હિતેશ ચાવડા, ગાંધીનગર: રાજ્યમાં જ્યારે ગરીબ લોકો ને સેવા માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સારવાર ઉપલબ્ધ નથી, જ્યારે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે પિસાવું પડે છે અને ઘણાં કિસ્સામાં લેટ સારવાર અને આર્થિક તંગીના કારણે ઝડપી સારવારને અભાવે ગરીબ દર્દીઓના મોત પણ થવાના કિસ્સા સામે આવ્યા છે.
પરંતુ આ તકલીફો પ્રજાની છે, રાજ્યના નેતાઓની નહીં કારણ કે સરકારમાં બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કહેવાતા લોક સેવકોને આરોગ્યની સારવાર માટે સરકારી-સિવિલ હોસ્પિટલમાં જવાની ખાસ જરૂર પડતી નથી કારણ કે એમની દવાના બિલ સરકારી ખજાનામાંથી એટલે કે પ્રજાના વેરાના પૈસે ચૂકવાઈ જતાં હોય છે, આ બિલ હજારોથી લઈને લાખો રૂપિયા સુધી રાજ્યના કરોડપતિ ધારાસભ્યો ધ્વારા મૂકવામાં આવ્યા હતા અને સરકાર ધ્વારા મંજૂર પણ કરવામાં આવ્યા.
ગુજરાત વિધાનસભા સચિવાલયમાં એક (માહિતી અધિનિયમ-2005) હેઠળ એક RTI કરવામાં આવી જેમાં માંગવામાં આવ્યું કે 13મી વિધાનસભાના સમયકાળ વર્ષ 2012-2017 દરમિયાન, ધારાસભ્યોનો મુસાફરી માટે આપવામાં આવતા પેટ્રોલ-ડીઝલ એલાઉન્સ, ધારાસભ્યોને મેડીકલ બીલ અને ધારાસભ્યોને હવાઈ મુસાફરી માટે એલાઉન્સ ચુકવવામાં આવ્યા હોય તેની માહિતી આપવી.
ગુજરાત વિધાનસભા સચિવાલય ધ્વારા માહિતી આપવામાં આવી જેમાં મેડિકલ બિલ બાબતે ચોંકાવરનારી વિગતો સામે આવી. વિધાનસભાના ધારાસભ્યોમાં 14મી વિધાનસભામાં 10મી વખત ચૂંટાયેલા ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને પહેલી વખત 13મી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો સહિત અનેક ધારાસભ્યોએ રૂપિયા 800થી લાખો રૂપિયા સુધીના મેડિકલ બિલ મૂક્યા હતા અને સરકારી તિજોરીમાંથી મંજૂર કરવામાં આવ્યા હતા.
વિધાનસભા સચિવાલય ધ્વારા આપવામાં આવેલી માહિતીમાં ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યએ પણ મેડિકલ બિલ મંજૂર કરાવ્યુ હતું. ડો નીમાબેન આચાર્ય ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિવડેવિટ કરેલી કુલ સંપતિ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા એફિવડેવિટમાં રૂપિયા 34 કરોડ જેટલી દર્શાવી છે. ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય જાતે MBBS, MD ડોક્ટરની પદવી ધરાવે છે અને તેમના પતિ ડો ભાવેશભાઈ આચાર્ય પણ ડોક્ટરની પદવી ધરાવે છે. ધારાસભ્ય ડો નીમાબેન 34 કરોડની સંપતિ ધરાવે છે અને જાતે ડોક્ટર છે અને તેમણે પણ સરકારમાંથી મેડિકલ મંજૂર કરાવ્યા છે. ધારાસભ્ય જિતેન્દ્ર વાઘાણી એ 2012 વિધાનસભા ચૂંટણીમાં એફિવડેવિટમાં 4 કરોડ રૂપિયાની સંપતિ જાહેર કરી હતી અને તેમણે 3,70,699 રૂપિયાનું મેડિકલ બિલ મંજૂર કરાવ્યુ હતું. 2012-ની 13 મી વિધાનસભામાં પેટલાદથી 7મી વખત ધારાસભ્ય બનેલા નિરંજન પટેલે 9 વખત મેડિકલ બિલ મૂક્યા છે જેમાં જાતે, પત્નીનું, દીકરાનું અને ભાઈનું મેડિકલ બિલ મંજૂર કરાવ્યુ છે. 2012-ની 13 મી વિધાનસભામાં 10મી વખત ધારાસભ્ય બનવાનો ગુજરાતમાં રેકોર્ડ ધરાવતા પૂર્વ મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ સૌથી વધુ વખત મેડિકલ બિલ મંજૂર કરાવ્યા છે, 2012-ની 13 મી વિધાનસભામાં વડગામના ધારાસભ્ય મણિભાઈ વાઘેલા 11 કરોડની સંપતિ ધરાવે છે તેમણે 9,42,952 રૂપિયા જેટેલી મેડિકલ બિલની રકમ સરકાર પાસેથી લીધી છે. ઝાલોદથી 2012-ની 13 મી વિધાનસભામાં ધારાસભ્ય રહેલા ડો મિતેશ ગરાસિયા જાતે ડોક્ટર છે તેમણે પણ 5,91,687 રૂપિયા મેડિકલ બિલ પેટે સરકાર પાસેથી લીધા છે.
RTIમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ધ્વારા આપવામાં આવેલી માહિતી, વધુ માહિતી અને કાગળો ગુજરાત એક્સલુસિવ પાસે ઉપલબ્ધ છે અને ધારાસભ્યોના સંપતિ વિષેની માહિતી ADR પરથી વર્ષ-2012ની વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલ સંપતિ મુજબ છે.
આ કોસટકમાં ખૂબ લાંબા સમયથી બીમાર રહેતા, સ્વ. થયેલ અને 1 લાખથી નીચેના બિલ મંજૂર થયેલા હોય તેઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.