રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માળખામાં ધરમૂળથી ફેરફાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય હાઈ કમાન્ડ દ્વારા  ગુજરાતના  પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને હટાવીને તેમનાં સ્થાને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી શંકરસિંહ વાઘેલાએ એનસીપીનાં નવા પ્રદેશ માળખાની રચના કરી છે. જેમાં એનસીપીનાં તત્કાલિન પ્રમુખ જયંત બોસ્કીનાં સમયમાં ચાલી આવતાં તમામ લોકોને હટાવી દેવામાં આવ્યાં છે. એકમાત્ર ડૉ. જગદીશચંદ્ર દાફડાને નવા પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રદેશ માળખાની નવરચના કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જોઈતાભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે જયપ્રકાશ ઠાકર, પ્રદેશ મહામંત્રી તરીકે ડૉ. જગદીશચંદ્ર દાફડા, ખજાનચી તરીકે ચંદુભાઈ ટી. ઠક્કરની નિમણૂંક કરાઈ છે. જ્યારે પ્રદેશ પ્રવકતા અને મીડિયા ઈન્ચાર્જ તરીકે રણજિતસિંઘ ધિલ્લોનની, સેક્રેટરી (ઓફિસ એડમિનિસ્ટ્રેશન) તરીકે મુકેશ એન. વેદની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર પ્રમુખ તરીકે ધીરેન શશિકાંત ભટ્ટની, જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે રણમલ સિસોદિયા અને નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે દિલીપસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.

એનસીપીનાં પ્રદેશ પ્રમુખ તરીકે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યની વિવિધ ચૂંટણીઓમાં પરાજયનો સ્વાદ ચાખનાર અને પ્રદેશ રાજકારણમાંથી ડિરેઈલ થયેલાં શંકરસિંહ વાઘેલાની નિમણૂંક કરાતાં એનસીપીનાં વર્ષો જૂનાં નેતાઓ અને કાર્યકરોમાં અંદરખાનેથી રોષ જોવા મળી રહ્યો છે. એનસીપીની જ્યારથી રચના થઈ છે ત્યારથી જયંત બોસ્કી દ્વારા રાજ્યમાં એનસીપીને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી રહી હતી. પરંતુ, છેલ્લાંચારેક વર્ષથી જયંત બોસ્કીનાં ભાજપ સાથેનાં નજીકનાં સંબંધો થતાં એનસીપીનું હાઈકમાન્ડ પણ તેમની ગતિવિધિથી નારાજ હતું. અને તેનાં કારણે વર્ષ 2017માં એનસીપીને વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર બેઠક મેળવી હતી. અને ત્યારથી જ જયંત બોસ્કીની કામગીરી ઉપર સવાલ ઉઠાવાઈ રહ્યાં હતાં. પરંતુ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતનાં રાજકારણનાં ધૂરંધર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં વિધિસર રીતે જોડાયા હતાં. અને હવે જ્યારે હાઈક્માન્ડે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે ત્યારે તેમણે નવી ગિલ્લી નવો દાવ કરીને આખા પ્રદેશ માળખાને વિખેરીને નવું માળખું રચ્યું છે. આ સંજોગોમાં નજીકમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એનસીપી કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું.