ક્રુડ ઓઈલ ભાવ વર્ષાંત સુધીમાં ૫૦ ડોલર નજીક સરકી જવાની શક્યતા

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૧૩: વેપાર ઝઘડાની ચિંતા અને ધીમી પડી રહેલી વૈશ્વિક ઈકોનોમીએ ક્રુડ ઓઈલબજારનાં ખેલાડીઓને આ વર્ષે માંગ વૃદ્ધિ બાબતે નિરાશાવાદી બનાવી દીધા છે. ઓપેક પ્લસ દેશોએ ખાસ કરીને સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપ મુક્યો તેને નોન ઓપેક દેશોએ ઉત્પાદન વધારીને સરભર કરી નાખ્યું છે. આ જોતા એનાલીસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ઓપેક પ્લસ દેશોએ આથી પણ મોટો ઉત્પાદન કાપ મુકવો આવશ્યક બની ગયો છે. ગોલ્ડમેન સાશે આ સપ્તાહે તેના ડીમાંડ સપ્લાય આઉટલુક ૨૦૨૦ અહેવાલમાં કહ્યું હતું કે જો બજારમાં ફરતા સ્ટોકને સામાન્ય સ્તરે સ્થાપિત કરવો હશે તો ઓપેકે વધારાનો ઉત્પાદન કાપ મુકવો પડશે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ઓપેક પ્લસ મીટીંગ અગાઉ ગુરુવારે કહ્યું હતું કે જો ઓપેક દેશો તરફથી ઉત્પાદનમાં કાપ મુકવામાં આવશે તો પણ નોન ઓપેક ઉત્પાદક દેશોની ક્રુડ ઓઈલ ઉત્પાદન વૃદ્ધિ આ વર્ષાંત સુધી માંગ અને ભાવ બન્ને પર દબાણ જાળવી રાખશે. વૈશ્વિક સ્ટોક ઘટાડવા ૨૦૧૭થી ઓપેક આગેવાનીમાં ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે, પણ માંગ વૃદ્ધિને સંતોષવા નોન ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વૃદ્ધિ કરવામાં આવતા બજારમાં ઓવર સપ્લાઈ સ્થિતિ સર્જાઈ જાય છે. આઈઈએનો અંદાજ છે કે ઓપેક ક્રુડ ઓઈલની માંગ ૨૦૨૦ના પ્રથમ અર્ધવાર્ષિકમાં દૈનિક સરેરાશ ૨૮૩ લાખ બેરલ રહેશે, જે ઓપેક દ્વારા ઓગસ્ટમાં કરવામાં આવેલા ઉત્પાદન કરતા પણ દૈનિક ૧૪ લાખ બેરલ ઓછી હશે.

એજન્સી કહે છે કે નોન ઓપેક દ્વારા આ વર્ષે દૈનિક સરેરાશ સપ્લાય ૬૪૮ લાખ બેરલ ઠાલવવામાં આવી રહી છે તે ૨૦૨૦મા વધીને દૈનિક ૬૭૦ લાખ બેરલ થઇ જશે. આઈઈએ દ્વારા ૨૦૧૯ અને ૨૦૨૦મા દૈનિક માંગ વૃદ્ધિ દર અનુક્રમે ૧૧ લાખ બેરલ અને ૧૩ લાખ બેરલ અંદાજવામાં આવ્યો છે. ગુરુવારે બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ બેન્ચમાર્ક ફ્રંટમંથ વાયદા ઘટીને અનુક્રમે ૬૦.૧૩ અને ૫૫.૩૦ ડોલર પ્રતિ બેરલ બોલાયા હતા. સાઉદી અરેબિયા અને રશિયાએ ઓપેક પ્લસ મેમ્બરોની મીટીંગ અગાઉ સાથી દેશોને એવી સલાહ આપી હતી કે ભાવને ઉપર લઈજવામાં મદદરુપ થવા ઉત્પાદનમાં જે કઈ કાપ મુકવામાં આવે તેને દ્ર્ધતા પૂર્વક વળગી રહેવામાં આવે. તેમણે નાઈઝીરીયા અને ઈરાક તરફ અંગુલી નિર્દેશ કરીને આ સલાહ આપી હતી.

નાઈઝીરીયા તેના ૧૬.૫ લાખ બેરલ પ્રતિદિન લક્ષ્યાંક સામે ૧૮.૪ લાખ બેરલ ઉત્પાદન કરે છે, ઈરાક ૪૬.૫ લાખ બેરલ સામે ૪૮ લાખ બેરલ ઉત્પાદન કરે છે. તાજેતરના વર્ષોમાં ઈરાકે ઉત્પાદન અને નિકાસ બન્નેમાં ભારે વૃદ્ધિ કરી છે, જ્યારે અમેરિકન વેપાર પ્રતિબંધ પછી ઈરાનની નિકાસ પાછલા વર્ષ કરતા ૧૦૦૦ ટકા ઘટી છે. ડીસેમ્બર ૨૦૧૮મા ઓપેક અને રશિયા સહિતના સાથી નોન ઓપેક દેશોએ માર્ચ ૨૦૨૦ સુધી ૧૨ લાખ બેરલનો દૈનિક ઉત્પાદન કાપ જાળવી રાખવાના કરાર સાથે સહમત થયા હતા. ઈરાન, લીબિયા અને વેનેઝુએલાને બાકાત રાખીને ૧૧ સભ્ય દેશોએ દૈનિક ૮ લાખ બેરલની ડીલીવરી કરી હતી.

જો મેક્રોઇકોનોમિક સ્તરેથી વધતી સપ્લાય જોઈએ તો આગામી છ મહિનામાં બેન્ચમાર્ક ક્રુડ ઓઈલ ભાવ વર્તમાન સપાટીથી ૨૦ ટકા ઘટીને ૫૦ ડોલર નજીક સરકી જવાની શક્યતા છે. એનાલીસ્ટો કહે છે કે માધ્યમથી લાંબાગાળામાં ભાવ ૭૦થી ૭૫ ડોલર થાય તો પણ ગ્રાહકો માટે મોંઘા નહિ હોય પણ ઉત્પાદક દેશો માટે આ ભાવ વાજબી ગણાશે. જો ઓપેકને વધુ પાંચ લાખ બેરલ ઉત્પાદન કાપની ફરજ પાડવી હોય તો ભાવ ૪૦થી ૪૫ ડોલર સુધી નીચે જવા આવશ્યક ગણાશે, અને તો જ ભાવ ૭૦ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરવા અગ્રેસર બનશે એમ એનાલીસ્ટો કહે છે.