વંશાવલી – દિલીપ પટેલ – વિશ્લેષણ
પતિ, પત્ની અને વો માટે ભાજપનું રાજકારણ તો છે જ પણ ભાઈ, ભાંડુ, ભગિની, ભરથાર માટે ભાજપ વંશવાદ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની જેવા છે. ભાજપમાં ક્યાંય તુષ્ટિકરણ, પરિવારવાદ કે વંશવાદ નથી, માત્ર રાષ્ટ્રવાદ છે, એવું નેતાઓ કહે છે. પણ ગુજરાતમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, ધારાસભા અને સંસદ મળીને બે હજારથી વધું લોકો ભાજપના વંશ-વારસ તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે અથવા પક્ષના સ્થાનિકથી રાજ્ય કક્ષા સુધી હોદ્દેદાર બની ચૂક્યા છે. એટલે માત્ર કોંગ્રેસમાં જ વંશવાદ છે એવું નથી ભાજપમાં પણ છે. કોંગ્રેસમાં પ્રમાણ વધું છે. ભાજપના ધારાસભ્ય કહે છે કે, પક્ષમાં સતયુગ ચાલી રહ્યો છે. પણ મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં 40 ઉમેદવારો એવા હતા કે જે ભાજપના નેતાઓના સંતાનો કે પુત્ર જેવા વંશી હતા.
રાજનીતિ અને વંશવાદ એ પૌરાણિક સમસ્યા છે. રાજા મહારાજાથી ચાલતો આવતો સિરસ્તો છે. રાજાના પુત્રને ગાદી મળતી હતી. હવે આધુનિક રાજા એવા રાજકારણીઓ ભાઈ, ભત્રીજા, ભાણીયાને ગાદી આપી રહ્યાં છે. તમામ પાર્ટીઓમાં ઓછા વધતા અંશે વંશવાદ છે. કોંગ્રેસે પ્રિયંકાને મહામંત્રી બનાવ્યા ત્યારથી ફરી એક વખત વંશવાદની ચર્ચા શરૂ થઈ છે.
ભાજપના ચગેલા 22 વંશની યાદી અહીં આપી છે. આવી યાદી લાંબી થઈ શકે તેમ છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ, જામનગર, જેતપુર, કાલોલ, સાણંદ, ખાડિયા- જમાલપુર, વરાછા, રાજુલા બેઠકમાં ભાજપે પારિવારિક ટિકિટો આપી હતી.
પતિને પડકાર
મારા પતિએ ટિકિટ ન અપાવી, તેની માનું દૂધ પીધું હોય તો આવે એવું ભાજપના નેતાની પત્નીએ કહ્યું હતું. પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર સુમનબેન ચૌહાણને ટિકીટ આપવામાં આવી હતી. સુમન ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ છે. સાંસદે પોતાના પત્ની રંગેશવરી ચૌહાણ માટે ટિકીટ માગી હતી. ભાજપના નેતાઓએ ગોરમહારાજ બની સાંસદના પુત્રવધૂને ટિકીટ આપતાં સાંસદ અને તેમના પત્ની પક્ષથી રીસાયા હતા. પ્રભાતસિંહના પત્નીએ ફેસબૂક પર લખ્યું હતું કે, ‘પ્રભાતસિંહે એની માનું દુધ પીધું હોય તો કાલોલ પ્રચાર કરવા આવે, મારી ચેલેન્જ છે’. પછી વિવાદ થતાં તે પોસ્ટ દૂર કરવામાં આવી હતી. તેમના ઘરમાં જ તડાફડી બોલી ગઇ હતી. ભાજપ સાંસદે કહ્યું હતું કે મારો પુત્ર બુટલેગર છે અને પુત્રવધૂ પણ જેલવાસ ભોગવી ચૂકી છે. ભાજપ કાલોલ બેઠક પર ઉમેદવાર બદલવા ફેરવિચારણા નહીં કરે તો ભાજપ કાલોલની સીટ હારી જાય તો મારી કોઇ જવાબદારી રહેશે નહીં.
રાજકારણ એક પ્રેમ કથા, પતિ અને પત્નીનો રાજસત્તાનો પ્રેમ
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખની પત્નીને મેન્ડેટ ન મળે તો કોંગ્રેસનો ટેકો લઈને પણ પોતાની પત્નીને પ્રમુખપદે બેસાડવા જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ ડોને તૈયારી કરી હતી. ભાજપે તેમની પત્નીને મેન્ડેટ ન આપ્યો અને પત્ની માટે તેમણે ભાજપની પીઠ પાછળ છૂરી મારીને કોંગ્રેસની મદદથી સત્તા મેળવી હોવીનો અનોખી પ્રેમ કહાની બની હતી. પતિ અને પત્નીને કોંગ્રેસે મદદ કરી અને ભાજપથી છૂટાછેડા લેવડાવ્યા હતા. ડોનની પત્નીને પ્રમુખ બનાવ્યા હતા.
