રાજકારણે બબીતા ફોગટના રેસલિંગને વિખેરી નાખ્યું

દબંગ ગર્લ બબીતા ફોગટે તાજેતરમાં જ તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો

કુશ્તીમાં દેશને સન્માન અપાવનારી આ ખેલાડીએ તેની નેમ-ફેમનો લાભ ઊઠાવવા રાજકારણમાં પ્રવેશ કર્યો પણ તે તેમાં સાવ જ નિષ્ફળ રહી અને પહેલી જ ચૂંટણીમાં નોકઆઉટ થઈ ગઈ. એવું નથી કે ખેલાડીઓ રાજકારણમાં સફળ નથી થતા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રમત પરથી ધ્યાન હટવનારા ખેલાડી રાજકારણમાં પણ ખાસ કંઈ ઉકાળી નથી શકતા અને તેમના બાવાના બેય બગડે એવો ઘાટ થાય છે

જે ગામમાં ખાપ પંચાયતનો દબદબો હોય, જ્યાં મહિલા જન્મદર ઓછો હોય અને ત્યાંની મહિલાઓ જ જો દેશનું નામ ગર્વથી ઊંચું કરે તો વાત જ કંઈક ઓર કહેવાયને. આવું જ કંઈક કરી બતાવ્યું છે ભિવાનીમાં જન્મેલી રેસલર કુમારી બબીતા ફોગટે. જોકે, બબીતા ફોગાટને રેસલર બનાવવામાં તેના પિતાનું યોગદાન ખૂબજ રહ્યું છે પરંતુ બબીતાની જોરદાર મહેનત અને મજબૂત ઈરાદાઓ સાથે તેના વિરોધીઓને પછાડીને અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે. 30 વર્ષીય બબીતાનો જન્મ ભિવાનીના એક નાનકડા ગામમાં થયો હતો. બબીતા કુમારી ફોગટના પિતા મહાવીર ફોગટને પહેલવાનીનો શોખ હતો. મહાવીર ઈચ્છતા હતા કે તેમની પત્નીને પુત્ર થાય પરંતુ બીજી વખત પણ તેમને પુત્રી જન્મી. થોડા દિવસ સુધી તેઓ તેમની નિરાશાને મનમાં રાખીને બેઠા પરંતુ પછી તેમનું મન બદલાઈ ગયું અને નક્કી કર્યું કે દેશને ગોલ્ડ અપાવવો હોય તો પછી એ ગોલ્ડ છોકરો લાવે કે છોકરી એનાથી કોઈ ફેર નથી પડતો.

બબીતા કુમારી ફોગટ અને તેની મોટી બહેન ગીતા ફોગટે પિતાના આ સ્વપ્નને સાકાર કર્યું. ગીતા ફોગટે 2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો તો વળી બબીતા કુમારી ફોગટે 2014ના વર્ષમાં ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ પહેલાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બબીતા કાંસ્ય અને કોમનવેલ્થમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ચૂકી હતી પરંતુ ગોલ્ડનું મુલ્ય કંઈક જુદું જ હોય છે. આ સ્થિતિમાં તેણે બે વર્ષ બાદ ગોલ્ડ મેડલ માટે જ વિરોધી ખેલાડીને પછડાટ આપી હતી.

ફ્રિ સ્ટાઈલ રેસલર બબીતા ફોગટે તેની કારકિર્દી દરમિયાન કુલ સાત મેડલ જીત્યા છે. જેમાં ચાર ગોલ્ડ, બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ મેળવ્યો છે. બબીતાએ 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે 2012માં સ્ટ્ર્ટકોના કન્ટ્રી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ પછી તેણે 2014માં ગ્લાસગોલ કોમનવેલ્થ અને 2018માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2013માં જેલી એશિયન ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. રમતથી દૂર રહ્યા બાદ બબીતા ફોગટે રાજકારણમાં પગ મૂક્યો. સપ્ટેમ્બરમાં બબીતા ફોગટે પિતા પછી ભારતીય જનતા પક્ષનું સભ્યપદ લીધું. આ વર્ષે હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બબીતાને ભાજપે દાદરીની બેઠક પરથી ટિકિટ આપી અને તે ત્યાંથી લડી. આ પહેલાં હરિયાણા પોલીસમાં સબ ઈન્સપેક્ટરની તેણે નોકરી છોડવી પડી. બીજી બાજુ વિધાનસભાની ચૂંટણીમાં બબીતા હારી ગઈ. અત્રે એ ઉલ્લેખનીય છે કે 2009થી 2013ના દેખાવના જોરે હરિયાણાની તત્કાલિન કોંગ્રેસ સરકારે તેને પોલીસની નોકરી આપી હતી જેને તેણે રાજકારણ માટે કુરબાન કરી દીધી. રસપ્રદ બાબત એ છે કે આમિર ખાનને ચમકાવતી દંગલ ગીતા અને બબીતાના જીવન પર બની હતી. આ ફિલ્મ માટે પૂજા ડાંડાને બબીતાના રોલ માટે પસંદ કરાઈ હતી. ફિલ્મ શરૂ થતા પહેલાં તૈયારીઓ ચાલી રહી હતી જેમાં પૂજાને ઈજા થઈ. એ પછી એ રોલ માટે અન્ય અભિનેત્રીની પસંદગી કરવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે આગળ જતાં પૂજા ડાંડાએ બબીતાની મોટી બહેન ગીતા ફોગટને નેશનલ ચેમ્પિયનશિપમાં પરાસ્ત કરી હતી.

