પ.બંગાળમાં ડુંગળીની દુકાનમાંથી ચોર ૧૦ બોરી લઈ ફરાર

મિદનાપુર,તા:૨૮

આભને આંબી રહેલા ડૂંગળીના ભાવે સામાન્ય પ્રજાની આંખમાં પણ આંસુ લાવી દીધા છે. હવે એવી સ્થિતિ બની ગઈ છે કે લોકો ડુંગળી પણ લૂંટવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં આવી જ એક ઘટના જોવા મળી છે. અહીંથી લૂંટારૂઓ એક દુકાનનું તાળું તોડીને રૂ. ૫૦ હજારની કિંમતની ડુંગળી ચોરી ગયા છે.

સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં આવેલા બાસુદેવપુરના શાહ બજારમાં અક્ષયદાસ નામના ડૂંગળી-બટાકાના વેપારીની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. આ દુકાનમાંથી ચોરો ડુંગળીની ૧૦ બોરી ચોરીને ભાગી ગયા છે. આ ડુંગળીની કિંમત રૂ. ૫૦ હજારની આસપાસ થવા જાય છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલોના રૂ.૯૦થી ૧૦૦ ચાલી રહ્યો છે. જેના કારણે હવે ડુંગળીની દુકાનમાં પણ ચોરી થવા લાગી છે.