માજી ધારાસભ્યનો પત્ની પ્રેમ
ડાંગ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ પોતાની પત્ની હંસાબેન પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા માંગતાં હતા. તેમણે ગાંધીનગરના ભાજપના નેતાઓને મનાવી લીધા હતા કે તેમની પત્ની સિવાય બીજા કોઈ પ્રમુખ નહીં બને. તેમણે પોતાની પત્નીને જ મેન્ડેડ આપ્યો હતો. જિલ્લા પ્રમુખ રમેશ ડોનના પત્ની અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બેબીબેન ચૌધરી સહિત રેસમાં હતા. પણ અહીં કુટુંબ પ્રેમ જોવા મળ્યો હતો.
પતિને ટિકિટ ન આપી અને પત્ની ભાજપથી રીસાયા
ઝાલોદ નગરપાલિકામાં પતિએ ભાજપની ટિકિટ માગી પણ ન આપી તેથી ભાજપથી રીસાઈને પત્નીએ રાજીનામું આપી દીધું હતું. અનીતા મછાર કે જે ઝાલોદ ભાજપના સંગઠન મંત્રી હતા. તેઓ પક્ષને સંગઠિત રાખવાનું કામ કરતા રહ્યાં હતા. પણ પછી પોતાના કુટુંબ માટે સંગઠિત બન્યા હતા. તેમના પતિ જયસિંગ મછારે ટિકિટ માગી હતી. પણ ભાજપના નેતાઓએ તેમને ટિકિન આપીને ઉમેદવારી ન કરવાનું કહેવામાં આવ્યું હતું તેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. પ્રેમ પત્રના બદલે રાજીનામાં પત્ર મોકલી આપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જેમ સોશિયલ મીડિયામાં પોતાનું રાજીનામું મૂકી દઈને નારાજગી જાહેર કરી દીધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયારે તેમને મનાવવાની કોશીષ કરી હતી. પતિ અને પત્નીને સમજાવી શક્યા ન હતા. સુમબેન ચૌહાણને ટિકિટ મુદ્દે સાસુ તરફથી ખુલ્લી ધમકી મળ્યા પછી જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં કોઇ વિખવાદ નથી. સાસુને અમે મનાવી લઈશું અને અમે જોડે જ પ્રચાર કરીશું. એટલું જ નહીં, તેમણે જંગી બહુમતિથી વિજયી થઇશું, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
પત્નીને કાપી પતિને ટિકિટ
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહુવા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ભાવનાબેન મકવાણાને કાપીને તેમના પતિ રાઘવજીભાઈ મકવાણાને ટિકિટ આપી હતી. દાવેદાર તો પત્ની હતા પણ પતિને લોટરી લાગી હતી. આવું કોંગ્રેસમાં જ થડુ થાય છે. ભાજપમાં પણ પત્ની પત્ની ઓર વો પણ ચાલે છે.
પિતાનો અંધ પુત્રપ્રેમ
પાટણના ભાજપ સાંસદ લીલાધર વાઘેલાની માગ હતી કે, બનાસકાંઠાની ડીસા બેઠક પરથી તેમના પુત્ર દિલીપ વાઘેલાને ટિકિટ આપવામાં આવે. વાઘેલાએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણી આવે તો તે રાજીનામું આપી દેશે. આમ પિતા અને પુત્ર પ્રેમ અહીં જોવા મળે છે.
લાંચ લઈશુ સાથેસાથે જીવીશું સાથે
સુરતના લિંબાયત ગોડાદરા વોર્ડના ભાજપની મહિલા સેવિકા મીના રાઠોડ વતી તેના પતિ એન્ટી કરપ્શન બ્યુરોની લાંચની ટ્રેપમાં આબાદ સપડાયા હતા. પત્નીના કહેવાથી પતિ લાંચ લેતો હતો. શહેર ભાજપે પતિ અને પત્ની બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
પત્નીની કામગીરી પતિ કરે છે
ગેરકાયદેસર બિલ્ડીંગના બાંધકામ અને કામમાં દખલ કરતાં સરપંચ પત્ની જિજ્ઞાબેનના પતિ ભરત સોનીને પકડી લેવામાં આવ્યા હતા. ભરત સોની કચ્છ ભાજપના આગેવાન હતા.
પતિએ પત્નીને બચાવવા ફોન રેકોર્ડ કર્યા
રાજકોટના વોર્ડ નં.5ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને તેમના પતિ અરવિંદ ભેંસાણીયાએ ભાજપના નેતા નીતિન ભારદ્વાજનો ફોન રેકોર્ડ કર્યો હતો. પત્નીને બચાવા જતાં બન્નેને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડ્યો હતો.
