ખેડા જિલ્લા કોંગ્રસને 2019 માટે વધુ મજબૂત કરવા માટે જિલ્લા કોંગ્રેસમાં નવી નિમણુંકો કરવામાં આવી છે જેમાં છે. આ ફેરફારમાં, મરીડાના યુવાન ધારા શાસ્ત્રી દિનેશચંદ્ર રાઠોડ, નડિયાદના અયુબખાન પઠાણ, ખલાડીના વિજય ભોજાણીનો જિલ્લાના નવા માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આવેલા ભુકંપ અને તેના આંચકાઓમાં કોંગ્રેસ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઈ હતી. 2017ની ચૂંટણીમાં ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત અન્ય હોદ્દેદારોએ કોંગ્રેસનો ઝંડો છોડી ભગવો ધારણ કરી લીધો હતો જેના કારણે મૂળ કોંગ્રસી એવા ભારતસિંહ પરમાર મહુધા સીટ ઉપરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને તે સમયથી જિલ્લા કોંગ્રસ મૂર્છિત થઈ હતી. અને ખેડા જિલ્લાના પીઢ કોંગ્રેસી માલસિંહ રાઠોડને જિલ્લા કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું હતું અને જિલ્લામાં સન્માનપ્રાપ્ત 3 બેઠકો મેળવી હતી જયારે કમનસીબે મહેમદાવાદ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ઠાસરામાં કાંતિભાઈ પરમારનો ઐતિહાસિક વિજય કોંગ્રેસમાં નવી ચેતના તો લાવ્યો જ હતો.
ખેડા જિલ્લામાં કોંગ્રેસના વળતા પાણીની વાતો વચ્ચે યુવાન અને ઉત્સાહી રાજેશભાઈ ઝાલાની જિલ્લા પ્રમુખ તરીકે સુકાન સોંપવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ ઝાલાએ પદ સંભાળતા જ માળખાને વિખેરી નાંખીને કોંગ્રસ મુખ અમિત ચાવડાની સૂચનાથી નવી નિમણુંક કરી છે જે પૈકી મરીડાના અગ્રણી અને ધારા શાસ્ત્રી દિનેશચન્દ્ર રાઠોડને SC cellના ચેરમેન તરીકે નિમણુંક કરી છે જયારે નડિયાદના અયુબખાન પઠાણને મહામંત્રી તરીકે પુન: સમાવ્યા છે.
આગામી લોકસભા 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા સંગઠનમાં વધુ નિમણુંકનો દૌર આગામી સમયમાં કરવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા તૈયારીઓ કરી રહ્યા છે.
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કઠલાલ તાલુકા પંચાયતના સદસ્ય મયૂરિકાબેન વસંતભાઈ મકવાણાને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણુંક આપવામાં આવી છે.