ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લાં કેટલાંક સમયથી જાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે. લાંબા સમયથી પડતર પ્રદેશ કોંગ્રેસનું માળખું જાહેર કરતાં પણ આંખે પાણી આવી ગયાં હતાં. જેમ તેમ પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું તો હવે રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યાં છે. એક બાજુ જસદણની પેટાચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. તો બીજી બાજુ બન્ને પક્ષોમાં વરિષ્ઠ અગ્રણીઓની નારાજગી બહાર આવવા લાગી છે. મંગળવારે સોમનાથનાં કોંગ્રેસનાં નેતા જગમલ વાળાએ પ્રદેશ મંત્રીનું પદ સ્વીકારવાનો ઈનકાર કરતો પત્ર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખ્યો છે તેનું હજુ નિરાકરણ આવ્યું નથી ત્યાં વધુ એક નેતાએ પાટીદાર નેતાઓને પ્રદેશ માળખામાં યોગ્ય સ્થાન નહિ આપ્યો હોવાથી નારાજગીનો સૂર ઉઠ્યો છે.
જસદણ પેટા ચૂંટણીમાં રોજ નવા સમીકરણો સર્જાય છે. ત્યારે કોંગ્રેસ સામે હવે પાટીદારો નારાજ જોવા મળી રહ્યાં છે. પાટીદાર સમાજનો ઉપયોગ કરીને હાંસિયામાં ધકેલી દેવાયો હોવાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. પાટીદાર અગ્રણી સંજય ખૂંટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આ અંગે પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 400 હોદ્દેદારો સાથેનાં જાહેર થયેલાં જમ્બો માળખામાં માત્ર 6 ટકા જ પાટીદાર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. Khabarchhe.com સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ વધારે છે અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. તેમ છતાં દરવખતની જેમ મત માટે ઉપયોગ કરીને પાટીદારોને હાંસિયામાં ધકેલી દેવાની રાજકીય પક્ષોની વૃત્તિ હોવાનું ખૂલી ગયું છે.
જસદણ પેટા ચૂંટણી પહેલા જ પાટીદાર સમાજની નારાજગીથી કોંગ્રેસ કાર્યકરોઅને અગ્રણીઓમાં ચિતા જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર નેતાનાં આ પત્રનાં કારણે પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. તો બીજી બાજુ આજે ધોરાજીમાં પાટીદારોને અનામત મામલે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજની એક મહત્વની બેઠક ચાલી રહી છે, જેમાં આગળનાં કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે. આ પત્રને કારણે પણ જે સ્થિતિ ઊભી થઈ છે તેને જોતાં પાટીદારો કોંગ્રેસનો પણ વિરોધ કરે તો નવાઈ નહિ.