કહે છે કે ભારત અને ચીન જેવા દેશોનાં શેરબજારોમાંથી વિદેશી રોકાણનું બાષ્પીભવન થઇ રહ્યું છે, તેણે પણ નોન ફેરસ મેટલ કોમ્પ્લેકસના આંતરપ્રવાહને નબળો પાડી દીધો છે. માંગમાં સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને આગેવાન ભારતીય સ્ટીલ ઉત્પાદક કંપની જેએસડબ્લ્યુનાં મેનેજીંગ ડીરેક્ટર શેષાગીરી રાવ કહે છે કે આગામી વર્ષથી આયર્ન ઓરના ભાવ વેગથી ઘટશે. તેમણે એક આગાહીમાં કહ્યું હતું કે ૨૦૧૯ના બાકીના સમયમાં ભાવ ૮૦થી ૮૫ ડોલર અને આગામી વર્ષે ૬૦થી ૬૫ ડોલર સુધી ઘટી શકે છે.