અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટામેટા તેમજ ચણાના વાવેતરમાં ઈયળના ઉપદ્રવથી પાકનો નાશ થવાના એંધાણથી ખેડૂતો ચિંતિત થયા છે.
મોડાસા તાલુકાના બોરડીકંપા સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ બાગાયતી પાક તરીકે ટામેટાંની ખેતી કરી છે. જેમાં લીફ માઈનર નામની ઈયળથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ પ્રકારના રોગથી ઈયળ પાંદડાને ખાઈ જતી હોય છે. જેથી ટામેટાંનો છોડ સૂકાઈ જવા પામે છે. તો ચણામાં પણ લીલી ઈયળોનો ઉપદ્રવ વધતાં છોળના પોપચામાં પેસીને ચણાનો નાશ કરે છે. ચણાનો પાક ઓછા પાણીમાં પણ સારો થવા લાગે છે. જો કે, પાક સારો થવાની આશા લઈને બેઠેલા ખેડૂતોના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ વધવા લાગ્યો છે.
મહત્વનું છે કે, ગત વર્ષે ટામેટાનું કુલ વાવેતર ત્રણ સો ત્રણ હેક્ટરમાં થવા પામ્યું હતું. જ્યારે ચણાનું વાવેતર આ વર્ષે 4,777 હેક્ટરમાં થયું છે. ઈયળના ઉપદ્રવથી બચવા માટે કેટલીક સાવચેતીથી ચણાના પાકને બચાવી શકવાનો જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
ખેડૂતોને અવાર નવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા પાણીની પળોજણ તે બાદ ખાતરમાં ભાવ વધારો ને હવે પાકમાં રોગ લાગુ પડતા ખેડૂતોમાં ધેરી ચિંતાની લાગણી પ્રવર્તી છે.