પિતાએ પુત્રને રાજનેતા બનાવ્યો
પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પોતાના પુત્ર જયેશ રાદડીયાને ધારાસભ્ય બનાવીને પ્રધાન પણ બનાવી દીધો છે. હવે વિઠ્ઠલ રાદડીયા લોકસભાની ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી પોતાના ભાઇને ટિકિટ અપાવવા સક્રિય થયા છે.
પુત્ર ગાદી સાચવશે
બનાસકાંઠામાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરિભાઇ ચૌધરી આ વખતે લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. તેઓ પોતાના પુત્રને સાંસદ બનાવવા તલપાપડ બન્યા છે. તે માટે ટિકિટની ભલામણ કરી રહ્યાં છે.
ખૂની આરોપી ધારાસભ્યએ પત્નીને ટિકિટ અપાવી
ગોંડલના ધારાસભ્ય હતા ત્યારે જયરાજસિંહ જાડેજાએ પોતાની પત્ની ગીતાબેન જાડેજાને ટિકિટ અપાવી હતી. જયરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયા બાદ તેમની સામે કેસ ચાલી રહ્યો છે. તેમનો એક બંગલો ગીતાવીલાના નામે છે.
મોઢુકામાં ભાજપના નેતાના પત્ની હાર્યા
તલોદ તાલુકાના મૌઢુકા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સંગીતાબહેન ઝાલા વિજયી થયા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી તલોદ ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ પટેલના પત્ની રેખાબહેન રવિન્દ્રભાઈ પટેલ પરાજીત થયા હતા. ભાજપના ઉપ્રમુખે પોતાની પત્નીને ટિકિટ અપાવી હતી.
પત્નીને ગાંધીનગરના મેયર બનાવવા અપહરણ
ગાંધીનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલનાં પત્ની મેયર પદની હોડમાં હોવાને કારણે અંકિત બારોટનું અપહરણ કરાયાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે. અંકિતના મામાના દિકરા કેતન પટેલ અને ગીરીશ મગન પટેલ છે.
હરેન પંડ્યાના પત્ની પણ લાઈનમાં
ભાજપના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડયા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડવા માટે તૈયાર હતા. પછી તેમને ગુજરાત રાજ્ય સરકારના બાળ અધિકાર માટે નીમાયેલા કમિશનના ચેરપર્સન બનાવાયા હતા. તેમના પતિ હરેન પંડ્યાની 2003માં હત્યા થઈ હતી.
પતિ પત્ની કોંગ્રેસમાં જઈ સત્તા મેળવી
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ચૌધરી તેમની પત્ની બેબી સાથે કોંગ્રેસમાં ભળી જતા ભાજપના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. પછી પતીએ પત્નીને સત્તા સ્થાને બાસાડી લીધા હતા.
અશોક ભટ્ટ અને ભૂષણ ભટ્ટ
અમદાવાદના ખાડિયાના પૂર્વ ધારાસભ્ય અશોક ભટ્ટે પોતાના પુત્ર ભુષણ ભટ્ટને ખાડિયાના કોર્પોરેટર બનાવ્યા હતા. પછી તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા.
સોલંકી વંશ
માછીમારી પ્રધાન પુરૂષોત્તમ સોલંકીના ભાઈ હિરાભાઈ સોલંકી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આવું વર્ષોથી ચાલતું આવે છે.
કેશુભાઈને પુત્ર મોહ
ભાજપના સ્થાપક અને પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ પોતાના પુત્રને ભરત દેસાઇના ભાવિ માટે ગમ ખાઇને ભાજપમાં પાછા ફર્યા હતા. તેમણે વિસાવદરના વિપક્ષના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાંથી ભરત કેશુભાઈ પટેલ-દેસાઇને ચૂંટણી લડાવી હતી. જેમાં ભાજપે ભરતને હરાવ્યા હતા.
સાણંદમાં વંશની જીત
ભાજપે અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકની ટિકિટ કનુ મકવાણાને આપીને ધારાસભ્ય તરીકે જીતાડ્યા હતા. તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય કમશી મકવાણાના પુત્ર છે. ભાજપે પિતાને ટિકિટ ન આપી, પુત્રને આપી હતી.
પુત્રીને ટિકિટ આપી
સુરતના વરાછાથી પુનઃ ચૂંટણી લડતા ઝંખના પટેલ સ્વર્ગસ્થ ધારાસભ્ય રાજા પટેલના પુત્રી છે. આમ અહીં પણ ભાજપે પરિવારને સાચવ્યો છે.
બે ભાઈઓ સાથે પુત્રનું રાજનૃત્ય
મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા બન્ને ભાઈઓ ભાજપમાં રહ્યાં અને એક સાંસદ અને એક ધારાસભ્ય બન્યા હતા. નરેશ કનોડિયાના પુત્ર હીતુ કનોડિયાને પણ ઈડર બેઠક પરથી ટીકિટ આપી ભાજપના ધારાસભ્ય બનાવાયા હતા.