બિલ્ડરો અને નેતાઓના ગેરકાયદે બાંધકામ તુટતા નથી

અમદાવાદના લોકો જે ઈચ્છતાં હતા તે આખરે થયું છે. દબાણો કરનારા રાજકીય નેતાઓ છે અને તેમના દબાણો દૂર કરાતાં નથી એવી લાગણી અમદાવાદમાં જોવા મળતી હતી. તેમ જ આખરે થયું છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને અમપા દ્વારા શહેરમાં બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે તેમાં અસારવા વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્યની ઓફિસ તથા અમપાના વિપક્ષના નેતાની દુકાન અને ખડી સમિતિના પૂર્વ અધ્યક્ષની મિલકતો ઝપટમાં આવી છે. રોડ ઉપરનાં દબાણો હટાવવામાં આવી છે. જો કે ખરા ગેકદાયદે બિલ્ડીંગોના બાંધકામ  અને જ્યાં પાર્કીંગની જગ્યા છે ત્યાં દુકાનો બનાવી દીધી છે એવા બિલ્ડર રાજકારણીઓને કંઈ જ કરવામાં આવ્યું નથી કે ગાંધીનગરના ધારાસભ્યોના પ્લોટ પર ગેરકાયદે બાંધકામ હજુ દૂર કરાયું નથી. જે દૂર થયું છે તે માત્ર દેખાવ કરવા માટે જ થયું છે.

શહેરના એસ્ટેટ-ટીડીઓ ખાતું તથા પોલીસ સવારથી જ રોડ અને ફૂટપાથ ઉપર વધારાનાં બાંધકામ, શેડ, લારીગલ્લા, ઓટલા, પગથિયા, દિવાલો વગેરે પ્રકારનાં દબાણ હટાવવાનું શરૂ કરી દે છે. પણ શોપીંગ સેન્ટરોમાં પાર્કીંગની જગ્યાએ દુકાનો બનાવી દેનારા એક પણ બિલ્ડર સામે આજ સુધી બાંધકામ તોડી પડાયું નથી. જો દુકાનના બદલે પાર્કીંગ રખાયું હોત તો વાહનો રસ્તા પર પાર્ક કરવેના બદલે નિયત પાર્કીંગમાં પાર્ક કરવામાં આવતાં હોત.

સિવિલ હોસ્પિટલના અસારવા વિસ્તારમાં ફોરેન્સિક લેબોરેટરી ચાર રસ્તાથી મેઘાણીનગર મીનાબજાર સુધીનાં રોડ ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન ભાજપનાં ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસનો શેડ, ઓટલો અને પગથિયા નડતરરૂપ હોઇ તેને તોડી પાડવામાં આવ્યાં હતા. આ એજ કચેરી છે કે જે વર્ષોથી દબાણમાં આવે છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પહેલાં અસારવામાંથી ચૂંટણી લડતાં હતા ત્યારે તેઓ ભાજપની આ કચેરીનો ઉપયોગ કરતાં હતા. તેમણે મત વિસ્તાર બદલીને વસ્ત્રાલ ગયા હતા. તેમણે પોતે આ ગેરકાયદે કચેરીનો ઉપયોગ કર્યો હતો.

પ્રદીપ જાડેજાએ પોતાના ખાસ મિત્ર એવા પ્રદિપભાઇ પરમારને ધારાસભ્ય તરીકે ટિકિટ અપાવી હતી અને તેઓ અસારવાથી ચૂંટાયા છે. ભાજપ ગેરકાયદે કચેરી બનાવી હોવાથી તે અંગે હોબાળો ન થાય તે માટે ભાજપનાં ધારાસભ્યે તોડફોડ થવા દીધી હતી.

આ ઉપરાંત ધારાસભ્યની ઓફિસની થોડે આગળ મીનાબજાર તરફનાં રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનેતા દિનેશ શર્માની દુકાન આવેલી છે, જે તેમણે ભાડે આપી છે. તેના ફૂટપાથ ઉપર પગથિયા બનાવેલા હતા. તે તોડી પાડવામાં આવ્યા હતા. વળી, ખડી સમિતિના પૂર્વ પ્રમુખની મિલકતનો અમુક હિસ્સો ફૂટપાથ ઉપર હોવાથી તેને પણ તોડવામાં આવ્યો હતો. એક જ લાઇનમાં ત્રણ ત્રણ નેતાઓની મિલકતનાં દબાણો હટાવાયા હોવાનો દેખાવ કરવામાં આવ્યો હતો.

લોકો એવી ટીકા કરી રહ્યાં છે કે, ખરેખર જો શહેરની પાર્કીંગની સમસ્યા દૂર કરવી હોય તો આમ છાપરાં કે પગથીયા કે ઓટલા તોડવાના બદલે 50 હજારથી વધારે બિલ્ડીંગોમાં પાર્કીંગના સ્થાને દૂકાનો બની છે તે તોડીને તેના નાણાં જે તે બિલ્ડર પાસેથી વસુલ કરવા માટે ઝૂંબેશ શરૂ કરવી જોઈએ. પણ તેમ નહીં કરીને માત્ર ઓટલા, શેડ, સાઈનીંગબોર્ડ, ટી.પી.લાઈન કે પગથીયા તોડવામાં આવી રહ્યાં છે.