સુરતના ક્રિપ્ટો કરન્સી રેકેટમાં સંડોવાયેલા બે ભાગીદારો ઝડપાયા

અમદાવાદ, તા.૨૫

ક્રિપ્ટો કરન્સી અથવા તો વર્ચ્યુંઅલ કરન્સી દ્વારા લોકોને છેતરવાની એક ડઝન જેટલી ઘટનાઓ સુરતમાં બની ચૂકી છે. જેમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ગારનેટ કોઈનના નામે એક ઠગ ટોળકીએ લોકોને સારા રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આ કેસમાં વધુ બે આરોપીઓને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે.

સુરતના ભુપેન્દ્રભાઈ પરષોત્તમભાઈ પટેલે સીઆઈડી ક્રાઈમમાં ગારનેટકોઈનના ભાગીદારો રિતેશ ભીખાભાઈ સોજીત્રા, હિરલ ઉર્ફે હિરેનકુમાર ધીરુભાઈ કોરાટ, ભાવિકભાઈ ધીરુભાઈ કોરાટ, અનિલ બાલાભાઈ ગોહિલ અને હિતેશ પ્રફુલ્લભાઇ વઘાસિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ગારનેટ કોઈનના ભાગીદારોએ આરબીઆઈની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગારનેટ કોઈન તેમજ તેની વેબસાઈટ બનાવડાવીને ગારનેટ કોઈન નામની કરન્સી બહાર પાડી હતી. આ કરન્સીના નામે સુરતના નાના વરાછામાં ઓફિસ શરૂ કરી હતી.

આ ગારનેટ કરન્સીમાં રોકાણ કરાવવા માટે અનેક સ્થળો ઉપર પ્રમોશન કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને લોકોને ગારનેટકોઈનમાં રોકાણ કરવા માટે લોભામણી અને લલચામણી વાતો કરી હતી. જેમાં કહ્યું હતું કે, આઈ.સી.ઓ. દરમિયાન કોઈનનો ભાવ 0.10 યુએસ ડોલર એટલે કે રૂ. 7 રાખીને દર દસ દિવસે કોઈનનો ભાવ વધશે અને ટૂંકા ગાળામાં આ કોઈનનો ભાવ ત્રણ યુએસ ડોલર એટલે કે, 200 રૂપિયા થઈ જશે અને ટૂંકા ગાળામાં સારું વળતર આપવાની જાહેરાતો કરીને લોકોને રોકાણ માટે આકર્ષિત કર્યા હતા.

આ દરમિયાન ફરિયાદી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય રોકાણકારોએ રૂ. 2.51 લાખનું રોકાણ કર્યું હતું. આ રોકાણની રકમ વધીને રૂ.20.51 લાખની થઈ હતી. દરમિયાનમાં ગારનેટ કોઈનના ભાગીદારો ઓફિસ બંધ કરીને ફરાર થઈ હતા.

સીઆઈડી ક્રાઈમની ટીમે ગત 16 ઓગસ્ટના રોજ પાંચ ભાગીદારો પૈકીના બે ભાગીદારો રિતેશ ભીખાભાઈ સોજીત્રા અને હિરલ ઉર્ફે હિરેન ઉર્ફે ભૂરો ધીરુભાઈ કોરાટની ધરપકડ કરી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે વધુ બે આરોપી એવા હિતેશ પ્રફુલભાઇ વઘાસીયા (રહે. માન્ય રેસિડેન્સી, સરથાણા જકાતનાકા વરાછા, સુરત) અને અનિલ બાલાભાઈ ગોહિલ (રહે. પાલડી ગામ, તા. સિહોર, જી. ભાવનગર, હાલ સુંદરવન સોસાયટી, કામરેજ, સુરત)ની ધરપકડ કરીને અદાલતમાંથી રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવી છે.