બબીતા હજુ 30 વર્ષની છે. તેણે દેશ માટે હજુ તો મેડલ જીતવાની શરૂઆત જ કરી હતી એમ કહી શકાય. એવામાં તેને રાજકારણનું ચાનક ચઢ્યું અને તે ચૂંટણી લડી જેમાં હારી ગઈ. એનો એક અર્થ એવો કરી શકાય કે જેમ હાર્યો જુગારી બમણું રમે એમ બબીતા હવે રાજકારણમાં વિજયના ઝઝૂન સાથે ઝઝૂમતી રહેશે અથવા એવું પણ બને કે તે રમતમાં મળેલા સન્માનને ટકાવી રાખવા તેની રમત પર કે તેના મેનેજમેન્ટમાં યોગદાન આપવા પર ફોક્સ કરે. ખેલાડીઓ રાજકારણમાં ઝંપલાવે એ કંઈ બહુ નવી વાત નથી. શૂટર રાજ્યવર્ધન રાઠોર આ બાબતનું સૌથી મોટું અને તાજું ઉદાહરણ છે. આ ઉપરાંત ગત સંસદની ચૂંટણીમાં ફૂટબોલર ભાઈચંગ ભૂતિયા સહિતના કેટલાક ખેલાડીઓએ પણ ઝંપલાવ્યું હતું અને તેમાંથી કેટલાક તેમના નેમ અને ફેમને વટાવી ખાવામાં સફળ રહ્યા છે. સામાન્ય રીતે ભારતમાં ક્રિકેટર્સને જે નામ અને ફેમ મળે છે એવા અન્ય રમતના ખેલાડીઓને નથી મળતા. જેના લીધે જ અત્યાર સુધીમાં અનેક ક્રિકેટર્સ રાજકારણમાં સફળ રહી ચૂક્યા છે. નવજોત સિધ્ધૂ અને મહમ્મદ અઝરૂદ્દીન સાંસદ તરીકે સારા પંકાયા છે. ખેર, આમાંથી ભાગ્યે જ કોઈ ખેલાડીએ દેશ માટે કંઈ ખાસ કે તેના રાજ્ય માટે બહુ ઉપયોગી કામ કર્યા હશે પણ તેઓ તેમની લોકપ્રિયતાને વટાવીને થોડા સમય સુધી તો રાજકારણમાં ટકી રહેવામાં સફળ થયા જ છે. આ તમામમાં એક બાબત નોંધવી રહી કે રમતમાંથી રાજકારણમાં જનારા મોટા ભાગે રમતની કારકિર્દી પૂરી કર્યા બાદ આવ્યા હતા. એની સામે બબીતા પાસે તો રમતમાં હજુ પણ દેશ માટે યોગદાન આપવાનો સમય અને તક હતા છતાં તેણે રાજકારણમાં ઝંપલાવ્યું એ ખરેખર કમનસીબ બાબત છે. બબીતા કરતા ગીતાની લોકપ્રિયતા ખૂબજ વધુ છે. બબીતાએ તેની રમત પર વધુ ધ્યાન આપ્યું હોત તો તે તેના અને દેશના હિતમાં હોત. લોકપ્રિયતા હાંસલ કરવામાં ખૂબજ લાંબો સમય જાય છેઅને ખૂબજ ભોગ આપવો પડે છે પણ આ ફેમને ધોવાતા જરાયે વાર નથી લાગતી એ સમજવું જરૂરી છે. આશા રાખવી રહી કે બબીતાએ રાજકારણ કરતા વધુ ધ્યાન પોતાની રમત અને રમતના વિકાસ પર આપ્યું હોત તો તે ઘણા સારા પરિણામ આપી શકી હોત.