સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચાર માટે તપાસ પંચ નિયુક્ત કરાયું, તો વિરોધ કોણે કર્યો?

સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતી. દાહ્યાભાઈ નાયક અને શ્રીકાંત શેઠને રાજભવનમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી. અનેક પુરાવા અને મુદ્દાઓની ચર્ચા થયા બાદ રાજ્યપાલે કહ્યું હતું કે મને ખાતરી થઈ છે કે, આશ્રમમાં વર્ષોથી લડત ચાલી રહી છે તે સાચી છે. આક્ષેપો પ્રમાણે સાબરમતી આશ્રમના અનેક ટ્રસ્ટોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નીમાય તેવી તેમની માંગણી સાથે હું સહમત છું. ગૌશાળામાં થયેલાં પારાવાર ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા માટે ડાહ્યાભાઈ નાયક, શ્રીકાંત શેઠ, હરિજન સેવક સંઘ અને બીજા લોકો તૈયાર ન હતા. તેઓ સંમત થતા ન હતા, ત્યારે રાજ્યપાલે તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, જો તમે વહીવટ સારો જ કર્યો હોય તો પછી તપાસ પંચ નિયુક્ત થાય તેમાં તમને શું વાંઘો છે. રાજ્યપાલે જેવી આ દલીલ સામે મૂકી તેની સાથે જ ડાહ્યાભાઈ તુરંત સહમત થયા હતા.

રાજ્યપાલે તે બેઠકમાં એવું નક્કી કર્યું હતું કે, તપાસ પંચ ત્રણ મુદ્દા આધારિત હશે. તેનો અહેવાલ શક્ય એટલા ટુંકા ગાળામાં આપી દેવાનો રહેશે. જેમાં 1- આ સંસ્થા ગાંધીમુલ્યો અને ગાંધી વિચાર પર આધારિત હોવાથી તપાસ પંચનો પ્રથમ પાયો સત્ય અને નૈતિકતાનો રહેશે. 2- આશ્રમના ટ્રસ્ટોની વહિવટી તપાસ કરશે. 3 – આર્થિક બાબતોને લગતી તપાસ કરશે.

ગુજરાત હરિજન સેવક સંઘ અને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના તપાસ પંચ તરીકે રવિશંકર મરાહાજ અને બબલભાઈ મહેતા રહેશે.

હરિજન આશ્રમ ગૌશાળાના તપાસ પંચ તરીકે બળવંતસિંહ અને સોમાભાઈ પટેલ રહેશે.

આમ રાજ્યપાલે તેની નિયુક્તિ કરી હતી.

આ તપાસ પંચમાં રવિશંકર મહારાજનો વિરોધ આશ્રમ વાસીઓએ કર્યો હતો. તેથી સચિવ કક્ષાના એક અધિકારીને વધારાના સભ્ય તરીકે તેમાં નિયુક્ત કરાયા હતા.

આ પ્રક્રિયા પૂરી થતાં રાજ્યપાલે ઉપવાસી એવા સોમાભાઈને પારણાં કરાવ્યા હતા.

તુરંત થોડા દિવસોમાં જ જાહેર નિવેદન લોકોએ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સાબરમતી આશ્રમ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેમાં ચાલતાં છેલ્લી કક્ષાના ભ્રષ્ટાચારથી આસપાસના લોકો તંગ આવી ગયા છે. તપાસ પંચ નિયુક્ત કર્યું છે તેનો આભાર માનવામાં આવે છે. પરંતુ સાથે વિનંતી છે કે તપાસ તુરંત શરૂ કરવામાં આવે અને એવો ડર છે કે, રેકર્ડ સાથે ચેડાં કરી શકે છે. તેથી ગુજરાત હરિજન સેવક સંઘ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, હરિજન આશ્રમ ગૌશાળા એમ આ ત્રણ સંસ્થાઓને તુરંત સીલ મારી દેવામાં આવે તેનું રેકર્ડ જપ્ત કરવામાં આવે. જેથી તેની સાથે કોઈ ચેડાં ન થાય. જેમની સામે ભ્ર,ટાચારના આરોપો છે તેમને તુરંત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. દફતર કબજે લઈને તપાસ પંચને તુરંત સોંપી દેવામાં આવે.

તપાસના અંતે જે દોષિત સાબિત થશે તે અંગે તેમની સામે તુરંત પગલાં લેવામાં આવે.

તો શું તપાસ પંચે તપાસ કરી ખરી ?