ટૉલ્સ્ટૉય આશ્રમમાં મારી સામે એક પ્રશ્ન મિ. કૅલનબૅકે ઊભો કર્યો. તેમણે ઉપાડયો તે પહેલાં મેં તેને વિચાર નહોતો કર્યો. આશ્રમમાં કેટલાક છોકરાઓ બહુ તોફાની અને નઠારા હતા. કોઈક રખડુ હતા. તેમની જ સાથે મારા ત્રણ દીકરાઓ હતા. બીજાં પણ તેવી રીતે ઊછરેલાં બાળકો હતાં. પણ મિ. કૅલનબૅકનું ધ્યાન તો પેલા રખડુ જુવાનિયાઓ અને મારા દીકરાઓ ભેળા કેમ રહી શકે એ તરફ જ હતું. એક દિવસે તે બોલી ઊઠયાઃ ‘તમારી આ રીત મને જરાય ગળે નથી ઊતરતી. આ છોકરાઓની સાથે તમારા છોકરાઓને ભેળવો એનું પરિણામ તો એક જ આવેઃ તેમને આ રખડું છોકરાઓનો પાસ લાગે ને તેઓ બગડ્યા વિના કેમ રહે?’
હું ઘડીભર વિમાસણમાં પડયો કે નહીં એ તો મને અત્યારે યાદ નથી આવતું, પણ મારો જવાબ મને યાદ છે. મેં કહેલુઃ ‘મારા છોકરાઓ અને રખડું છોકરાઓની વચ્ચે હું ભેદ કેમ કરી શકું? અત્યારે બન્નેને સારુ હું સરખો જવાબદાર છું. આ જુવાનિયાઓ મારા નોતર્યા આવ્યા છે. જો હું તેમને પૈસા આપું તો તેઓ તો આજે જ જોહાનિસબર્ગમાં જઈ રહેતા હતા તેમ પાછા રહે. અહીં આવવામાં તેમણે મારા ઉપર કંઈક મહેરબાની કરી છે એમ પણ તેઓ તેમ જ તેમના વડીલો માનતા હોય તો નવાઈ નહીં. અહીં આવવાથી તેઓ અગવડ ભોગવે છે એ તો તમે ને હું બન્ને જોઈએ છીએ. પણ મારો ધર્મ સ્પષ્ટ છે. મારે તેમને અહીં જ રાખવા જોઈએ. એટલે મારા છોકરા પણ તેમની સાથે જ રહે. વળી શું હું આજથી મારા છોકરાને તેઓ બીજા કેટલાકના કરતાં ઊંચા છે એવો ભેદભાવ શીખવું? એવો વિચાર તેમના મગજમાં રેડવો એ જ તેમને આડે રસ્તે દોરવા જેવું છે. આ સ્થિતિમાં રહેવાથી તેઓ ઘડાશે, સારાસારની પરીક્ષા પોતાની મેળે કરતા થઈ જશે. આપણે એમ કેમ ન માનીએ કે તેમનામાં જો ખરેખર કાંઈ ગુણ હશે તો ઊલટો તેનો જ ચેપ તેમના સાથીઓને લાગશે? ગમે તેમ હોય, પણ મારે તો તેમને અહીં રાખ્યે જ છૂટકો છે. ને જો તેમ કરવામાં કંઈ જોખમ હોય જ તો તે ખેડવું રહ્યું.’ મિ. કૅલનબૅકે માથું ધુણાવ્યું.
પ્રયોગનું પરિણામ ખરાબ આવ્યું એમ ન કહી શકાય. મારા દીકરાઓને તેથી કંઈ નુકસાન થયું એમ હું નથી માનતો. લાભ થયો એ હું જોઈ શક્યો. તેમનામાં મોટાઈનો કંઈ અંશ રહ્યો હોય તો તે સર્વથા ગયો. તેઓ બધાની સાથે ભળતાં શીખ્યા. તેઓ તવાયા.
આ અને આવા અનુભવો પરથી મને એમ લાગ્યું છે કે, માબાપોની દેખરેખ બરોબર હોય તો પોતાનાં સારાંનઠારાં છોકરાં સાથે રહે ને ભણે તેથી સારાને કશી હાનિ નથી. પોતાનાં છોકરાંને તિજોરીમાં પૂરી રાખવાથી તે શુદ્ધ જ રહે છે અને બહાર કાઢયાથી અભડાય છે એવો કોઈ નિયમ તો નથી જ. હા, આટલું ખરું છે કે, જ્યાં અનેક પ્રકારનાં બાળકો તેમ જ બાળાઓ સાથે રહેતાં ભણતાં હોય ત્યાં માબાપની અને શિક્ષકની કસોટી થાય છે, તેમને સાવધાન રહેવું પડે છે.
વધુ આવતા અંકે______