ગુજરાત દેવાદારની સ્થિતીએ – 2.40 લાખ કરોડ જાહેર દેવું થઈ ગયું, બે વર્ષમાં 3 લાખ કરોડ થશે

ગાંધીનગર- ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2019ના રોજ વધીને રૂ.240652 કરોડ થયું છે. રૂપાણી જે રીતે કરજ લઈ રહ્યાં છે તે જોતા આગામી બે વર્ષમાં ગુજરાત સરકારના જાહેર દેવું 2021 સુધીમાં રૂ.3 લાખ કરોડને પાર કરી જશે. રાજ્ય સરકારને દેવાની ચૂકવણીમાં વિક્રમી વ્યાજ પણ ભરવું પડે છે, કારણ કે મોટાભાગનું દેવું બજાર લોન લઈને રૂપાણી સરકારે કર્યું છે. માથાદીઠ દેવું રૂ.46,153 થઈ ગયું છે. જન્મ લેનારું દરેક બાળક રૂ.46 હજારના દેવા સાથે જન્મે છે. આમ ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાતને દેવાદાર બનાવી દીધું છે. લોનનું વ્યાજ ભરવા માટે હવે લોન લેવી પડે છે.

ગુજરાત સરકારનું જાહેર દેવું માર્ચ 2014ના અંતેમાત્ર 149506 કરોડ રૂપિયા હતું તે માર્ચ 2015ના અંતે વધીને 163451 કરોડ રૂપિયા થયું છે. 2016માં જાહેર દેવાની રકમ 180743 કરોડ હતી જે 2017માં વધીને 199338 કરોડ થઇ હતી. 31મી માર્ચ 2018ના અંતે ગુજરાતનું જાહેર દેવું 212591 કરોડ થયું છે. આ દેવામાં સૌથી વધુ 151887 કરોડ રૂપિયા બજાર લોન અને પાવર બોન્ડ મારફતે મેળવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે જાહેર દેવાની કેન્દ્રીય ટકાવારી 17.50 ટકાની સામે 15.69 ટકા છે જે ગયા નાણાકીય વર્ષમાં 16.03 ટકા હતું. એટલે કે ગુજરાત સરકાર પ્રતિવર્ષ ઘટાડો કરતી જાય છે. જે એકંદરે ઘરગથ્થુ ઉત્પાદનના 16.03 ટકા જેટલું થાય છે. જાહેર દેવાના ઘટકાં સૌથી વધુ 71.45 ટકા બજાર લોન ને પાવર બોન્ડ્સ છે. કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 2.80 ટકા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કો પાસેથી લોનની ટકાવારી 5.57 ટકા થાય છે. એનએસએસએફ લોનમાં 20.19 ટકા છે.

પાછલા વર્ષોમાં જાહેર દેવાના ઘટકોમાં ફેરફાર થયા છે જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ 11.87 ટકા થી ઘટીને 2.80 ટકા થયું છે. તે જ પ્રમાણે એનએસએસએફની લોનનો હિસ્સો 51.59 ટકા હતો તે ઘટીને 20.19 ટકા થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો 32.20 ટકાથી વધીને 71.45 ટકા થયો છે. રાજ્યના નાણાકીય વર્ષ 2018-19માં એટલે કે માર્ચ 2019ના અંતે જાહેર દેવાના સુધારેલો અંદાજ 240652 કરોડ રૂપિયા છે.